આમ આદમી પાર્ટીએ પોલીસ કમિશનર અને તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને લઈને રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના દિનેશ જોશીએ શહેરના પોલીસ કમિશનર સહિત ટ્રાફિક તંત્ર અને રાજકારણીઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, રાજકોટમાં ફરજિયાત હેલમેટ, ટ્રાફિક જામ, પાર્કિંગની અવ્યવસ્થા અને પોલીસની નિષ્ક્રિયતા પાછળ રાજકીય મિલીભગત જવાબદાર છે. ઝાલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં બેફામ ખાનગી બસો, છૂટક વેપારીઓ દ્વારા રસ્તા પર કરવામાં આવતા દબાણો, અને આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બની છે. તેમણે આક્ષેપ કર્યો કે, પોલીસ કમિશનર દ્વારા ભૂતકાળમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે અનેક સર્વે અને કાગળ પરની યોજનાઓ કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતામાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. ત્યારે ફરજિયાત હેલમેટનો ફતવો પ્રજા માટે વધુ એક માથાના દુ:ખાવા સમાન બની રહેશેે. તેમણે વધુમાં જણાવ્યું કે, “પોલીસ કમિશનર માત્ર વાહન પ્રદુષણ પ્રતિબંધ અંગેના કાયદાનો પાલન કરાવે છે અને રાજકારણીઓના ઈશારે ચાલે છે. જ્યારે ઇમરજન્સી કેસમાં પણ દર્દીને હોસ્પિટલ પહોંચવામાં તકલીફ પડે છે, ત્યારે પણ પોલીસ લાચાર બની જાય છે.” પોલીસ દ્વારા માત્ર સામાન્ય જનતાને ઈ-ચલણ દ્વારા દંડવામાં આવે છે, જ્યારે મોટા માથાઓ અને રાજકીય વગ ધરાવતા લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો આક્ષેપ કર્યો હતો.
આમ આદમી પાર્ટીના પ્રમુખે એવી પણ રજૂઆત કરી હતી કે, ટ્રાફિક પોલીસ અને અન્ય સંબંધી વિભાગોમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે, જેના કારણે ટ્રાફિક નિયમોનો યોગ્ય રીતે અમલ થતો નથી. તેમણે ચેતવણી ઉચ્ચારી કે, જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય તો આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ નિવેદનને કારણે રાજકોટના રાજકારણ અને પોલીસ વિભાગમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે.