સોમનાથમાં શ્રદ્ધા અને પર્યાવરણનો સંગમ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પર્યાવરણ સંરક્ષણ અને ધાર્મિક પરંપરાનું એક અનોખું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. મંદિર પરિસરમાં સાત વિઘા વિસ્તારમાં પથરાયેલું પવિત્ર ’બિલ્વ વન’ આજે ભગવાન શિવની પૂજા માટે બિલ્વ પત્રો પૂરા પાડતી એક સ્વયંપૂર્ણ અને વૈજ્ઞાનિક વ્યવસ્થા બની ગયું છે.
વર્ષ 2001માં સ્થાપિત આ વનમાં બીલીના આશરે 700 જેટલા વૃક્ષો આવેલા છે. આ વૃક્ષોના ઉછેર માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અને નિયમિત છાણીયા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. દરરોજ આ વનમાંથી આશરે 5000 જેટલા શુદ્ધ અને પવિત્ર બિલ્વ પત્રો એકત્રિત કરી નવા તથા જુના સોમનાથ મંદિરમાં મહાદેવને અર્પણ કરવામાં આવે છે. બહારના બજાર પર નિર્ભર રહ્યા વગર, સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ વન ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં સવા લાખ જેટલા બિલ્વ પત્ર પૂરા પાડે છે. શંખ ચોક ઉપરાંત અન્ય બે સ્થળોએ પણ આવા વનો વિકસાવવામાં આવ્યા છે. આ પહેલ દ્વારા સોમનાથ ટ્રસ્ટે ધાર્મિક પૂજાવિધિમાં પવિત્રતા જાળવવાની સાથે હરિત વિચારધારાને પ્રોત્સાહન આપીને સમાજ સામે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.



