કથા સમયે દેશના શહીદો માટે વિશેષ ફંડ એકત્ર થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
આગામી તા. 1થી 16 જૂન દરમિયાન શિવવંદના ચેરિટેબલ ટ્રસ્ટ અને શિવાય હોલીડેઝ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ઐતિહાસિક અને વિશ્ર્વમાં સૌ પ્રથમ આદિ કૈલાસ અને ૐ પર્વતની પરમ પવિત્ર ભૂમિમાં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ સાથે અનેક ધાર્મિક કાર્યક્રમો, ઉત્સવો અને લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્યાર સુધી આ જગ્યાએ માત્ર સરકારી રાહે જ જવાતું હતું, અતિદુર્ગમ ગણાતી આ યાત્રાનો માર્ગ છેક ધારચુલાથી નાણીગામ સુધી પેવરરોડ બની જતાં હવે આ માર્ગ વિશ્ર્વનો મોટર એડવેન્ચર રોડ બનતાં વર્ષ 2022થી આ યાત્રા ભારત સરકારે તમામ માટે ખુલ્લી મૂકાઈ હતી. ડો. ગોસ્વામી જણાવે છે કે આદિ કૈલાસ અને ૐ પર્વત નેપાળ, ભારત અને ચીનના સીમાપ્રાંત વિસ્તારમાં આવેલ હોવાથી સરકારની અનુમતિ અને મેડિકલ ટેસ્ટ વિના આ વિસ્તારમાં પ્રવેશી શકાતું નથી. આ શિવકથા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાત અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓને નિમંત્રિત કરાયા છે.
- Advertisement -
શિવ મહાપુરાણ કથાના મુખ્ય યજમાન પીપળીયા હોલવાળા મહેશભાઈ મોહનભાઈ પીપળીયા છે. જ્યારે શિવકથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે- આંતરરાષ્ટ્રીય શિવકથાકાર પૂ. હંસદેવગિરિ બાપુ- શિવાશ્રમ નવાગામ અત્યાર સુધીનું સૌથી મોટું ગ્રુપ 150 યાત્રિકો શિવકથા ગ્રુપમાં યાત્રાએ તા. 1 જૂન રાત્રે 8 કલાકે અમરનાથ મહાદેવ મંદિર- બીગ બજાર પાછળ, 150 ફૂટ રીંગ રોડ ખાતેથી યાત્રા માટે પ્રસ્થાન કરશે ત્યારે રાજકોટના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને સાધુસંતો વિદાય આપશે. મહાદેવની પૂજા આરતી બાદ યાત્રિકો આદિકૈલાસ યાત્રા માટે પ્રસ્થાન કરશે. યાત્રામાં 51 દંપતિ સાથે 86 વર્ષના યાત્રિક પણ છે.
આદિ કૈલાસ અને ૐ પર્વત સ્થળ 17500 ફૂટની ઉંચાઈએ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત સાથે શહીદોને સલામી સાથે શ્રદ્ધાંજલી અપાશે તેમજ જ્ઞાનયજ્ઞમાં પ્રાપ્ત અનુદાન દેશની રક્ષા માટે શહીદ થનારના પરિવારને અપાશે. શિવકથા દરમિયાન વ્યસન મુક્તિ અભિયાન સાથે વિવિધ પ્રસંગો ધામધુમથી ઉજવાશે. પોથીયાત્રા સાથે શિવ-પાર્વતી વિવાહ, દેવી પ્રાગટ્ય, ગણપતિ પ્રાગટ્ય, 12 જ્યોતિર્લિંગની સાથે પાર્થેશ્ર્વર શિવલિંગ પૂજન, શિવતાંડવ જેવા પ્રસંગો ઉજવાશે. આ તમામ ધાર્મિક વિધિ વેદાચાર્ય પંડિત પ્રમોદકુમાર દવે કરાવશે. યાત્રિકો સાથે સ્થાનિક લોકો માટે પણ મહાપ્રસાદ અને ભંડારાનું 7 દિવસ આયોજન કરવામાં આવ્યું છે. તમામ યાત્રિકોને વિદાય આપવા સ્વામી પરમાત્માનંદ સરસ્વતી સહિત ભગવા ગ્રુપ રાજકોટના તમામ સાધુ-સંતો ઉપરાંત ભરતભાઈ બોઘરા, પરેશભાઈ ગજેરા, જયેશભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી, સંસદસભ્યો અને ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતા શાહ, દેવાંગભાઈ માંકડ, મંત્રી ભાનુબેન બાબરીયા, લલીતભાઈ રાદડીયા, વિજયભાઈ ડોબરીયા, જયેશભાઈ ઉપાધ્યાય, શાંતિભાઈ ફળદુ, કલ્પકભાઈ મણિયાર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને ન્યુઝ ચેનલના પ્રતિનિધિઓ હાજર રહેશે.