પૃથ્વી પર ગંગાથી વધારે પવિત્ર, વેદોથી વધુ પ્રાચીન, કોહિનૂરથી વધુ કિંમતી અને આત્મા સમ વિશુદ્ધ જો કંઈ હોય તો તે શિવ સૂત્રો છે., કારણકે તે પરમતત્ત્વ શિવનું સર્જન છે. શિવ સૂત્રો વિશે અનેક મહાપુરુષો, સિદ્ધ યોગીઓ, તર્ક સમ્રાટો, સ્પિરિચ્યુઅલ ગુરુઓ, ઉત્તમ વક્તાઓ, મર્મજ્ઞ વિદ્વાનો, શાસ્ત્રજ્ઞ ભાષ્યકારો અને તત્ત્વચિંતકો ઘણું બધું લખી ગયા છે. દરેકે પોતાની રીતે અર્થ ઘટન કર્યું છે. સત્ય એ છે કે શિવ સૂત્રોનું અર્થઘટન કોઈ પોતાની રીતે કરી શકે નહિ., એ અર્થઘટન તો સ્વયં શિવજીની દૃષ્ટિએ જ થવું જોઈએ.
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
સૂત્ર એટલે કોઈ દીર્ઘ બાબતનું ટૂંકામાં ટૂંકું રૂપ. લઘુતમ શબ્દોમાં ગહનતમ ફિલસૂફીનો સમાવેશ. બે શબ્દોના બનેલા સૂત્રને સમજાવવા માટે એક આખો ગ્રંથ નાનો પડે. શિવ સૂત્ર એટલે મનુષ્યના જીવનને કલ્યાણકારી બનાવવા માટે સ્વયં શિવ દ્વારા અપાયેલા આદેશો. શિવ સૂત્ર એટલે અજ્ઞાનની ઘેરી નિદ્રામાં પોઢેલા માનવીને જ્ઞાનની સમાધિ સુધી દોરી જનાર પરમતત્ત્વના સૂચનો. જે બિંદુ પર જગતના તમામ ધર્મો, ધર્મ શાસ્ત્રો, પૂજા-વિધિઓ અને યૌગિક ક્રિયાઓ વિરમી જાય છે ત્યાંથી શિવ સૂત્રનો સૂર્યોદય થાય છે.
- Advertisement -
શિવ સૂત્રો વિષે લખવા માટે હું જ્યારે તૈયાર થયો છું ત્યારે મારી માનસિકતા લખતી વખતના કાલિદાસની માનસિકતા જેવી છે; જાણે હું તરાપા પર બેસીને સાગર પાર કરવા નીકળ્યો હોઉં એવું લાગે છે! શિવ સૂત્રો વિશે લખવાની મારી કોઈ પાત્રતા છે જ નહિ. વસ્તુત: હું લોખંડનો એવો ટુકડો છું જે શિવજીના શબ્દ રૂપી પારસમણિને સ્પર્શીને સુવર્ણ બનવાની ઝંખના સેવતો હોય.
પ્રથમ શિવ સૂત્ર છે : આ બે શબ્દોના બનેલા સૂત્ર પર સતત બે દિવસ બોલી શકાય તેમ છે, પણ હું લાઘવનું શરણ લઈશ. જીવાત્માના મુખ્ય ત્રણ ઘટકો છે : શરીર, મન અને આત્મા. જયારે મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે તેના બે ઘટકો નાશ પામે છે, પરંતુ આત્મા જીવંત રહે છે. જીવંત અને મૃત માનવી વચ્ચે માત્ર ચેતનાનો જ તફાવત રહેલો છે, આ ચેતના એટલે જ આત્મા. માનવ દેહમાં 24 તત્ત્વો વર્ણવ્યા છે : પાંચ મહાભૂતો, પાંચ અતિ સૂક્ષ્મતત્ત્વો, પાંચ જ્ઞાનેન્દ્રિઓ, પાંચ કર્મેન્દ્રિઓ અને ચાર પ્રાણ તત્ત્વ (મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર). આ 24 તત્ત્વોને સક્રિય બનાવી શકે તેવું એક જ તત્ત્વ છે, જે છે આત્મા. દરેક મનુષ્યની અંદર રહેલું આ ચૈતન્ય એટલે કે આત્મા તે પરમ ચૈતન્યનો જ એક અંશ છે.
દરિયામાં ઉઠતી લહેર એ દરિયાથી અલગ દેખાવા છતાં અલગ હોતી નથી. દરેક લહેરમાં એ જ પાણી હોય છે જે દરિયામાં હોય છે. એવી જ રીતે દરેક મનુષ્યનો આત્મા એ પરમાત્માનો જ એક અંશ છે. જો પરમાત્માને પાવર હાઉસ સાથે સરખાવો તો મનુષ્યના દેહને તમે ઇલેક્ટ્રિક બલ્બ માની શકો અને તે બલ્બને પ્રકાશિત કરનાર વીજળીના કરંટને તમે ચૈતન્ય અર્થાત આત્મા ગણી શકો. જેવો વીજળીનો પ્રવાહ અટકી ગયો તે સાથે જ બલ્બ હોલવાઈ ગયો.
મોટા ભાગના વક્તાઓએ આ પ્રથમ શિવ સૂત્ર વિશે ઘણું બધું કહ્યું છે, ઘણાં બધાં ઉદાહરણો આપ્યા છે, અસંખ્ય લોક રંજક રમૂજો અને વાર્તાઓ જોડીને ચાવેલા કોળિયાને ફરીથી ચાવવાના પ્રયત્નો કર્યા છે. પરિણામે આ સૂત્રનું ખોટું અર્થઘટન પણ કરી બેઠા છે. મોટા ભાગના વિદ્વાનો શબ્દના અર્થઘટન વિશે સાચા છે પરંતુ નખ.થ શબ્દ વિશે દરેકનું અર્થઘટન અલગ છે. મેં એ બધાનો અભ્યાસ કર્યા બાદ નખ.થ શબ્દનો શાસ્ત્રોક્ત અર્થ સ્વીકારીને શિવ સૂત્ર સમજવાની કોશિશ કરી છે.
શક્ય એટલી સાદી શૈલીમાં પ્રથમ શિવ સૂત્ર વિશે કહું તો સનાતન વૈદિક ધર્મના અદ્વૈત ભાવનો સર્વ પ્રથમ જનક એટલે આ શિવ સૂત્ર. આદિ શંકરાચાર્ય પણ અદ્વૈતવાદનો સિદ્ધાંત આપી ગયા પરંતુ તેઓ બહુધા નમાયાથ શબ્દની આસ-પાસ રમતા રહ્યા છે. શિવ સૂત્રો આદિ શંકરાચાર્યથી પણ આગળની વાત કરે છે. હવેની વાત વધારે જટિલ લાગશે માટે અહીં જ વિરમુ છું.