આચાર્ય-માધ્યમિક શિક્ષકની 4 સીટ માટે 10 ઉમેદવાર મેદાને, બે ફોર્મ રદ થયા
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તારીખ 22 જુલાઈના રોજ સેનેટની ચૂંટણી થવાની છે ત્યારે બુધવારે યુનિવર્સિટીમાં માધ્યમિક શિક્ષકોની બે બેઠક અને આચાર્ય માટેની બે બેઠકની ચૂંટણી માટેના ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. ફોર્મ ચકાસણીના અંતે આચાર્ય અને માધ્યમિક શિક્ષકની 4 બેઠક માટે કુલ 10 જેટલા ઉમેદવારો ચૂંટણી લડવા મેદાને છે. યુનિવર્સિટીમાં સાંજ સુધી ચાલેલી સ્ક્રૂટિની બાદ આચાર્યમાંથી કુલ 7 ફોર્મ પૈકી મોરબીના સુરેશ સરસાવાડિયાનું ફોર્મ રદ થયું હતું.
- Advertisement -
જ્યારે શિક્ષકોની બેઠક માટે કુલ 5 ફોર્મ પૈકી સુરેશ ગડારાનું ફોર્મ રદ થયું છે. આચાર્યમાં જેતલસરના નયન વીરડા, રાજકોટના તુષાર પંડ્યા અને સંજય પંડ્યા જ્યારે અમરેલીના મુકુંદ મહેતા અને વિપુલ ભટ્ટ જ્યારે જામનગરના મેઘના શેઠ સહિત 6 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા છે. જ્યારે માધ્યમિક શિક્ષકમાં અમરેલીના ભરત મકવાણા, કુવાડવાના લીલા કડછા, રાજકોટના વિમલ ભટ્ટ અને જેતપુરના ચિરંતન કોરાટ સહિતના ચાર ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. હજુ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ 14 જુલાઈ શુક્રવારે છે ત્યારે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.
આ ચૂંટણીનું મતદાન તારીખ 22 જુલાઈને શનિવારે છે અને મતગણતરી 23 જુલાઈને રવિવારે થશે. ટીચિંગની જુદી જુદી ફેકલ્ટીની 9 બેઠકની આગામી તારીખ 22 જુલાઈએ સેનેટની ચૂંટણી યોજવાનું નક્કી કરાયું છે. રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી જિલ્લામાં મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. માધ્યમિક શાળાઓના નોંધાયેલા શિક્ષકોની 2 અને આચાર્યની 2 એમ કુલ 9 બેઠક માટે સેનેટની ચૂંટણી યોજાશે.
હોદ્દામાં વિસંગતતા થતાં ફોર્મ રદ કરાયું, શિક્ષકે રજિસ્ટ્રારને ફરિયાદ કરી
ગડારા રમેશચંદ્ર નામના માધ્યમિકના શિક્ષકનું ફોર્મ યુનિવર્સિટીએ રદ કરતા તેમણે કુલસચિવને લેખિત ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું છે કે, યુનિવર્સિટીમાં નોંધાયેલા માધ્યમિક શિક્ષકોની સેનેટ માટે ઉમેદવાર તરીકે નોંધાયેલો છું, ઉમેદવારી ફોર્મમાં મારો હોદ્દો આસિસ્ટન્ટ ટીચર લખેલો છે. મતદાર યાદીમાં સેક્ધડરી ટીચર છે. મતદાર યાદીમાં હોદ્દાનો ઉલ્લેખ નથી અને સરકારના નિયમ અનુસાર હોદ્દો આસિસ્ટન્ટ ટીચરનો છે અને તે સાચું છે તેથી ફોર્મ અમાન્ય કરી શકાય નહીં. તેથી મારું ઉમેદવારી પત્ર માન્ય રાખવા જણાવ્યું છે.