કાર્તિક મહેતા
આ લખાય છે ત્યારે ગાંધી જયંતિ અને દશેરા બેય ઉજવાઈ રહ્યા છે. તુલસીદાસ અને કબીરજી પછી રામનામનો મહિમા કોઈ એ સહુથી વધારે ગાયો હોય તો એ ગાંધી હતા. ગાંધીનો સેક્યુલર ચહેરો જેટલો વગોવાયો છે એટલો એમનો આ શુદ્ધ આધ્યાત્મિક ચહેરો ગવાયો નથી.
- Advertisement -
ગાંધી કબીરજીની જેમ ઈશ્વરને રામને નામે સંબોધતા. નાનપણથી એમને ભય લાગે તો રામનામની જડીબુટી વાપરવી એવી એવી ટેવ જીવનભર રહી અને જીવનભર ગાંધી રામનામ લેતા રહ્યા. કહેવાય છે કે મૃત્યુ સમયે પણ એમને મુખે રામનું નામ હતું.
ગાંધીએ પણ કબીરજી ની જેમ વણાટકામ અને ખાદીને અફાટ પ્રેમ કર્યો.અમુક લોકોએ એમના આ ખાદીપ્રેમને એમની હઠ સમજીને વગોવી કાઢ્યો તો અમુકને એમાં પણ કોઈ રાજકીય ચાલ દેખાઈ. પણ એમ નહોતું. ખાદીનો પ્રચાર કરવા પાછળ ગાંધીની ભારત માટેની ઊંડી સમજણ અને નિસ્બત બેય હતા.
અંગ્રેજો આવ્યા તે પહેલાં ભારતમાં વણાટકામ એક બહુ મોટો, વ્યાપક અને વિશાળ ટર્ન ઓવર ધરાવતો ઉદ્યોગ હતો.કહેવાય છે કે કેવળ બંગાળમાં જ બસ્સોથી વધારે પ્રકાર નું કાપડ બનાવવામાં આવતું અને અનેક દેશોમાં નિર્યાત થતું.
- Advertisement -
સૌરાષ્ટ્રના કિનારેથી ચૌદસો વર્ષ પહેલાં તમિલનાડુ વસી ગયેલા (આજે પણ સોરઠી તરીકે ઓળખાતા) બ્રાહ્મણો વણાટકામ કરતા. કાંચીપુરમ નગરીમાં વસી ગયેલા આ મૂળ સૌરાષ્ટ્રના બ્રાહ્મણોએ કાંજીવરમ સાડીની ભેટ જગતને આપી.
બંગાળમાં શારક તરીકે ઓળખાતા લોકો રહેતા જેઓ જૈન પ્રથાઓ પાળતા અને વણાટકામ કરતા. શ્રાવક પરથી તેઓ શારાક તરીકે ઓળખાતા હતા.
ભારતની તમામ જાતિઓ એ વણાટકામ કરેલું છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. ગૃહસ્થ યોગીઓ તરીકે ઓળખાતા લોકો તો વણાટકામ કરતા અને સાથે સાથે યોગમાર્ગની પરંપરાઓ નું ગુપ્ત રીતે વહન કરતા. આ ગૃહસ્થ યોગી કુટુંબમાં જ કબીર થઈ ગયેલા. ગૃહસ્થ યોગીઓની મોટી વસ્તી અંગ્રેજોએ વસ્તી ગણત્રી વખતે નોંધેલી છે.
કાપડ ઉદ્યોગનું ફેકટરી કરણ કરવા પાછળ પડેલા અંગ્રેજોએ આ કાપડ ઉદ્યોગનું કાસળ કાઢી નાખ્યું અને વણાટકામના કારિગરોને ખલાસ કરી મુક્યા.
યાદ રાખજો કે ગાંધી જ એ હતા જેમણે લોકોને ઘેર ઘેર રેંટિયો રાખવાની અને ખાદી/સુતરાઉ કાપડ પહેરવાની ઝુંબેશ ચલાવી. પ્રાચીન ભારતના વારસા સમાન કાપડ ઉદ્યોગ અને કારીગરી ને જીવિત રાખવાનો તથા જાતપાત નું કલંક હિન્દુઓને કપાળે થી ભૂંસ્વાનો આ એક આબાદ ઉપાય હતો.
પરંતુ, ગાંધીનો રાજકીય ઉપયોગ થયો એટલો એમના વિચાર ઉપર અમલ થયો નહિ. કાપડ ઉદ્યોગનું ફેકટરી કરણ થઈને રહ્યું. ભારતના ગળી કરેલા બરછટ સુતરાઉ કાપડ ઉપરથી પ્રેરણા લઈને યુરોપમાં ડેનિમ જીન્સ બનવા લાગ્યા જે ટકાઉ અને મજબૂત હતા. સમય જતાં ડેનિમ જીન્સ (જે શુદ્ધ સુતરાઉ કાપડ હતું) પહેરવું ફેશન બનવા લાગ્યું.
અમેરિકામાં તો રીતસર ડેનિમ બનાવતી કંપનીઓ નિર્માણ પામી જે આજની તારીખે ચાલે છે. લિવાઇસ નામનાં યહૂદી વેપારીએ ડેનિમ જિન્સમાં યોગ્ય સુધારાવધારા કરીને નવી નવી ડિઝાઇન બનાવી તો એના જીન્સ છવાઈ ગયા અને આજે પણ એના ડિઝાઇન કરેલા રીવેટ વાળા જીન્સ આપણે સહુ પહેરીએ છીએ.
જીન્સ એક ઉમદા કાપડ હતું કેમકે તે એકદમ સુતરાઉ હતું. જીન્સ ગાંધીના સિદ્ધાંતોને અનુરૂપ હતું એમ કહીએ તો વાંધો નથી. કેમકે જીન્સ ગામઠી કારીગરોનો શુદ્ધ સુતરાઉ એવો બરછટ પોશાક હતો.
હમણાં સુધી રફ એન્ડ ટફ જીન્સની એડમાં એક્શન બતાવતો અક્ષય કુમાર આપણને જોવા મળતો. આજે આવા શુદ્ધ સુતરાઉ જીન્સ ને બદલે પ્લાસ્ટિક ફાઈબર મિક્સ કરેલા જીન્સ ખૂબ વેચાય છે. આવા જીન્સ ટકાઉ હોય છે પણ શુદ્ધ સુતરાઉ જીન્સ જેવો એકસપીરિયન્સ આપી શકતા નથી. વળી, આ કાપડ સુતરાઉ જીન્સ જેટલું લાભદાયી તો નથી પણ ઉલ્ટાનું અમુક રીતે જોખમી છે.
એમાં વળી સ્ત્રેચેબ્લ જીન્સ નું પણ ચાલ્યું. આવા ઇલાસ્તિક જેવા જીન્સ બનાવવા માટે એમાં ઇલાસ્ટિન નામનું એક રાસાયણિક ફાઈબર નાખવું પડે છે જે પર્યાવરણ અને સ્વાસ્થ્ય બેય માટે જોખમી છે.
ગાંધી સુતરાઉ કાપડ અને કાપડ ઉદ્યોગના ફેકટ્રીકરણ ના વિરોધ બાબતે બહુ સાચા હતા. કદાચ આજે આપણે ઘેર રેંટિયો કે હાથશાળ વસાવી શકીએ નહિ પણ હાથવણાટ નું કાપડ બનાવતા કારીગરોએ બનાવેલું અફલાતૂન ભારતીય સુતરાઉ કાપડ પહેરીને એમને સહાય તો અવશ્ય કરી જ શકીએ એમ
છીએ.
સુતરાઉ કાપડની ફેશન સદાબહાર છે અને રહેવાની છે. કેમકે એમાં ભારતની આબાદીની ચાવી છે. પ્લાસ્ટિકના રેસાઓનાં કાપડને ચતુર વાણિયા એવા ગાંધીએ એમનેમ નથી ત્યાજ્યું. થોડામાં ઘણું.