એની નિર્મળતા તો એને ઓઢી ફરનારા જાણે!
દુનિયાને જે પ્રેમનું વસ્તર મેલું-મેલું લાગ્યું છે
વ્હાલી જિંદગી,
- Advertisement -
જયારે જયારે આશાને અતિક્રમવાના પ્રયત્નો કર્યા છે ત્યારે ત્યારે તું મને અતિશય જીવવા જેવી લાગી છે. વહાલ ઉભરાઈ આવે એ એ દરેક ક્ષણે હું ઉત્સવ ઉજવી લઉં છું. ઓશો રજનીશ યહૂદીઓના એક પુસ્તક તાલમુદ વિશે સરસ વાત કરતા. પરમાત્મા જિંદગીનો હિસાબ ગણવા નવરા નથી બેઠાં. એ તમને એવું ક્યારેય નહીં પૂછે કે કેટલું પાપ અને પુણ્ય કમાયો? એ એવું અવશ્ય પૂછશે કે ભલા માણસ! મેં તને જીવનમાં ઘણાં બધાં સુખના અવસર આપ્યા હતા એમાંથી તેં કેટલાં ભોગવ્યા? જિંદગી! તું મારા આત્માથી પરમાત્મા સુધી પહોંચવાની ચાવી છે. તારું સાનિધ્ય મારા જીવનનો અનમોલ ખજાનો છે જે ક્યારેય ખાલી જ ના થાય ક્ધિતુ પળે પળે સતત વધતો જ રહે. તારો હાથ જ્યારે મારા હાથમાં હોય છે ત્યારે આખી દુનિયા મારી મુઠ્ઠીમાં હોય એવું લાગે છે. તું મારું ધગધગતું આયખું છે જે મને સતત ઊર્જાવાન બનાવે છે. સમી સાંજના આછેરા અંધારે હું તારામાં છૂપાઈને મારા અસ્તિત્વને બચાવી લઉં છું. તું મારા પર હેતની ચાદર બિછાવીને ગરમાવો આપે છે. તારી આ હૂંફ મને જીવાડવા માટે પર્યાપ્ત છે. તારું મારામાં હોવું એટલું સનાતન છે જેટલું આ દુનિયામાં પરમાત્માનું હોવું સનાતન છે.
તારા પ્રેમને હું પ્રત્યેક પળે અનુભવું છું. આંખો બંધ કરી તારી હયાતી ને હું મારામાં ભરતો રહું છું અને ધન્ય થયા કરું છું. તું મારા જીવનનું એ કેન્દ્ર છે જેનો આધાર ફક્ત અને ફક્ત તારો પ્રેમ છે. જિંદગી! તું મારા રોમે રોમમાં ફેલાતી સુગંધનો એ દરિયો છે જેમાં હું રોજ ડૂબું છું, તરું છું અને તરબોળ થઈ જાઉં છું. જિંદગી! મારે તારા હૈયાના ઝૂલતા મિનારે માળો બાંધીને ત્યાં લાગણીઓ સેવવી છે. તારી છાતીમાં ઊગેલા ગરમાળાના પીળા પીળા ફૂલો મહેકે છે એને મારે હૃદયમાં ભરવા છે. તારી પાંપણના દરેક પલકારે મારે વર્તમાનથી ભવિષ્યના બધા જ સપના પરોવવા છે. તારા પગમાં શ્રદ્ધાથી મસ્ત ઝૂકાવીને આખા આયખાને ઉન્નત સ્થાને લઈ જવું છે. તું મારા હૈયાના વડલાની એ વડવાઈ છે જ્યાં મારું મન વળવાગોળ બનીને ફક્ત અને ફક્ત તારામાં જ લટકી રહે છે. જિંદગી! તું મારું ઝળહળતું અજવાળું છે. તારો સંગાથ મારા જીવતરની દરેક ઉજળી સવાર છે. તારું વહાલ જાણે આકાશમાંથી અવિરત વહેતો જળધોધ બનીને મને જીવાડી જાય છે. હું ખૂબ જ નસીબદાર છું કે જિંદગીનો આવો પ્રેમ મને મળ્યો છે એ ચમત્કારથી સહેજ પણ ઓછો નથી. પણ તું મારા માટે ચમત્કાર નથી, મારુ એ સફળ તપ છે જેને પાકવા માટે સદીઓ અને યુગોના યુગો સુધી તપસ્યા કરવી પડે. મારુ એ ઉજળું આયખું છે જેને મેં પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણની ધારથી અવિરત માંજ્યું છે. પ્રેમ અને શ્રદ્ધાથી જોડાયેલા બે દિલ પરસ્પર સંવાદ માંડે ત્યારે એમાંથી સતત ખેવના, હૂંફ, ન્યોછાવરી અને લાગણીના રેલા જ દડતાં હોય છે. હું એ લાગણીના રેલાઓને સ્પષ્ટ અનુભવી રહ્યો છું મારું જીવન સફળ બની ગયું છે. જિંદગી ! હું તને ખૂબ જ પ્રેમ કરું છું કારણકે તું મારી રગે રગમાંથી વહેતું લાગણીનું એ ઝરણું છે જે છેક મારી છાતીમાં આવી, અટવાઈ મને ભીનો ભીનો રાખે છે. હું તને પ્રેમ કરું છું કારણ કે આંધળો માણસ ચશ્મા પહેરવાથી પણ દુનિયાને નિહાળી શકવાનું સામર્થ્ય કેળવી શકતો નથી જ્યારે તે તો સાવ નાદાન અને અણસમજુ જીવને વિવિધ રંગોના મોહક ઇન્દ્રધનુના દર્શન કરાવ્યાં છે. હું તને ખૂબ જ ચાહું છું કારણ કે મારા જીવનના શબ્દકોશમાં ચાહવું – એટલે કે ચાહતનો ફક્ત અને ફક્ત એક જ અર્થ છે જિંદગી… જિંદગી… જિંદગી…
સતત તને શ્વસતો,
જીવ.