ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
માણાવદર શહેરમાં 160 ટકા જેટલો વરસાદ પડ્યો છે અને તમામ સ્ત્રોતો પાણીથી તરબોળ છે છતાં પાલિકા દ્વારા 6 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે તે પણ પાણી ડહોળુ વિતરણ થતું હોવાની શહેરમાંથી ફરિયાદો ઉઠી રહી છે ત્યારે કદાચ ગુજરાતની પ્રથમ નગરપાલિકા માણાવદર હોઈ શકે જ્યાં ચોમાસાની સિઝનમાં પણ દિવસે પાણી વિતરણ થતું હોય ત્યારે એક તરફ રાજ્ય સરકાર શુદ્ધ પાણી અને લોકોના ઘર સુધી પાણીની વાતો થઈ રહી છે તો બીજી તરફ કંઈક અલગ જ વાસ્તવિક્તા માણાવદરમાં જોવા મળી રહી છે.
માણાવદર શહેરમાં સારો વરસાદ પડતા માણાવદર નગરપાલિકાના હસ્તકના જાંબુડા, સુલતાનાબાદ સહિતના તમામ કુવાઓ પાણીથી ભરાઇ થતા શહેરમાં ડહોળું પાણી વિતરણ થઈ રહ્યું છે.જયારે માણાવદર શહેરમાં પાણીજન્ય રોગોનો સતત વધારો થઈ રહ્યો છે અને સરકારી સહિતની ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે પાલિકા પાસે પાણીને શુદ્ધ કરવાનો ફીલ્ટર પ્લાન્ટ પણ નથી. જેથી માત્ર ક્લોરીનેશન કરીને પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા માણાવદર શહેરને ફિલ્ટર પ્લાન્ટ આપે તો લોકોને શુદ્ધ પાણી મળી રહે.