કાઉન્ટિંગ સેન્ટર્સ પર મોબાઈલ સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણો પ્રતિબંધિત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
- Advertisement -
મત ગણતરી કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ મહાનિદેશક (કાયદો અને વ્યવસ્થા) શમશેર સિંઘ અને લોકસભા સામાન્ય ચૂંટણી-2024ના પોલીસ નોડલ અધિકારી દ્વારા તમામ પોલીસ કમિશનર્સ, રેન્જ આઈજી તથા પોલીસ અધિક્ષકોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા સૂચના આપવામાં આવી છે.
દેશમાં લોકસભા ચૂંટણીઓ પૂર્ણ થઇ ગઈ છે. ગત 7 મેના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 26 લોકસભા બેઠકોને લઈને મતદાન થયું હતું. 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે, જેને લઈને તમામ રાજ્યોમાં મત ગણતરીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ લોકસભાની 25 બેઠકો અને 5 વિધાનસભા બેઠકો માટે મત ગણતરી કરવામાં આવનાર છે જેના માટે સુરક્ષા તૈયારીઓ કરી લેવામાં આવી છે. દરમિયાન મત ગણતરી કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ મહાનિદેશક (કાયદો અને વ્યવસ્થા) શમશેર સિંઘ અને લોકસભા સામાન્ય ચૂંટણી-2024ના પોલીસ નોડલ અધિકારી દ્વારા તમામ પોલીસ કમિશનર્સ, રેન્જ આઈજી તથા પોલીસ અધિક્ષકોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા સૂચના આપવામાં આવી છે.
આ માટે એક પત્ર જાહેર કરીને માહિતી આપવામાં આવી છે. સૂચન મુજબ રાજ્યમાં 25 મતગણતરી કેન્દ્રો પર ત્રણ સ્તરોમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. જેમાં મતગણતરી કક્ષ પરCAPF ની કંપનીઓ, મતગણતરી બિલ્ડીંગમાં SRPFની કંપનીઓ તેમજ જ્યાં મતગણતરી ચાલી રહી હશે તે બિલ્ડીંગના બહારના ભાગે ટ્રાફિક, પાર્કીંગ વ્યવસ્થા તેમજ જરૂરી બંદોબસ્ત સ્થાનિક પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યા છે.
- Advertisement -
પત્રમાં જણાવ્યા અનુસાર મતગણતરી કેન્દ્ર ખાતેના હોલમાં કાઉન્ટિંગ સુપરવાઈઝર, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ્સ, માઈક્રો-ઑબ્ઝર્વર્સ, ECI દ્વારા અધિકૃત વ્યક્તિઓ, ચૂંટણીના સંબંધમાં ફરજ પરના સાર્વજનિક સેવકો, ઉમેદવારો, ચૂંટણી એજન્ટો અને મતગણતરી એજન્ટોને પ્રવેશ મળી રહે તે માટે નિયમોનુસાર કાર્યવાહી કરવા તથા અન્ય કોઈપણ અનધિકૃત વ્યક્તિને મતગણતરી સ્થળે પ્રવેશવાની મંજૂરી નહી આપવા જણાવવામાં આવેલ છે. સાથે જ મત ગણતરી કેન્દ્રો પર મોબાઈલ/આઈ-પેડ, લેપટોપ, સ્માર્ટ વોચ અને અન્ય સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ઉપકરણો અથવા કોઈપણ રેકોર્ડીંગ ઉપકરણો પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.