ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
ગોંડલ નેશનલ હાઈવે પર ભુણાવા પાસે આવેલા પેન્ટાગોન ફોર્જિંગમાં કેન્ટીન વિભાગમાં નોકરી કરતા ગુજરનાર શંકરે ઓફિસમાં ચોરી કરવા પ્રયાસ કરતાં કારખાના માલિક સહિતનાઓએ ઢીકાપાટુ તથા પ્લાસ્ટીકના પાઈપથી માર મારતા મૃત્યુ નિપજતાં તે ખૂનના ગુન્હાના કામે ધરપકડ પામેલા છ આરોપીઓને ગોંડલના મહે. એ.ડી. સેશન્સ જજે નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ ફરમાવેલ છે.
કેસની હકીકત જોઈએ તો પેન્ટાગોન કારખાનામાં કેન્ટીન વિભાગમાં ફરિયાદીની સાથે કામ કરતો શંકર રામ કે જે રાતે કારખાનામાં ઓફિસમાં આંટા મારતો સીસીટીવી કેમેરામાં જોવામાં આવતાં કારખાનામાં ચોરી કર્યાની શંકા જતાં આરોપીઓએ રસોડામાંથી શંકરને બહાર લાવી ગ્રાઉન્ડમાં ઢીકાપાટુ તથા પ્લાસ્ટીકના પાઈપથી માર મારતા શંકરના ગામના જ લક્ષ્મણસિંહએ તેના ગામના અન્ય કારખાનામાં કામ કરતા વ્યક્તિ બોલાવતા તેઓ આવી મોટર સાયકલમાં શંકરને બેસાડી લઈ ગયા બાદ સાંજના શંકરની લાશ મળતાંઆરોપીઓ રવિ કાલરીયા, શૈલેષ ફૌજી, અક્ષય ઉર્ફે ભાણો, વિનોદભાઈ, અશોકભાઈ રૈયાણી, આશિષભાઈ ટીલવા સામે આડેધડ માર મારી ગંભીર મરણોતર ઈજા કરી જાનથી મારી નાખી હત્યા કરી નાખી બનાવના સીસીટીવી કેમેરાનું રેકોર્ડીંગ કાઢી નાખી પુરાવાનો નાશ કરવા સંબંધે તે જ કારખાનામાં કામ કરી રહેલા લક્ષ્મણસિંહ મોહનસિંહ ચૌહાણએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી હતી. જે કેસ ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે 11 મૌખિક પુરાવો તથા 32 દસ્તાવેજી પુરાવો રજૂ કરી કેસ નિ:શંકપણે પૂરવાર કરેલા હોવાનું જણાવી આરોપીઓને સજા કરવા રજૂઆતો કરવામાં આવેલી હતી.
- Advertisement -
આરોપીઓ તરફે રોકાયેલ એડવોકેટ સુરેશ ફળદુ તથા પરેશ રાવલ દ્વારા રજૂઆત કરવામાં આવેલી કે ફરિયાદી, સાહેદો, પંચોના પુરાવામાં નિ:સંગતતા છે એફએસએલમાંથી પરિક્ષણ થઈ આવેલા સીસીટીવી ફૂટેજમાં માર મારતા હોવાનું રીડ્રાઈવમાં આવેલ નથી, પી.એમ. કરનાર ડોકટરને પુરાવામાં 10 ઈજાઓ પૈકી 3 તાજી અને 7 ઈજાઓ 3 દિવસ પહેલાંની હતી જે 7 ઈજાઓનો ખુલાસો રેકર્ડ પર આવેલો નથી પ્રોસીક્યુશન પોતાનો કેસ શંકાથી પર પુરવાર કરવાની જવાબદારી છે. આરોપીઓ સામેનું તહોમત શંકાથી પર પુરવાર થઈ શકેલી નથી કે આરોપી સામે શંકાની આંગળી ચીંધી શકાય તેટલો પણ પુરાવો રેકર્ડ પર આવેલા નથી ત્યારે આરોપીઓને સજા થઈ શકે નહીં નિર્દોષ ઠરાવી છોડી મૂકવા જોઈએ તેવી રજૂઆતો કરવામાં આવી હતી.
બંને પક્ષે કરવામાં આવેલી દલીલો તથા રેકર્ડ પર પુરાવો લક્ષે લેતાં ફરિયાદી, સાહેદો તથા પંચોના પુરાવાઓનું વિશ્ર્લેષણ કરતાં પુરાવાઓમાં નિ:સંગતતા જણાય છે બનાવ સ્થળેથી ત.ક. અધિકારી દ્વારા સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવેલા તથા પુરાવાનો નાશ કરવા ફોનમાં થયેલ વાતચીત અન્વયે ફોન કબજે કરવામાં આવેલ જે એફએસએલમાંથી પરિક્ષણ થઈ આવતા રીડ્રાઈવમાં પણ આરોપીઓ ગુજરનારને માર મારતા હોવાનું રેકર્ડ પર આવેલ નથી ઉપરાંત સ્થળ પરથી મુદ્દામાલ પ્લાસ્ટીકના પાઈપ કબજે કરવામાં આવેલા તેમાં પણ રૂધીરની હાજરી આવી નથી.
ડોકટરના પુરાવામાં 10 ઈજાઓ જણાવવામાં આવી છે જેમાં 3 ઈજાઓ તાજી તથા 7 ઈજાઓ 3 દિવસ પહેલાંની હોય બોથડ પદાર્થની હોય જે 7 ઈજાઓ આગળની હોવા સંબંધેની કોઈ હકીકતો પ્રોસીક્યુશન રેકર્ડ પર લાવેલી નથી કારણ કે મૃત્યુનુ કારણ 10 ઈજાઓ મૃત્યુ માટે પુરતી હોવાનું ડોકટરે જણાવેલું હોય ત્યારે જુની ઈજાનો ખુલાસો આવશ્યક બની રહેતો હોય સમગ્ર પુરાવો વંચાણે લેવા આરોપીઓએ કાવતરુ રચી સમાન ઈરાદો ગુજરનારનું ખૂન કર્યું હોય તેવું તહોમત પુરવાર કરવાની ફરિયાદ પક્ષ સદંતર નિષ્ફળ નીવડેલ હોવાનું માની ગોંડલના મહે. એ.ડી. સેશન્સ જજએ તમામ 6 આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ ફરમાવેલ છે.
- Advertisement -
ઉપરોક્ત કામમાં 6 આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ તથા પરેશ રાવલ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર તથા મદદમાં યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ રોકાયેલ હતા.