બે પૂર્વ પોલીસ કમિશનર, મ્યુ. કમિશનર સહિતના અધિકારીઓના ઘરે તપાસ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
- Advertisement -
રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી ગોઝારા આગમાં 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત પાછળ કોણ જવાબદાર છે, રાજકોટ મહાનગરપાલિકા અને સરકારી અધિકારીઓ વચ્ચે ક્યાં ભૂલ હતી, ક્યાં બેદરકારી હતી વગેરેની તપાસ માટે રાજ્ય સરકારે રચેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસની સાથે એન્ટી કરપ્શન બ્યુરોએ પણ તપાસ હાથ ધરી છે.રાજકોટના બે ભૂતપૂર્વ પોલીસ કમિશનર, મ્યુ.કમિશનર સહિત જવાબદાર વ્યક્તિઓને ત્યાં ACBની પાંચ ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી.
રાજકોટમાં પોલીસ, મનપા, ફાયર બ્રિગેડ, પીજીવીસીએલ અને તે વિભાગોના ભ્રષ્ટ અધિકારીઓની મિલકતો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ગઇકાલ સાંજથી જુદી જુદી પાંચ ટીમોએ તપાસ શરૂ કરી છે. એસીબીની પાંચ ટીમો તપાસ માટે રાજકોટ દોડી આવી હતી. આ ટીમોએ ગેમ ઝોનના પ્રારંભે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓના ઘર અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તે ઉપરાંત રાજકોટ ફાયર બ્રિગેડના હેડક્વાર્ટર, મનપાની ટાઉન પ્લાનિંગ ઓફિસ અને પશ્ચિમ ગુજરાત પાવર કંપની લિમિટેડ (PGVCL)ની ઓફિસોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે જઈંઝની તપાસમાં જે જવાબદાર અધિકારીઓના નામ બહાર આવ્યા છે તેમની અપ્રમાણસર સંપત્તિ શોધવાની સૌથી મહત્વની બાબત હશે.
અમારી ટીમો સતત વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને અમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી પણ મળી છે. તે માહિતીના આધારે અમે આગળ વધી રહ્યા છીએ. સૂત્રોએ ઉમેર્યું હતું કે કેટલાક સરકારી અધિકારીઓના નામ બહાર આવ્યા છે અને તેમના ઘરો અને ઓફિસોમાં મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, સીટની તપાસમાં જાણવા મળ્યું હતું કે ગેમ ઝોનમાં 1500 લીટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને પેટ્રોલનો મોટો જથ્થો હોવાથી આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે છૂટક પેટ્રોલના વેચાણ પર પ્રતિબંધ છે, તો પછી આ ગેમ ઝોનના મેનેજરે આટલી મોટી માત્રામાં રિટેલ પેટ્રોલ કેવી રીતે ખરીદ્યું હશે? જો કે, જઈંઝ ટીમે આ ગેમ ઝોનમાં આટલી મોટી માત્રામાં ગેરકાયદેસર છૂટક પેટ્રોલ વેચતા પેટ્રોલ પંપની પણ ઓળખ કરી છે.
- Advertisement -
ASI આનંદ પટેલ તથા રાજુ ભાર્ગવ સહિત 3 IPS પોલીસ ભવનમાં હાજર
રાજકોટ અગ્નિકાંડ મામલે સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગઇકાલે બે વખત SITની ટીમ સાથે બેઠક કરવામાં આવ્યા બાદ આજે પોલીસ ભવન ખાતે એક આઈએએસ અને ત્રણ આઇપીએસ અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ASI આનંદ પટેલ તથા રાજુ ભાર્ગવ સહિત 3 IPSઅધિકારી પોલીસ ભવનમાં હાજર છે. ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે ડીજીપી વિકાસ સહાય દ્વારા તબક્કાવાર ASI આનંદ પટેલ અને રાજુ ભાર્ગવ સહિત 3 IPS ની પૂછપરછ કરવામાં આવશે. રાજકોટમાં શનિવારે 25 મેના રોજ સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં 27 લોકોના મોત નીપજ્યા બાદ સરકારે ત્વરિત પગલાં ભરતા રાજકોટના મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, એડિશનલ કમિશ્નર વિધિ ચૌધરી અને ઝોન-2 ડીસીપી ડો. સુધીર દેસાઇની બદલી કરી નાંખી હતી. રાજકોટ અગ્નિકાંડ મામલે સરકાર એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. આજે સવારે SIT સાથે પ્રથમ બેઠક કર્યા બાદ અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બીજી બેઠક શરૂ થઇ છે. SITના રિપોર્ટ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર છે. આ બેઠકમાં રાજકોટના નવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા પણ ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વ પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિત 13 અધિકારીઓ વિરૂદ્ધ કોર્ટમાં ફરિયાદ
TRP ગેમઝોનના અગ્નિકાંડ મામલે રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિત 13 અધિકારીઓ સામે IPC કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ કાર્યવાહી કરવા રાજકોટના ચિફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમની સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે તેમાં રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, પૂર્વ DCP સુધીર દેસાઈ, પૂર્વ એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ઇજનેર જયદીપ ચૌધરી, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોષી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, માર્ગ-મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એમ.આર. સુમા, તત્કાલીન મદદનીશ ઇજનેર પારસ કોઠીયા, રીડર શાખાના પીઆઈવી.આર. પટેલ, તાલુકા પોલીસ મથકના તત્કાલીન પીઆઈ એન.આઈ. રાઠોડ, ચિફ ફાયર ઓફિસર ઇલેશ ખેર અને ડેપ્યુટી ચિફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા ઉપરાંત તપાસમાં ખૂલે તે તમામનો સમાવેશ થાય છે. આ ફરિયાદી એડવોકેટ વિનેશ છાયાએ જણાવ્યું કે ફરિયાદના પગલે અદાલતે તપાસ પોતાની પાસે રાખી તાલુકા પોલીસને આગામી તા. 20 જૂન સુધીમાં રિપોર્ટ કરવા આદેશ કર્યો છે.