સર્કિટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત દરમિયાન વજુભાઈ વાળા અને પરષોતમ રૂપાલાની હાજરી
રાજ્યસભાના પૂર્વ સાંસદ તથા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને હાલના સિક્કિમ રાજ્યના ગવર્નર ઓમ પ્રકાશ માથુર ગઇકાલે (સોમવાર) રાજકોટની મુલાકાતે રહ્યા હતા. તેમના આ પ્રવાસ દરમિયાન તેઓ સર્કિટ હાઉસ ખાતે મહેમાન બન્યા હતા, જ્યાં સંગઠનના જુનિયર-સિનિયર નેતાઓ સાથે મુલાકાત યોજાઈ. શુભેચ્છા મુલાકાત માટે આયોજિત બેઠકમાં ગુજરાતના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા તેમજ કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન રાજકીય, સંગઠનાત્મક અને સામાજિક મુદ્દાઓ પર મંથન કરવામાં આવ્યું હતું. મુલાકાતનું વાતાવરણ આત્મીયતા અને સ્નેહસભર રહ્યું હતું અને તેનાથી અનેક કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધ્યો હતો. આ તકે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ માધવભાઈ દવે, પક્ષના અગ્રણીઓ તેજસભાઈ ભટ્ટી, કેતનભાઈ પટેલ અને પ્રજ્ઞેશભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



