ખાસ-ખબર સંવાદદાતા
50થી વધારે લોકોનો ભોગ લેનાર બરવાળા લઠ્ઠાકાંડમાં પ્રથમથી જ શંકાના દાયરામાં રહેલા સમીર પટેલ ઉપર પોલીસનો ગાળીયો વધુ મજબૂત બનવા લાગ્યો છે. એમોસ કંપનીના ડિરેકટર સમીર પટેલ ઉપરાંત અન્ય ડિરેકટરોને ઝડપી લેવા પોલીસે ઠેર-ઠેર દરોડાનો દોર શરૂ કર્યો છે, જે દરમિયાન સમીર પટેલના નિવાસસ્થાન અને ઓફિસમાંથી વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યાનું બહાર આવ્યું છે. પોલીસની તપાસમાં પરિવારજનો સહકાર આપતાં ન હોવાની પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોંધ લેવામાં આવી છે.
સમીર પટેલ દેશ છોડીને ભાગી ન જાય તે માટે લુક-આઉટ નોટીસ પણ જાહેર કરવામાં આવી છે ત્યારે હવે પોલીસના સકંજામાંથી બચવા માટે સમીર પટેલે આગોતરા મેળવવા સહિતના હવાતિયાં મારવાનું શરૂ કરી દીધું છે. જો કે સામા પક્ષે પોલીસે પણ વધુ ગંભીર કલમો ઉમેરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તે જોતાં ટૂંક સમયમાં સમીર પટેલ પોલીસની હિરાસતમાં હશે તેવો માહોલ સર્જાતો જાય છે.
- Advertisement -
જો પોલીસ સમીર પટેલ સામે 304ની સદોષ માનવવધની ગંભીર કલમ લગાવશે તો આ કેસમાં તેની સામેનો ગાળીયો મજબૂત થશે કારણ કે તેમની કંપનીના મેનેજરે સી.આર.પી.સી.ની 164ની કલમ અન્વયે મેજિસ્ટ્રેટ સમક્ષ ઉપસ્થિત રહીને ગુનાની કબૂલાત કરી લીધી છે, એટલું જ નહીં પોલીસે બુટલેગર તથા મેનેજરના નિવેદનો ઉપરાંત વેચાયેલા અને ચોરાયેલા મિથાઈલ આલ્કોહોલનો જથ્થો જપ્ત કરીને કાર્યવાહીના ભાગરૂપે કસ્ટડીમાં પણ મૂક્યો છે.
સમીર પટેલને દબોચી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
બોટાદ લઠ્ઠાકાંડ બાદ એક અઠવાડિયે પોલીસ એકશનમાં આવી છે. સમગ્ર કેસમાં ભીનું ન સંકેલાઈ જાય તે માટે આ કેસની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય અને અગાઉ ગુજરાતની સૌથી મોટી જુગાર રેડ કરનાર પોલીસ અધિક્ષક જ્યોતિ પટેલને સોંપવામાં આવી છે. જો કે આ બંને અધિકારીની છાપથી ભલભલા ગુનેગારોના પગ ધ્રુજવા લાગે છે ત્યારે લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર સમીર પટેલને પકડવા માટે તપાસ અધિકારી નિર્લિપ્ત રાયે અમદાવાદની એમોસ કંપનીમાંથી મિથાઈલ ગયું હતું તે કંપનીના ડાયરેક્ટર સમીર પટેલના ઘરે તેમની ઓફિસ અને ફાર્મહાઉસ પર પોલીસની જુદી જુદી ટીમો દ્વારા સર્ચ કરાવ્યું હતું. તેમજ અન્ય ચાર ડિરેક્ટરોના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સમીર પટેલ તથા બે ડિરેક્ટરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેની કોઈભાળ ન મળતા પોલીસે આ બાબતનું સ્થળ પંચનામું કરીને વધુ તપાસ શરૂ કરી છે. સમીર પટેલ વિદેશ ભાગી જાય નહીં તે માટે લૂકઆઉટ નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે. સમીર પટેલની ભાળ મેળવવા માટે પોલીસે બાતમીદારોને એક્ટિવ કરી દીધા છે અને તેમના લોકેશન મેળવવાની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે.
હત્યાની કલમ દૂર કરી સાપરાધ માનવવધની કલમ દાખલ કરાશે
લઠ્ઠાકાંડ કેસમાં અગાઉ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો પણ હવે સીટની તપાસ બાદ ભવિષ્યમાં આરોપીઓને કાયદાકીય છટકબારી ન મળે તે માટે હત્યા(302)ની કલમને બદલે 304ની કલમ હેઠળ ગુનો નોંધવા માટે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાશે તેમ સૂત્રોનું કહેવું છે. બન્ને કલમ હેઠળ સજાની જોગવાઈ સરખી છે પરંતુ હત્યાનો ગુનો નોંધ્યો છે તેમાં હત્યા કરવા પાછળનો ઈરાદો હતો કે નહીં તે કોર્ટમાં સાબિત કરવું પોલીસ માટે મુશ્કેલ બની શકે છે જયારે સાઅપરાધ માનવવધ ગુનાની કલમ 304નો અર્થ એ છે કે, માનવનું મૃત્યુ થઈ શકે છે તે જાણતા હોવા છતાં ઈરાદાપૂર્વક કૃત્ય કરવું, લઠ્ઠાકાંડના કિસ્સામાં સમીર પટેલની કંપનીમાં મિથેનોલ ઝેરી છે તેવું લખાણ હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેના ઉપયોગ કરવાના કારણે 50 થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા હતા. આ બાબતો તપાસમાં ધ્યાને આવતા સીટ દ્વારા 302ના બદલે 304 હેઠળ ગુનો નોંધવા માટે પ્રક્રિયા કરાશે તેમ માનવામાં આવી રહ્યું છે.