કોલસો ભરેલા વાહનની રોયલ્ટી તપાસ કરતા આખુંય કૌભાંડ ઉઘાડું પડ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર જિલ્લામાં જે પ્રકારે ગેરકાયદેસર કોલસાનું ખનન ચાલી રહ્યું છે તે પ્રકારે ગેરકાયદેસર કોલસાને કાયદેસર કરવાનું પણ કૌભાંડ ચાલી રહ્યું છે. જ્યારે આ પ્રકારના કૌભાંડ સુધી હજુ સુધી એક પણ અધિકારી પહોંચી શક્યા નથી અથવા પહોચવાના પ્રયત્ન કર્યા નથી પરંતુ હવે આ પ્રકારનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં થાનગઢ પંથકના મૃત વ્યક્તિના નામે ચાલતી કોલસાની લીઝ અને રોયલ્ટી વેચવાનું આખુંય ષડયંત્ર સામે આવ્યું છે.
- Advertisement -
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કિશન કાઠિયાવાડી હોટલ નજીક એક કોલસો ભરેલું વાહન ઊભું રખાવી તપાસ કરતા વાહન ચાલકે કોલસાની રોયલ્ટી દર્શાવી હતી પરંતુ સ્થળ પર તપાસ કરતા ખરેખર જે લિઝ ધારકના નામે લીઝ ચાલતી હતી તે વ્યક્તિ તો અવસાન પામેલ હતો અને તેના બદલે એની ખનિજ માફીયાઓ રોયલ્ટી કાઢીને વેચાતા હોવાનું સામે આવ્યું હતું. મૃતક લીઝ ધારક સચદેવ હસમુખભાઈ કલ્યાણભાઇનું અવસાન થયેલ હોય અને સરકારી નિયમો મુજબ લીઝ ધારકનું અવસાન થયા બાદ કોઈપણ પ્રકારનો વ્યવહાર થઈ શકે નહીં છતાં પણ ખનિજ માફીયાઓ દ્વારા લીઝ યથાવત રાખી રોયલ્ટી વેચાણ થતી હતી આ સાથે લીઝ પર ગેરકાયદેસર કોલસાની 25 જેટલી જૂની ખાણો પણ નજરે પડી હતી. જેને લઇ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા આ બોગસ પ્રકારે ચાલતી લીઝ અને રોયલ્ટી વેચનારા ખનિજ માફિયાઓની તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે.



