ગ્રામીણ બહેનો દ્વારા હાથ બનાવટની રાખડી સહિતની કલાત્મક વસ્તુઓ મેળામાં ઉપલબ્ધ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભાઈ-બહેનોનો પવિત્ર તહેવાર રક્ષાબંધન નજીક આવી રહ્યો છે, ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાખી મેળા-2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાત દિવસીય મેળાને જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખે ખુલ્લો મુક્યો હતો.
- Advertisement -
શહેરના આઝાદ ચોક ખાતે રેડક્રોસ સંસ્થાના પ્રાંગણમાં આયોજિત આ મેળામાં 10 જેટલા સ્વ સહાય જૂથ એટલે કે, સખી મંડળના બહેનો દ્વારા રાખડી ઉપરાંત હેન્ડીક્રાફ્ટ, હેન્ડલુમ, ગૌ આધારિત ચીજ વસ્તુઓ, ઈમિટેશન વગેરે કલાત્મક વસ્તુઓનું તા.22 થી 28 ઓગસ્ટ સુધી વેચાણ કરવામાં આવશે.આ રાખી મેળાના માધ્યમથી બહેનોને માર્કેટિંગ માટેનું એક પ્લેટફોર્મ મળી રહે અને સાથો સાથ વચેટીયા વગર સીધુ જ ગ્રાહકોને વેચાણ કરી શકે છે. આમ, ગ્રામીણ બહેનો આર્થિક રીતે પગભર બને ઉપરાંત તેમને પ્રોત્સાહન પણ મળી રહે તેવા આશય સાથે આ મેળો યોજવામાં આવે છે. આ સાથે તેમણે જૂનાગઢવાસીઓને રાખડી સહિતની કલાત્મક વસ્તુની ખરીદી કરી, આ ગ્રામીણ બહેનોને પ્રોત્સાહિત કરવા માટે અનુરોધ પણ કર્યો હતો.