ભરવાડ સમાજની પ્રેરણાદાયક પહેલ : બેસણાં સાથે રક્તદાન
રાજકોટના ઉપલા કાંઠા વિસ્તારમાં આર્યનગર કોમ્યુનિટી હોલ ખાતે રક્તદાન શિબિર યોજાઇ
- Advertisement -
50 વર્ષથી હોળી-ઘૂળેટીના સમયે દ્વારકા પગપાળા સંઘનું સફળ નેતૃત્વ કર્યું
પોતાનું સમગ્ર જીવન ધર્મ, સંસ્કૃતિ અને ગૌસેવા માટે સમર્પિત કર્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ઉપલા કાંઠા વિસ્તારના ભરવાડ સમાજના અગ્રણી અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સદાય સેવારત રહેનારા સ્વ. મેઘજીભાઈ કાબાભાઈ માટીયા (મેઘા ભગત)ના સ્વર્ગવાસ બાદ સમાજમાં શોકની લાગણી જોવા મળી રહી છે. તા. 07/01/2026 બુધવારના રોજ તેઓનું અવસાન થયું હતું. તેમનાં આત્માને ભગવાન દ્વારકાધીશ શાંતિ અને સદગતિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. મેઘા ભગત તરીકે ઓળખાતા સ્વ. મેઘજીભાઈ માટીયાએ પોતાનું સમગ્ર જીવન ધર્મ, સંસ્કૃતિ અને ગૌસેવા માટે સમર્પિત કર્યું હતું. ધૂન મંડળ, સત્સંગ તેમજ દ્વારકા પગપાળા સંઘ જેવી પ્રવૃત્તિઓમાં તેઓ આગેવાનીમાં હંમેશા અગ્રેસર રહ્યા હતા. છેલ્લા લગભગ 50 વર્ષથી હોળી-ઘૂળેટીના સમયે દ્વારકા પગપાળા સંઘનું નેતૃત્વ કરતાં, જે શરૂઆતમાં માત્ર પાંચ લોકોથી શરૂ થયેલી યાત્રા આજે હજારો ભક્તો સુધી વિસ્તરી છે. તેમના બેસણા નિમિતે આજે આર્યનગર કોમ્યુનિટી હોલ ખાતે બેસણા સાથે રક્તદાન શિબિરનું આયોજન કરી પરિવારે સમાજને પ્રેરણાદાયક સંદેશ આપ્યો. આ શિબિરમાં કુલ 98 લોકોએ રક્તદાન કરી ‘રક્તદાન મહાદાન’ની ભાવનાને સાકાર કરી હતી.
મોટી સંખ્યામાં સમાજના લોકો અને યુવાઓએ હાજરી આપી સેવા કાર્યમાં સહકાર આપ્યો હતો. સ્વ. મેઘા ભગતની અણધારી વિદાયથી સ્વ.વિનુભાઈ મેઘજીભાઈ માટીયા, હમીરભાઇ મેઘજીભાઈ માટીયા, બાબુભાઈ મેઘજીભાઈ માટીયા બી.જે.પી. (બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ) જગદીશભાઈ મેઘજીભાઈ માટીયા, દિનેશભાઈ મેઘજીભાઈ માટીયા, કમલેશભાઈ મેઘજીભાઈ માટીયા, પીન્ટુભાઈ વિનુભાઈ માટીયા સહિત સમગ્ર માટીયા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. સમાજે પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના વ્યક્ત કરી હતી.



