જૂનાગઢ જિલ્લા સતત ત્રીજા દિવસ મેઘરાજાની અવીરત સવારી
સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવતા ખેડૂતોના હાલ બે હાલ, ખેતી પાકને નુકશાન
- Advertisement -
કોઝવે – તળાવ પાળા – રસ્તા તૂટ્યાની સાથે ખેતરોના ધોવાણથી કરોડોનું નુક્સાન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘસવારી અવિરત જોવા મળી છે જેના લીધે સમગ્ર જિલ્લો પાણીથી તરબોળ બન્યો છે.જાણે મેઘ મહેર કહેર બનીને તૂટી પડતા ઠેર ઠેર નુકશાનીના દર્શ્યો જોવા મળી રહ્યા છે.જેમાં અનેક કોઝવે પર પાણી ફરી વળતા કોઝવેના રસ્તાનું ધોવાણ થયું છે તેની સાથે સ્ટેટ માર્ગો પણ તૂટીને બેહાલ બન્યા છે.તળાવના તેમજ ચેકડેમના પાળા તૂટવાની પણ ઘટનાઓ બની છે.જયારે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને ઘેડના હાલ બેહાલ બન્યા છે ઓઝત, ઉબેણ સાંબલી નદીના ધસમસતા પાણી ઘેડમાં ઘુસી જતા ખેતરોના ઉભા પાકને ભારે નુકશાની જોવા મળે છે.સાથે ખેતરોના પણ ધોવાણ જોવા મળે છે.આ ચોમાસાની સીઝનમાં બીજી વાર ઘેડ પંથક જળબંબાકાર થતા ખેડૂતોને રાત પાણીયે રોવાનો વારો આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાતા ગીરનાર અને દાતારના પહાડોમાં ભારે વરસાદ વરસતા વિલિંગ્ડન ડેમ ફરી ઓવરફલો થતા તેના પાણી સીધા યુવનગર રોડ પર ફરી વળતા સવારથી રસ્તો બંધ થયો છે.એજ રીતે ગઈકાલ ધંધુસર વધાવી રોડ પર પાણી ફરી વળતા ત્યાં પણ રસ્તો બંધ થયો એજ રીતે કાળવાનું પાણી વંથલીના શાપુર ગામે પોહચી જતા શાપુર ગામ સંપર્ક વિહોણું બન્યું હતું.આજે વંથલીમાં 2 ઇંચ, જૂનાગઢમાં દોઢ ઇંચ અને અને માણાવદરમાં 1 ઇંચ વરસાદ બપોર 12 વાગ્યા સુધીમાં વરસી ગયો છે.
- Advertisement -
માણાવદરના જાંબુડાના તળાવમાં ગાબડું પડતાં અધિકારીઓ દોડતાં થયા
માણાવદર તાલુકાના જાંબુડાનું તળાવમાં ગાબડું પડતાં સરપંચે રજૂઆત કરતા સિંચાઇ વિભાગના અધિકારીઓ દોડી ગયા હતા.આ અંગે ગામના સરપંચના પ્રતિનિધિ કાનભાઈ જલુએ જણાવ્યું હતું કે આ ચેકડેમમાં સણોસરા, રોણકી સહિતના ગ્રામ્ય વિસ્તારોના આ ડેમમાં પાણી આવે છે ત્યારે આ ડેમમાં ઘણા સમયથી ગાબડું પડ્યું હતું અને અનેકવાર રજૂઆત કરવા છતાં રિપેર કરવામાં આવ્યું નથી ત્યારે ભારે વરસાદથી આ ડેમમાંથી પાણી વહી રહ્યું છે. આજરોજ પંચાયત સિંચાઈ વિભાગના સેક્શન ઓફિસર પી.એલ.જાદવ સહિતના અધિકારીઓ આ ચેકડેમ ખાતે ધોડી આવ્યા હતા ત્યારે તેઓ ચેકડેમની નિરીક્ષણ કર્યું હતું અને વરસાદના વિરામ બાદ રીપેર કરવાની ખાત્રી આપી હતી.