હાશ! રાજકોટની આબરૂને બટ્ટો લગાડતું વિકૃત હોર્ડિંગ અંતે હટાવાયું
જગતના સૌથી મોંઘેરા મહેમાન રાજકોટના અતિથિ બનવાનાં હોય ત્યારે તેમનાં સન્માનમાં હોર્ડિંગ્સ લાગવા જોઈએ, કોઈપણ પ્રકારનાં અરુચિકર હોર્ડિંગથી ભાજપનાં ગઢ એવાં રાજકોટની આબરૂ ઘટી શકે
- Advertisement -
‘ખાસ-ખબર’નાં આંખ ઉઘાડનારા અહેવાલના કારણે હોર્ડિંગ ઉતારી લેવાયું, પરંતુ સંબંધિત લોકોને દંડ થવો જરૂરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રૈયા ચોકડી અને આમ્રપાલી અંડરપાસ પર ‘યે ગધા હૈ’ લખેલું વિચિત્ર અને ચર્ચાસ્પદ હોર્ડિંગ હટાવી લેવામાં આવ્યું છે. ગઈકાલે શહેરીજનોમાં ભારે ચર્ચા જગાવનાર આ હોર્ડિંગ્સ વિશે ‘ખાસ-ખબર’ના અહેવાલ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તેને હટાવી લેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી રોડ-શો અને વાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમોને લઈને જ્યારે શહેરને શણગારવામાં આવી રહ્યું છે, ત્યારે જ બરાબર વડાપ્રધાનના રોડ-શોના રૂટ પર આવેલા આમ્રપાલી અંડરપાસ અને રૈયા ચોકડી પર એક ગધેડાના ચિત્ર સાથે ‘યે ગધા હૈ’ લખેલું હોર્ડિંગ જોવા મળ્યું હતું. આ હોર્ડિંગ જોઈને ભયંકર રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગઈકાલે ‘ખાસ-ખબર’ દ્વારા આ ગંભીર મુદ્દાને વાચા આપવામાં આવી હતી અને સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે વડાપ્રધાન જેવા અતિ મહત્વના મહાનુભાવ જે માર્ગ પરથી પસાર થવાના હોય ત્યાં આવા હોર્ડિંગ્સને મંજૂરી કોણે આપી? આ સમાચાર પ્રસિદ્ધ થતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને વિવાદ વધે તે પહેલા જ મોડી રાત્રે આ હોર્ડિંગ ઉતારી લેવામાં આવ્યું છે. રાજકોટની જનતા અને સ્થાનિક વેપારીઓએ પણ આ હોર્ડિંગ હટવા બદલ સંતોષ વ્યક્ત કર્યો છે. લોકોનું કહેવું છે કે, શહેરની ગરિમા અને મહેમાનના સ્વાગત સમયે વડાપ્રધાનના રોડ શોના રૂટ પર આ પ્રકારના હોર્ડિંગ્સ યોગ્ય નથી.



