એવિએશન સેક્ટરમાં ઇજારાશાહી તોડવાની કેન્દ્ર સરકારની તૈયારી
ત્રણ નવી એરલાઇન્સને કેન્દ્રનું ગ્રીન સિગ્નલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરકારે એવિએશન સેક્ટરમાં સ્પર્ધા વધારવા અને મોટી એરલાઇન્સ પર નિર્ભરતા ઘટાડવા માટે ત્રણ નવી એરલાઇન્સને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (ગઘઈ) જારી કર્યું છે. આ એરલાઇન્સના નામ શંખ એર, અલહિન્દ એર અને ફ્લાય એક્સપ્રેસ છે.
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે હાલમાં ઇન્ડિગોના ઓપરેશન સંબંધિત સમસ્યાઓ સામે આવી હતી. આ પછી સરકારને લાગ્યું કે ભારતીય એવિએશન સેક્ટરમાં વધુ કંપનીઓ અને વિકલ્પોની જરૂર છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે સરકારનો લક્ષ્ય ભારતીય આકાશમાં વધુ એરલાઇન્સને પ્રોત્સાહન આપવાનો છે. સરકાર માને છે કે નવી એરલાઇન્સના આગમનથી મુસાફરોને વધુ સારી સેવા અને વધુ વિકલ્પો મળશે.
એવિએશન ઇન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે આનાથી ભારતીય એવિએશન સેક્ટરમાં નવી સ્પર્ધા શરૂ થશે. જોકે, આ નવી એરલાઇન્સ સામે અસલી પડકાર હવે શરૂ થાય છે. તેમને મૂડી એકત્ર કરવી પડશે, વિમાન કાફલો તૈયાર કરવો પડશે અને મજબૂત નેટવર્ક ઊભું કરવું પડશે, જેથી તેઓ સાચા અર્થમાં ઉડાન ભરી શકે.
જાણકારોના મતે, જો આ એરલાઇન્સ સફળ થાય છે, તો તેનો સીધો ફાયદો મુસાફરોને મળશે. ટિકિટોના વધુ વિકલ્પો મળશે અને દેશના અલગ-અલગ ભાગોની એર કનેક્ટિવિટી પણ સુધરશે.
એનઓસી મળવાનો અર્થ એ છે કે સરકારે આ કંપનીઓને એરલાઇન શરૂ કરવાની આગળની પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. હવે પછીનું પગલું ડીજીસીએ પાસેથી એર ઓપરેટર સર્ટિફિકેટ (અઘઈ) મેળવવાનું રહેશે. આ સાથે તેમને વિમાન (ફ્લીટ), પાયલટ અને સ્ટાફ, મેન્ટેનન્સ અને રૂટ નેટવર્ક સંબંધિત તમામ તૈયારીઓ કરવી પડશે.
આ આખી પ્રક્રિયા સામાન્ય રીતે ઘણા મહિનાઓ સુધી ચાલે છે. આ દરમિયાન એ સ્પષ્ટ થાય છે કે કોઈ એરલાઇન આર્થિક રીતે કેટલી મજબૂત છે અને ઉડાન સંચાલન માટે કેટલી તૈયાર છે.



