પેન્ડિંગ બિલ, ક્રેડિટ કાર્ડ, પૈસા ટ્રાન્સફર, ઓનલાઈન મોબાઈલ બુકના નામે લોકો સાથે ઠગાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ અનેક કિસ્સામાં લોકોને ગુમાવેલી રકમ પરત અપાવે છે. આવા વધુ 7 લોકોને રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ફ્રોડમાં ગુમાવેલી રકમ પરત અપાવી છે. જેમાં પેન્ડિંગ ઈલેક્ટ્રિક સિટી બીલની પ્રોસેસ કરાવવાના બહાને, ઓન લાઇન ટ્રેડિંગ કરાવવા, ઓનલાઈન રકમ ઉપાડી છેતરપિંડી કરવા, સહિતની કિસ્સામાં સાતેક અરજદારોની ગયેલી રકમ સાયબર ક્રાઈમ પોલીસે પરત અપાવી હતી.
- Advertisement -
ઈન્વેસ્ટમેન્ટના નામે 11.69 લાખનો ફ્રોડ
યુનિવર્સિટી રોડ પ2 2હેતા અનિલભાઈ વિઠ્ઠલભાઈ પટેલને ઈન્વેસ્ટમેન્ટના નામે ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો. તેમાં કલીક કરી પ્રોફિટ મેળવવાની લાલચમાં આવી રૂ.11.69 લાખ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં ફ્રોડ થયાનું ખુલતા સાયબર ક્રાઈમમાં અરજી કરતા પોલીસે રૂ.6.81 લાખ પરત અપાવ્યા હતા.
પેન્ડિંગ ઈલેક્ટ્રિસિટી બીલના નામે છેતરપીંડી
સુર્યકાંત મેર સાથે પેન્ડિંગ ઈલેક્ટ્રિસિટી બીલ ઓનલાઈન પ્રોસેસ કરવાના બહાને છેતરપિંડીની ઘટના સામે આવી હતી. જેમાં સૂર્યકાંત મેર દ્વારા તરત સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરવામાં આવી હતી. જે 60 હજાર પરત અપાવ્યા હતા.
ક્રેડિટ કાર્ડમાંથી 4.65 લાખ ઉપડી ગયા
ત્રીજા કિસ્સામાં વલ્લભભાઈ કોરાટના ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 4.65 લાખની રકમ ઓનલાઈન ઉપાડી લેવામાં આવી હતી. જેને પગલે તેમણે પણ સાયબર ક્રાઇમ પોલીસને આ અંગેની જાણ કરી હતી. જેને પગલે પોલીસ દ્વારા વલ્લભભાઈને રૂ.4.65 લાખ પરત અપાવવામાં આવ્યા હતા.
- Advertisement -
આઈફોન ખરીદવાના નામે છેતરપીંડી
ચોથા બનાવમાં ઓનલાઈન આઈફોન બુક કરીને મોટું ડિસ્કાઉન્ટ મળવાની લાલચમાં પાર્થિકભાઈ છેતરપિંડીનો શિકાર બન્યા હતા. તેમણે રૂ. 1.60 લાખ ગુમાવ્યા હતા. જોકે, આ અંગેની ફરિયાદ મળતા સાયબર ક્રાઇમ પોલીસ હરકતમાં આવી હતી અને ગુમાવેલ રૂ.1.60 લાખમાંથી રૂ.81 હજાર પાછા અપાવ્યા હતા.
ઈનામની લાલચમાં અરજદારનો ભોગ લેવાયો
પાંચમા કિસ્સાની વાત કરીએ તો વેદઋષિ આયુર્વેદ નામનું અજાણ્યુ કુરિયર આવતા ઈનામની લાલચમાં તુષાર વાધેલા સાયબર ફ્રોડનો ભોગ બન્યા હતા. જેની ફરિયાદ મળતા સાયબર ક્રાઇમ પોલીસે ભોગ બનનારને તેની મહેનતની કમાણીનાં રૂ.1.41 લાખ પરત અપાવ્યા હતા.
કેનેડાના વિઝા બાબતે છેતરપીંડી
છઠ્ઠા બનાવમાં કેનેડા જવા માટે ખાસ વર્કવિઝા બનાવી આપવાના નામે થયેલ ફ્રોડમાં પ્રતાપભાઈ કોશીયાએ રૂ. 84 હજાર ગુમાવ્યા હતા. પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતા તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. જેને આધારે પોલીસે તેમને રૂ. 84 હજાર પરત અપાવ્યા હતા.
71 હજાર પરત અપાવ્યા
સાતમા બનાવમાં મીસો એપના હેલ્પલાઈન નંબર ગુગલ પર સર્ચ કરી તેના આધારે સંપર્ક કરતા સામે વાળાના કહ્યા મુજબ એપ ડાઉનલોડ કરી માહિતી આપતા વિજય માકડીયા સાથે રૂ. 71 હજારની છેતરપીંડી થઈ હતી. આ અંગે ફરિયાદ મળતા સાયબર ક્રાઇમ પોલીસ તરત જ હરકતમાં આવી હતી અને ફ્રોડમાં ગયેલા કુલ રૂ. 71 હજાર પરત અપાવ્યા હતા.