શ્રાવણ માસની શરૂઆત થતાં જ ચારેબાજુ જય ભોલેનાથના નાદ સંભળાય છે. શ્રાવણ માસમાં ભોળાનાથની ઉપાસના અને આરાધનાનું મહાપર્વ છે. ભક્તો આ માસમાં શિવજીની પૂજા અર્ચના કરે છે. શિવ મંદિરમાં ભકતો અનેક પ્રકારના અભિષેક કરે છે. કોઈ દહી, દૂધથી, કોઈ ગંગાજળથી કરે છે.
આ માસમાં શિવજી પર ગંગાજળ, દૂધ, પંચામૃત ચઢાવવામાં આવે છે. જે લોકોનાં જીવનમાં કષ્ટો હોય, મુશ્કેલીઓ હોય તો શિવપૂજન અને આ પ્રકારના અભિષેકથી શાંતિ મળે છે.
- Advertisement -
શ્રાવણ માસમાં, તેમાં પણ સોમવારની પૂજાનું વિશેષ મહત્વ છે. પ્રથમ સોમવારે એક મુઠ્ઠી ચોખાથી શિવલિંગની પૂજા કરવી. બીજા સોમવારે એક મુઠ્ઠી તલથી શિવલિંગની પૂજા કરવી. ત્રીજાં સોમવારે એક મુઠ્ઠી આખાં મગથી શિવલિંગની પૂજા કરવી. ચોથા સોમવારે એક મુઠ્ઠી જવથી શિવલિંગની પૂજા કરવી.
ભોળાનાથને બીલીપત્ર, ધતૂરો, આંકડો પ્રિય છે, તો તેનાથી પૂજા કરવાથી અનેકગણું ફળ મળે છે. આ માસમાં શિવજીનાં બધાં જ મંદિરોમાં ભાવિકોની ભીડ જોવા મળે છે. ચારેબાજુ ધાર્મિક વાતાવરણ બની જાય છે. આ પૂરો શ્રાવણ માસ લોકો શિવની ઉપાસના કરી વાતાવરણને ભકિતમય બનાવી દે છે. શ્રાવણ માસ એટલે શિવશંકર ભોળાનાથની ઉપાસના અને આરાધનાનું પર્વ. ભક્તો આ પવિત્ર એવાં શ્રાવણ માસમાં શિવજીને પ્રસન્ન કરવાં ગંગાજળથી જળાભિષેક કરે છે. આ શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કે એકટાણા કરી ભકિતનું ભાથું બાંધે છે.
ભગવાન શંકરને સોમવાર પ્રિય છે, તેવી રીતે જ શ્રાવણ માસ પણ પ્રિય છે. તેથી દર સોમવાર અથવા પ્રદોષ કાળમાં શિવની પૂજા કરવાથી બધાં જ પાપ અને કષ્ટો દૂર થાય છે. સમુદ્ર મંથન દરમ્યાન દેવતાઓ અને દાનવો દ્વારા જે વિષ કળશ નીકળ્યો, તે દાનવોએ વિષ પીવાનો ઈન્કાર કર્યો, તો ભગવાન ભોળાનાથે, સંસારનું હિત કરવાં આ વિષને પોતાનાં કંઠમાં ધારણ કર્યું. આ વિષને કારણે ભગવાન શંકરને ચક્કર આવ્યાં અને ગરમી લાગવા માંડી, તો ભગવાન ભોળાનાથની આ ગરમી ઓછી કરવાં, ગંગા અને ચન્દ્રને પોતાનાં શિર પર ધારણ કર્યા. તેથી જ લોકો પવિત્ર એવાં શ્રાવણ માસમાં ભોલેનાથ પર જળાભિષેક કરે છે. બધાં જ ભગવાનમાં ભોળાનાથ, ખૂબ જ ભોળાં છે. તેઓની સાચા મનથી પૂજા કરવાથી, તેઓ જરૂરથી પ્રસન્ન થાય છે. ભોળેનાથને બિલિપત્ર ઘણાં પ્રિય છે, તો ફક્ત ઓમ નમ: શિવાય…બોલી 108 વખત શિવલિંગ પર બિલિપત્ર ચડાવવાથી શિવ શંકર પ્રસન્ન થાય છે. ભગવાન શંકરને, ભૂતેશ્વર, મહાકાલેશ્વર, તત્કાલેશ્વર, અને કૈલાસવાસી…કોઈપણ નામે પુકારો, બસ સાચા મનથી ખાલી એક લોટી પાણી પણ શિવલિંગ પર ચડાવશો, તો ભોલેનાથ તરત જ રીઝે છે. શ્રાવણ માસમાં પાર્થેશ્વર પૂજનનું પણ ઘણું મહત્વ છે. તેનાં માટે શુધ્ધ માટીમાંથી નાનાં નાનાં એક સો આઠ શિવલિંગ બનાવીને, તેની પૂજા અર્ચના કરવાથી ભક્તોને મનોવાંચ્છિત ફળ મળે છે. આ સિવાય પંચાક્ષર મંત્ર, મહામૃત્યુંજય મંત્ર કરવાથી પણ અનેકગણું પુણ્ય મળે છે.
- Advertisement -
આમ, પવિત્ર એવાં શ્રાવણ માસમાં, ભવો ભવનો ઉધ્ધાર કરવાં માટે શિવલિંગની પૂજા અને શિવ ભક્તિ કરી મનુષ્ય અવતારનો મોક્ષ પામી લઈએ.
- વર્ષા ભટ્ટ (વૃંદા) અંજાર