છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલો વરસાદ ખેડૂતો માટે અભિશાપ સમાન
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં જાણે મેઘરાજા ખમૈયા કરવાનું નામ ન લેતા હોય તેમ શનિવારથી મેઘરાજાએ તોફાની ઈનીંગ શરુ કરી છે જેના કારણે સમગ્ર મોરબી જીલ્લો જળમગ્ન થઈ ગયો છે. મોરબી જીલ્લામાં દિવસ દરમિયાન તડકા છાયડાવાળા વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટનો અનુભવ કરાવ્યા બાદ રાત્રીના સમયે જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ વીજળીના કડાકા ભડાકા અને તેજ પવન સાથે વરસાદ શરુ થાય છે અને સતત એકથી બે કલાક દરમિયાન એકથી દોઢ ઈંચ વરસાદ વરસી જતો હોય છે. આ ઉપરાંત મોરબી જીલ્લામાં સીઝનનો સરેરાશ 26 ઈંચ વરસાદ વરસી જતા જીલ્લાના મોટા ભાગના ગામના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને સતત પાંચ દિવસથી પડી રહેલા વરસાદના કારણે ચોમાસું પાક નિષ્ફળ ગયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
- Advertisement -
મોરબી જીલ્લામાં ચાલુ સીઝનમાં સરેરાશ 26 ઈંચ વરસાદ નોધાયો છે જેમાં તાલુકા મુજબ જોઈએ તો ટંકારામાં 29 ઈંચ, માળીયામાં 25 ઈંચ, મોરબીમાં 34 ઈંચ જયારે વાંકાનેર અને હળવદમાં 20-20 ઈંચ વરસાદ વરસી ચુક્યો છે. સમગ્ર મોરબી જીલ્લામાં આ વર્ષે વધુ વરસાદ થવાના કારણે લીલો દુષ્કાળ થવાની ભીતી સેવાઈ રહી છે. મોરબી જીલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી સરેરાશ કરતા વધુ વરસાદ પડી રહ્યો છે જેના કારણે સતત ત્રણ વર્ષથી ચોમાસું પાક નિષ્ફળ જઈ રહ્યા છે. આ વર્ષે પણ ભારે વરસાદને પગલે સમગ્ર જીલ્લામાં ચોમાસું પાક નિષ્ફળ જાય તેવી ભીતી વધી છે. મોરબી જીલ્લામાં છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં મોટા પાયે પાણી ભરાઈ જતા પાક બળી ગયો છે જેના કારણે મોટાપાયે નુકશાન થવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.