સરકારી સ્કૂલોમાં ધોરણ 1માં હજુ માત્ર 20% જ એન્ટ્રી થઈ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં બાલ વાટિકા અને ધોરણ.1માં પ્રવેશ લેનાર બાળકોની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે. ત્રણ દિવસમાં ડેટા એન્ટ્રી નહીં કરનારી સ્કૂલોની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી અંગે નોટિસ ફટકારવા શિક્ષણ વિભાગે તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓને સુચના આપી છે.
- Advertisement -
શિક્ષણ વિભાગે આપેલી સુચનામાં દર્શાવેલ અંદાજ મુજબ સરકારી સ્કૂલોમાં ધોરણ.1માં હજુ માત્ર 20 ટકા જેટલા જ બાળકોની એન્ટ્રી થઈ છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા બુધવારના રોજ યોજેલી વીડિયો કોન્ફરન્સમાં જણાવેલી વિગતો મુજબ બાલવાટિકામાં 1094477 બાળક અને ધોરણ.1માં 398690 મળી કુલ 1493167 બાળકોનો સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં પ્રવેશ થવાનો લક્ષ્યાંક હતો.
બાળકોની આ વિગતો જિલ્લા પ્રમાણે યાદી તૈયાર કરીનો એડવાન્સમાં મોકલી આપવામાં આવી હતી. તેમ છતાં હજુ ડેટા એન્ટ્રીમાં ઠાગાઠૈયા કરવામા આવી રહ્યાં છે. જેથી નિયામક કચેરી દ્વારા સુચના આપવામાં આવી હતી કે, ત્રણ દિવસમાં ડેટા એન્ટ્રી પૂર્ણ ન કરવાની સ્કૂલોને માન્યતા રદ કરવા સુધીની નોટિસ ફટકારવામાં આવે.