ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
પૂર્વયોજિત કાવતરુ રચી એસ.બી.આઈ. બેંકના બનાવટી સિક્કા બનાવી સુચિત સોસાયટી ધારક પોતાની મિલકત રેગ્યુલરાઈઝ કરાવવા મામલતદાર કચેરીએ ચલણથી રૂપિયા ભરવા જતાં ફરિયાદી તથા સાહેદોનો વિશ્ર્વાસ સંપાદિત કરી રકમ મેળવી બેંકના જમા ન કરાવી ચલણમાં બોગસ સિક્કા મારી રૂા. 31,71,846 ઓળવી જઈ આચરવામાં આવેલા ગુનાના કામે ભોગ બનનાર સાહેદ ભરતભાઈ રામભાઈ લોખીલે મુદ્દામાલ તરીકે માગણી કરેલી રોકડ રકમ પરત મળવા અંગેની રિવિઝન રાજકોટના મહે. એડી. સેશન્સ જજે નામંજૂર કરતો હુકમ ફરમાવેલો છે.
- Advertisement -
કેસની હકીકત જોઈએ તો કુવાડવા રોડ ઉપર ડીમાર્ટ પાસે રહેતા ફરિયાદી મનીષ ખોડાભાઈ રાઠોડ દ્વારા ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં આરોપીઓ અલ્પેશભાઈ મોહનભાઈ ગેડીયલ, વિવેક ઘનશ્યામભાઈ રાઠોડનાઓ વિરૂદ્ધ એ મતલબની ફરિયાદ આપવામાં આવેલી કે ફરિયાદી તથા સાહેદોએ પોતાની સુચિત સોસાયટીની મિલકત રેગ્યુલરાઈઝ કરાવવા માટે કરેલી કાર્યવાહીના ભાગરૂપે મામલતદાર કચેરીએ ચલણ કઢાવી બેંકમાં રકમ ભરવાની હોય ત્યારે મામલતદાર કચેરીમાં કોન્ટ્રેક્ટ બેઈઝ ઉપર નોકરી કરતાં અલ્પેશભાઈ ગેડીયલ તથા અન્ય આરોપીએ પૂર્વયોજિત કાવતરુ રચી એસ.બી.આઈ. બેંકના બનાવટી સિક્કા બનાવી બનાવટી ચલણોમાં રકમ જમા થઈ ગયેલના સિક્કા મારી રકમ મેળવી લઈ તે રીતે રૂા. 31,71,846 મેળવી લઈ મામલતદાર કચેરી સાથે તથા ફરિયાદી અને સાહેદો સાથે છેતપિંડી તથા વિશ્ર્વાસઘાત આચરી બનાવટી દસ્તાવેજો બનાવી ગુનો આચરેલ જેની તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.
ઉપરોક્ત ગુનાના કામે કુલ રકમ રૂા. 31,71,848ની છેતરપિંડી થયેલી હોય તેમાંથી કુલ રકમ રૂા. 16,55,500 તપાસ કરનાર અધિકારીએ મુદ્દામાલ તરીકે રિકવર કરેલી હોય જે રકમમાંથી રકમ રૂા. 2,69,695 ભોગ બનનાર ભરત રામભાઈ લોખીલે મુદ્દામાલ તરીકે માગતા નીચેની અદાલતે માગણી નામંજૂર કરતા તેની સામે રિવિઝન અરજી દાખલ કરી રજૂઆત કરી કે અગાઉ આ જ પ્રકારે એક ભોગ બનનારે માગણી કરેલી રકમ સુપ્રત કરવામાં આવેલી હોય તેથી અમો ભોગ બનનારને પણ રકમ પરત કરવામાં આવે તેવી રજૂઆત સામે આરોપી અલ્પેશ ગેડીયલના વકીલ સુરેશ ફળદુએ એવી રજૂઆત કરી કે અલ્પેશ ગેડીયલ પાસેથી રકમ રૂા. 3,00,000 મુદ્દામાલ તરીકે કબ્જે કરેલી તે એચ.ડી.એફ.સી. બેંકમાંથી લીધેલી લોનની રકમ છે જે ગુનાના કામેની રકમ નથી તેના ડોક્યુમેન્ટ બતાવવા છતાં પોલીસે ગેરકાયદેસર રકમ જપ્ત કરેલી હોય જે રકમ સોંપી દેવાથી આરોપીના અધિકારને નુકસાન પહોંચશે અને કુલ રકમમાંથી અડધી જ રકમ જપ્ત થયેલ હોય ત્યારે અમો ભોગ બનનારને રકમ સોંપી આપવામાં આવશે તો બાકીના ભોગ બનનારને પણ અન્યાય થશે વિગેરે લંબાણપૂર્વકની રજૂઆતો કરવામાં આવી હતી.
બંને પક્ષેની રજૂઆતો રેકર્ડ પરનો દસ્તાવેજી પુરાવો આરોપી તરફેના વાંધા લક્ષે લેતા તા. 18-9-2022 તથા તા. 19-9-2022ના રોજ કરવામાં આવેલી ડીસ્કવરી પંચનામાની વિગતે આરોપી પાસેથી કોઈ રકમ મળી આવેલી નથી પરંતુ આરોપીના પિતાના નિવાસસસ્થાને તથા તેઓના કાકાના નિવાસસ્થાનેથી રકમ કબજે કરવામાં આવેલી છે જે રકમ ખરેખર આરોપીના પરિવારના સભ્યોની છે છતાં ગેરકાયદેસર રીતે ખોટા પંચનામાઓ ઊભા કરી કબ્જે કરી લીધેલી હોવાનું તેમજ તે રકમ અંગે આરોપીઓને કશું લાગતું વળગતું ન હોવાનું અને તે રકમ અરજદારની નથી તેમજ કહેવાતી રોકડ રકમ અરજદારે તેમની બેંકમાંથી ઉપાડીને આરોપીને આપેલી હોય તે સંબંધે કોઈ આધાર પુરાવો રજૂ રાખેલા નથી તેથી રકમની માલિકી અરજદારની છે કે કેમ? તે પુરાવાનો વિષય હોય ત્યારે વચગાળાની કસ્ટડી સોંપવી વ્યાજબી જણાતી ન હોય ત્યારે ટ્રાયલ કોર્ટનો હુકમ કોઈ પણ પ્રકારની ભૂલ કે ખામી ભરેલી ન હોય ત્યારે હસ્તક્ષેપ કરી હુકમમાં ફેરફાર કરવો વ્યાજબી કે ન્યાયોચિત જણાતું નહીં હોવાનું માની અરજદારની રિવિઝન અરજી નામંજૂર કરતો હુકમ ફરમાવવામાં આવ્યો છે.
- Advertisement -
ઉપરોક્ત કેસમાં આરોપી અલ્પેશ ગેડીયલ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર તથા મદદમાં યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ રોકાયેલા હતા.