સંસદમાં સુરક્ષાની મોટી ચૂક સામે આવતાં લોકસભા સચિવાલય દ્વારા કેટલાક નિયમોને કડક બનાવી દેવામાં આવ્યાં છે.
સુરક્ષાની મોટી ચૂક સામે આવતાં સંસદની સિક્યુરીટી કડક બનાવી દેવામાં આવી છે, કેટલાક નિયમોમાં પણ ફેરફાર કરીને તેને કડક કરી દેવામાં આવ્યાં છે. હાલમાં સંસદ પરિસર વિઝિટર માટે બંધ કરી દેવામાં આવ્યું છે જ્યારે શરુ કરવામાં આવશે ત્યારે ગેટ નંબર 4 દ્વારા અંદર લાવવામાં આવશે. આ ઉપરાંત સુરક્ષા પ્રોટોકોલમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. સાંસદો, સ્ટાફના સભ્યો અને પ્રેસને અલગ-અલગ પ્રવેશદ્વાર ફાળવવામાં આવ્યા છે. હાલ વિઝિટર પાસ આપવાની વ્યવસ્થા સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત હવે પ્રેક્ષક ગેલેરીને કાચથી ઢાંકવાની વ્યવસ્થા કરવામાં આવશે. બીજી તરફ એરપોર્ટની જેમ સંસદમાં પણ બોડી સ્કેન મશીન લગાવવામાં આવશે.
- Advertisement -
કોણ છે સુરક્ષા ચૂકના 6 આરોપીઓ
સંસદમાં હુમલાનું કાવતરું રચવામાં કુલ 6 લોકો સામેલ હતા જેમાં સંસદની અંદર હુમલો કરનાર સાગર શર્મા, મનોરંજન અને સંસદ બહાર સ્મોક એટેક કરીને નારેબાજ કરનાર નીલમ અને અણમોલ ઝડપાઈ ગયાં છે જ્યારે 1 ફરાર છે. આ દોસ્તોને મદદ કરનાર ગુરુગ્રામના લલિત ઝા નામના શખ્સની પણ ધરપકડ કરાઈ છે.
સંસદની અંદર અને બહાર શું બન્યું
સંસદમાં બપોરે 1 વાગ્યાની આસપાસ સાગર શર્મા અને મનોરંજન નામના બે યુવાનો વિઝિટર ગેલેરીમાંથી કૂદીને લોકસભામાં પડ્યાં હતા. આ બે યુવાનો જ્યારે અંદર પડ્યાં ત્યારે કાર્યવાહી ચાલુ. કૂદ્યા બાદ તરત સાગર અને મનોરંજને પગરખાંથી કલર સ્પ્રે કાઢીને છાંટ્યો હતો જેમાંથી પીળા રંગનો ધૂમાડો ફેલાયો હતો અને સાંસદોમાં અફરાતફરી મચી હતી. સાંસદોને તો એવું જ લાગ્યું હતું કે તેમની પર કોઈ એટેક થયો છે. કેટલાક સાંસદો અને સિક્યુરીટી દ્વારા બન્ને યુવાનોને ઝડપી લેવામાં આવ્યાં હતા. તો બીજી તરફ સંસદની બહાર નીલમ અને અણમોલ ગુપ્તા નામના યુવાન-યુવતીએ બખેડો ઊભો કર્યો હતો. નીલમ નારેબાજી કરી હતી કે તાનાશાહી નહીં ચલેગી.
સંસદમાં અંદર ઘુસીને વિરોધનું શું કારણ
સંસદમાં હુમલો કરનાર 6 લોકોમાં એક નીલમ નામની યુવતી પણ સામેલ છે. નીલમે હવે સંસદમા ઘુસીને હોબાળો કરવાનું કારણ આપ્યું છે. તેણે કહ્યું કે તે એક સ્ટુડન્ટ છે અને સરકારના વિરોધમાં આ પગલું ભર્યું હતું, આના સિવાય તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. નીલમ હરિયાણાના હિસારની છે અને તે આઈએએસની તૈયારી કરી રહી હોવાનું પણ સામે આવ્યું છે. નીલમે કહ્યું કે અમે સ્ટૂડન્ટ છીએ અને બેરોજગાર છીએ, સરકાર કોઈનું સાંભળતી નથી. અમારી ભારત સરકાર છે જે અમારા પર આ અત્યાચારો કરી રહી છે. જ્યારે પણ અમે અમારા અધિકારોની વાત કરીએ છીએ, ત્યારે અમારી પર લાઠીચાર્જ કરવામાં આવે છે અને ત્રાસ આપવામાં આવે છે, તેથી અમારી આવો વિરોધ કરવા સિવાય બીજો કોઈ આશરો નહોતો. નીલમે એવું પણ કહ્યું કે અમે કોઈ સંગઠન કે સંસ્થા સાથે જોડાયેલા નથી. અમે વિદ્યાર્થીઓ છીએ… અમે બેરોજગાર છીએ. અમારા માતા-પિતા ખૂબ કામ કરે છે. મજૂરો-ખેડૂતો, નાના વેપારીઓ, દુકાનદારો… પરંતુ કોઈ સાંભળતું નથી. દરેક જગ્યાએ આ અમારી સમસ્યા છે. અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આવી તાનાશાહી નહીં ચાલે.