આ સમિટમાં ભાગ લેવા માટે પીએમ મોદી આજે બપોરે સમરકંદ જવા રવાના થશે. તેઓ સાંજે 6 વાગ્યે સમરકંદ પહોંચે તેવી શક્યતા.
SCO એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટનું આયોજન સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં થઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થશે. આ સમિટમાં ભાગ લેવા માટે પીએમ મોદી આજે બપોરે સમરકંદ જવા રવાના થશે. તેઓ સાંજે 6 વાગ્યે સમરકંદ પહોંચે તેવી શક્યતા છે. જે બાદ PM મોદી 16 સપ્ટેમ્બરે SCOની બેઠકમાં ભાગ લેશે. આ વખતે SCO સમિટ ઘણી રીતે ખાસ છે. પાકિસ્તાનના પીએમ અને ચીનના રાષ્ટ્રપતિ પણ આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે.
- Advertisement -
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હંમેશા સારા નથી રહ્યા. પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે વાતચીત બંધ કરી દીધી છે. 2016માં પઠાણકોટ હુમલા બાદથી દુનિયાના કોઈપણ મંચ પર બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ નથી. 2019માં કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં પીએમ મોદી અને પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન ઇમરાન ખાન વચ્ચે એક નાનકડી મુલાકાત થઈ હતી. જેને સૌજન્ય બેઠક નામ આપવામાં આવ્યું હતું. જોકે, ભારત તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, આ સમિટમાં પાકિસ્તાન સાથે કોઈ વાતચીત નહીં થાય.
સૂત્રોએ જણાવ્યું હતું કે, હવે ત્રણ વર્ષ પછી એટલે કે 2022માં બંને દેશોના વડાપ્રધાન ફરી એકવાર આ મંચ પર આવશે. જોકે આ વખતે પણ વાતચીતની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. પીએમ મોદી પહેલીવાર પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફનો સામનો કરશે. જો બંને નેતાઓ વચ્ચે વાતચીત થશે તો તે ભારત-પાક વેપાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે. પાકિસ્તાન ગમે તે ભોગે ભારત સાથે વાત કરે તેવું ઈચ્છશે, કારણ કે ત્યાં પૂરના કારણે તબાહી મચી ગઈ છે અને પહેલાથી જ ભાંગી પડેલી અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. જોકે પીએમ મોદી ફરી એકવાર પાક પીએમ સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવી શકે છે.
આ સાથે સમરકંદમાં આયોજિત આ SCO સમિટમાં પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ લગભગ 34 મહિના પછી મળવા જઈ રહ્યા છે. ભારત-ચીન સરહદ વિવાદને લઈને આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બંને વચ્ચે છેલ્લી મુલાકાત 2019માં બ્રિક્સ સંમેલન દરમ્યાન થઈ હતી. સીમા વિવાદ બાદ બંનેની આ પહેલી મુલાકાત હશે. આ સમિટ પહેલા ચીન તરફથી થોડીક હળવાશ દાખવવામાં આવી હતી અને LAC પરના તમામ વિવાદિત વિસ્તારોમાંથી સેનાને પાછી ખેંચી લેવામાં આવી હતી. ભારત અને ચીનની સેનાઓએ વિવાદિત વિસ્તારોમાંથી પોતાના બંકરો પણ હટાવી લીધા છે. જે બાદ ડિસએન્જિંગનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે.
- Advertisement -
શું છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની રચના 2001માં થઈ હતી. તેમાં ભારત, પાકિસ્તાન, રશિયા અને ચીન સહિત કુલ 8 સ્થાયી સભ્યો છે. તે એક ભૌગોલિક રાજકીય અને સુરક્ષા સંસ્થા છે. શરૂઆતમાં તેના કુલ 6 સભ્યો હતા. જેમાં રશિયા, ચીન, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન, કિર્ગિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. જે બાદ ભારત અને પાકિસ્તાન પણ તેમાં જોડાયો હતા. આ સિવાય 6 ડાયલોગ પાર્ટનર્સ અને 4 નિરીક્ષક દેશો પણ આમાં સામેલ છે. SCOની આગામી બેઠક ભારતમાં આવતા વર્ષે 2023માં યોજાશે.