જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં લોલમલોલ
બી.એડ હિન્દીની સેમેસ્ટર-1નું પેપર તા.15 ફેબ્રુઆરીએ લેવાયું હતું : ડૉ. નિદત બારોટનો સનસનીખેજ પત્ર
- Advertisement -
કુલપતિ-શિક્ષણ વિદ્યાશાખાના ડીનની મીલીભગત
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ જૂનાગઢની ભક્ત કવિ નરસિંગ મહેતા યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. બી.એડની સેમેસ્ટર-1ની પરીક્ષામાં યુનિવર્સિટીએ બીજા સેમેસ્ટરનું પેપર પરીક્ષાર્થીઓને આપી દીધું હતું જ્યારે વિદ્યાર્થીઓએ આ બાબતે હોબાળો કર્યો તો યુનિવર્સિટીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓને ખાતરી આપી કે, તમે જે કાંઈ લખ્યું હશે તે સાચું માની લેવામાં આવશે પરીક્ષા પૂર્ણ થઈ અને વિદ્યાર્થીઓને પાસ કરી દેવાયા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય નિદત બારોટે આ બાબતે ખુલાસો કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ ડો.નિદત બારોટે એક પત્ર જાહેર કરીને જાણકારી આપી હતી કે, 15 ફેબ્રુઆરી 2022ના રોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢની બી.એડ સેમેસ્ટર એકની પરીક્ષામાં હિન્દી મેથડ એક વિષય હતો. આ પરીક્ષા સેમેસ્ટર એકની હતી. વિદ્યાર્થીઓને જ્યારે પેપર આપવામાં આવ્યું ત્યારે આ પેપરની અંદર તમામ પ્રશ્નો સેમેસ્ટર બેના અભ્યાસક્રમના પૂછાયા હતા. કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓએ આ વાત રજૂ કરી ત્યારે કુલપતિ ચેતન ત્રિવેદી અને શિક્ષણ વિદ્યાશાખાના ડિન જય ત્રિવેદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે, પેપરમાં ગમે તે અભ્યાસક્રમના પ્રશ્નો હોય તમારે ચિંતા કરવાની જરૂર નથી તમને જે આવડે તે લખો. વિદ્યાર્થીઓને ખાતરી આપવામાં આવી કે તમે જે લખ્યું હશે તે સાચું માની લેવામાં આવશે. પરીક્ષા પૂરી થઈ પેપર એસેસમેન્ટ શરૂ થયું. કુલપતિના આદેશનું પાલન થયું અને 100 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે બધા જ વિદ્યાર્થીઓને 90 થી 100 ટકા માર્ક આપી દેવામાં આવ્યા અને યુનિવર્સિટીમાં ગુજરાતમાં ન થયું હોય તેવું અદભુત ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.