દેવાધિદેવ મહાદેવના ચરણોમાં ડો શરદ ઠાકરના પ્રણામ. વિશ્વભરમાં ફેલાયેલા તમામ શિવાલયો એક સરખા પવિત્ર છે અને ભક્તોને સુંદર સંદેશ આપે છે.
મહાદેવની સામે જમણો પગ વાળીને બિરાજેલા નંદીજી સાધકનું પ્રતિનિધિત્વ કરે છે. સાધક વિનમ્ર તો હોવો જ જોઈએ પરંતુ એક પગે હોય એટલે એલર્ટ પણ હોવો જોઈએ. દોડવાની સ્પર્ધામાં અથવા ખો -ખો ની રમતમાં ખેલાડી જમણો પગ વાળીને બેઠા હોય છે જેથી સંકેત મળતાની સાથે જ ઝડપથી ઊભા થઈ ને દોડી શકાય. સાધક આવો જ સાવધાન અને તત્પર હોવો જોઈએ.
નંદીજીની આગળ બિરાજમાન કાચબો આપણને શીખવે છે કે ઈશ્વરની ભક્તિ કરવી હોય તો ઇન્દ્રિયોને સંકોચીને અંતર્મુખી બની જવું જોઈએ.
શિવલિંગ પરની જળાધારીમાંથી નિરંતર ટપકતું જળ આપણને સતત અને અવિરત શિવજીના સ્મરણમાં રહેવાની શીખ આપે છે. જળાધારીમાંથી ટપકતું જળ સર્પને જાગ્રત કરે છે. સર્પ એ આપણી કુંડલિનીનું પ્રતીક છે અને જ્યારે કુંડલિની જાગ્રત થાય છે ત્યારે શક્તિ સક્રિય બને છે; આ કારણથી જ દરેક શિવાલયમાં શિવલિંગની પાછળ મા પાર્વતીની મૂર્તિ જોવા મળે છે.
- Advertisement -
શિવજીને ચઢાવવામાં આવતું બિલીપત્ર ત્રણ પાંદડાનું બનેલું હોય છે. એ જગતના ત્રણ તત્વો રજસ, તમસ અને સત્વની વાત કરે છે. જો તમારે શિવજીને પ્રસન્ન કરવા હોય તો આ ત્રણેય તત્વો શિવજીને ચરણે ધરી દેવા જોઈએ. એ પછી જ આપણે ગુણાતીત બની શકીશું. ગુણાતીત એટલે આ ત્રણ તત્વોની પાર જઈ શકીએ. આટલું સમજ્યા પછી શિવજીની ભક્તિ કરવી અને મંત્ર જાપ કરવો.