ખાનગી શાળાઓનું મસમોટું કૌભાંડ
અક્ષર ઝાલા નામનાં ટોપર વિદ્યાર્થીને ક્રિષ્ના સ્કૂલે અને એલેન ઇન્સ્ટિટ્યૂટ બંનેએ પોતાનો સ્ટુડન્ટ ગણાવ્યો !
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાના પરિણામ આવતાની સાથે જ કેટલીક સ્કૂલો ભ્રામક જાહેરખબર દ્વારા નવા વિદ્યાર્થીઓ અને વાલીઓને આકર્ષવા લાગે છે. આવી જ એક શૈક્ષણિક સંસ્થા છે, રાજકોટના હેમુ ગઢવી હોલની પાછળ આવેલી ક્રિષ્ના સ્કૂલ. આ સ્કૂલની એક બ્રાન્ચ ભાવનગર રોડ પર કાળીપાટ ગામ પાસે પણ આવેલી છે. આ વર્ષે ક્રિષ્ના સ્કૂલે ધો. 12 સાયન્સમાં અક્ષર ઝાલા નામનો પોતાની શાળાનો વિદ્યાર્થીઓ ગુજરાત ફર્સ્ટ આવ્યો હોવાની જાણકારી આપી છે, હકીકતમાં આ વિદ્યાર્થી એલેન ઈન્સ્ટિટ્યુટનો ક્લાસરૂમ કોર્સનો સ્ટુડન્ટસ છે.
એલેન ઈન્સ્ટિટ્યુટ દ્વારા જાહેરાત કરી અક્ષર ઝાલા નામના વિદ્યાર્થીને પોતાના ક્લાસરૂમ કોર્સનો સ્ટુડન્ટસ ગણાવ્યો છે. અહીં ક્રિષ્ના સ્કૂલ અને એલેન ઈન્સ્ટિટ્યુટની ચોરી પકડાઈ જાય છે. અલબત્ત ક્રિષ્ના સ્કૂલની જાહેરાતમાં અક્ષર ઝાલાને 98.40% તો એલેને ઇન્સ્ટિટ્યુટની જાહેરાતમાં અક્ષર ઝાલાને 99.71% પી.આર. બતાવેલા છે.
- Advertisement -
સમગ્ર મામલાની વાસ્તવિકતા તપાસવા ખાસ-ખબર દ્વારા સૌપ્રથમ એલેન ઈન્સ્ટિટ્યુટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ મામલે એલેન ઈન્સ્ટિટ્યુટે જણાવ્યું હતું કે, અક્ષર ઝાલા અમારો વિદ્યાર્થી છે. ત્યારબાદ ખાસ-ખબર દ્વારા ક્રિષ્ના સ્કૂલનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ક્રિષ્ના સ્કૂલના સર્વેસર્વા દેસાઈ સરે પણ અક્ષર ઝાલાને તેમનો વિદ્યાર્થી ગણાવ્યો હતો જે ચોંકાવનારી બાબત નીકળી હતી. આ આખીય ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા ડમી વિદ્યાર્થીઓ જે એક જગ્યાએ માત્ર પોતાનું નામ રાખે છે અને બીજી જગ્યાએ માત્ર ભણવા જાય છે તેવી આશંકા સેવાઈ રહી છે. જો આ સત્ય હોય તો દરેક વાલીઓએ આ પ્રકારની શૈક્ષણિક સંસ્થામાં પોતાના સંતોનાના એડમિશન લેતા પહેલા વિચારવા જેવું છે. કેમ કે, વિદ્યાર્થીઓના ઉચ્ચ પરિણામ પાછળ ક્રિષ્ના સ્કૂલ જેવી શાળાનો નહીં પરંતુ એલેન ઈન્સ્ટિટ્યુટ જેવા કોચિંગ સેન્ટરનો હાથ હોય છે.
ક્રિષ્ના સ્કૂલનો વિદ્યાર્થી અક્ષર ઝાલા એલેન ઇન્સ્ટિટ્યુટમાં ફૂલ ટાઈમ કોચિંગ કરે છે. એલેન ઈન્સ્ટિટ્યુટની જાહેરાતમાં અક્ષર ઝાલાને ક્લાસરૂમ સ્ટુડન્ટસ દર્શાવ્યો છે. ક્લાસરૂમ સ્ટુડન્ટસને આઠ કલાક ફરજીયાત કોચિંગ આપવામાં આવે છે. હવે તો અક્ષર ઝાલા એલેન ઈન્સ્ટિટ્યુટમાં આઠ કલાક કોચિંગ લે છે તો ક્રિષ્ના સ્કૂલમાં કઈ રીતે ફૂલ ટાઈમ અભ્યાસ કરી શકે? જો ક્રિષ્ના સ્કૂલના સીસીટીવી ચેક કરવામાં આવે તો અક્ષર ઝાલા નામનો વિદ્યાર્થી ક્યારેક શાળાએ ગયો જ નહીં હોય એ જાણવા મળશે, તે માત્ર એલેન ઈન્સ્ટિટ્યુટમાં કોચિંગ લેવા જ જતો હતો. એનો મતલબ એવો થાય છે કે, ક્રિષ્ના સ્ફૂલમાં તેની હાજરીથી લઈ તમામ જરૂરી પ્રક્રિયા કરી દેવામાં આવતી હતી?
ક્રિષ્ના સ્કૂલની જાહેરાતમાં અક્ષર ઝાલાને 98.40% તો એલેન ઇન્સ્ટિટ્યૂટની જાહેરખબરમાં 99.71 પી.આર. દર્શાવાયા
વાસ્તવમાં અક્ષર ઝાલા એલેન ઇન્સ્ટિટ્યૂટનો કલાસરૂમ સ્ટુડન્ટ
એક વિદ્યાર્થી બે જગ્યાએ ફૂલ ટાઈમ ભણી શકે?
ક્લાસરૂમ કોર્સનો મતલબ શું? કઈ રીતે ડમી વિદ્યાર્થીઓ પકડાઈ જાય છે?
જે કોચિંગ ક્લાસમાં આઠ કલાકથી વધુનું કોચિંગ આપવામાં આવે છે તેને ક્લાસરૂમ કોર્ષ કહેવામાં આવે છે. એલેન જેવા કોચિંગ ઈન્સ્ટિટ્યુટમાં ક્લાસરૂમ કોર્સ ચાલતા હોય છે જેમાં વિદ્યાર્થીઓ જેઈઈ-નિટનું ફૂલ ટાઈમ કોચિંગ મેળવતા હોય છે અને જે શાળામાં તેમનું નામ બોલવું હોય છે એ શાળાએ જતા નથી. ત્યારબાદ જ્યારે બોર્ડના પરિણામ આવે છે ત્યારે સ્કૂલમાં ફક્ત નામ રાખી ફૂલ ટાઈમ કોચિંગમાં જતા વિદ્યાર્થીઓ પકડાઈ જાય છે કેમ કે, તેઓ પણ ક્રિષ્ના સ્કૂલ અને એલેને ઈન્સ્ટિટ્યુટની જેમ એક જ વિદ્યાર્થીને પોતપોતાના સ્ટુડન્ટ ગણાવે છે અને મોટીમોટી જાહેરાતો કરી નવા વિદ્યાર્થીઓ અને વાલીઓને આકર્ષે છે.
ટોપર સ્ટુડન્ટસના નામે જશ ખાટી લોકોને ગેરમાર્ગે દોરવા બદલ જિલ્લા શિક્ષણાધિકારીએ પગલાં ભરવા જોઈએ: રોહિતસિંહ રાજપૂત
વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ધો.12ના એક ટોપર વિદ્યાર્થીના અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ જશ ખાટવા માટે વાલીઓને ક્રિષ્ના સ્કૂલ અને એલેન ઈન્સ્ટિટ્યુટની જેમ ગેરમાર્ગે દોરે તે સમાજ માટે લાલબતી સમાન કિસ્સો છે. જે વિદ્યાર્થીનું ઉચું પરિણામ આવે એમને અનેક શૈક્ષિણિક સંસ્થાઓ પૈસાની અને અનેક બીજી લાલચ આપી અમારી સંસ્થાનો હોવાના દાવા કરી મોટી મોટી જાહેરાતો કરે છે ત્યારે આવા કિસ્સામા વાલીઓએ સમજી વિચારીને કોઈપણ સ્કૂલમા પ્રવેશ લેવો જોઈએ. આ કિસ્સામાં જીલ્લા શિક્ષણ અધિકારીએ પણ ખરાઈ કરી વાલીઓને ગેરમાર્ગે દોરવા અંગે કડક કાર્યવાહી કરવી જોઈએ.