મુખ્યમંત્રીના આગમન પહેલાં ડ્રેનેજની પાઈપલાઈન તૂટવાથી ઉભરાતી ગટરો, તાત્કાલિક સમારકામ હાથ ધરાયું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.19
મોરબીના સામાકાંઠે લાલબાગ નજીક આવેલા તાલુકા સેવા સદનના આંગણે બુધવારે ગટરનું ગંદુ પાણી ભરાઈ જતાં અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ હતી. રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા બ્રિજની કામગીરી દરમિયાન ડ્રેનેજની પાઈપલાઈન તૂટી જતાં આ સમસ્યા ઉભી થઈ હતી. પરિણામે, સેવા સદન અને કોર્ટ સંકુલમાં કામ માટે આવતા લોકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડ્યું, જેના કારણે ભારે હાલાકી વેઠવી પડી હતી.
આ ઘટનાએ વહીવટી તંત્રની સ્વચ્છતા પ્રત્યેની બેદરકારી પર સવાલો ઊભા કર્યા હતા. “જે સરકારી બાબુઓ પોતાના ઘર આંગણે સ્વચ્છતા જાળવી શકતા નથી, તે આખા ગામને કેવી રીતે સ્વચ્છ રાખશે?” તેવો વેધક સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો હતો.
- Advertisement -
જોકે, આ ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ’નમો વન’ના લોકાર્પણ માટે આગમન થવાનું હોવાથી તંત્ર કોઈ પણ જાતની બેદરકારી દાખવવા માગતું નહોતું. મનપાની ડ્રેનેજ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રાતોરાત ગટરની સમસ્યા ઉકેલવાની કામગીરી શરૂ કરી હતી.
ટીમે મોડી રાત સુધી જેસીબી મશીનની મદદથી ડ્રેનેજની પાઈપલાઈનનું સમારકામ કરી, નવી કનેક્શન લાઈન નાખીને પાણીનો પ્રવાહ વાળ્યો હતો અને ગંદકીના પ્રવાહને અટકાવીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. આ કવાયત બાદ સેવા સદન પરિસરને ફરીથી સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું.



