ખાસ-ખબર સંવાદદાતા
સુરજબારી સ્ટેશન પરથી માલસામાન ભરેલી ટ્રેનમાંથી 450 લીટર ડીઝલની ચોરીનું કૌભાંડ ઝડપાયું છે જેમાં પોલીસે ચાર આરોપીઓની ધરપક્ડ કરી હતી. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. 16 ના રોજ આરપીએફ પોલીસને જાણ થઈ હતી કે, સુરજબારી સ્ટેશન પર માલસામાન ભરેલી ટ્રેનમાં કોઈ ઈજા પહોંચાડી રહ્યું છે જેને પગલે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં સંબંધિત ગાર્ડ અને લોકો પાયલોટ સાથે સ્થળ તપાસ કરતાં માલગાડીની ઇંધણની ટાંકીનું ઢાંકણું ક્ષતિગ્રસ્ત હતું અને પાઇપ વડે ટાંકીમાંથી તેલ કાઢવામાં આવતાં 200 લિટર ચોરીનું ડીઝલ ભરેલા બે ડ્રમ મળી આવ્યા હતા એ વખતે ટ્રેનના ડ્રાઇવરે ટોર્ચથી તપાસતા એન્જિનના છેલ્લા ફ્યુલિંગ રેકોર્ડ મુજબ, રનિંગ મીટરના આધારે 450 લીટર ડીઝલની ચોરી થઈ હોવાનું જણાયું હતું જે બાદ ડીએસસીઆર / એડીઆઈ અને ક્રાઈમ બ્રાન્ચ સાથે શ્વાનને બોલાવવામાં આવ્યા હતા અને ચોરીમાં ઉપયોગમાં લેવાના સાધનોની ગંધ આવતા ટ્રેકિંગ દરમિયાન શ્વાન ઘટનાસ્થળથી સુરજબારી તરફના એક ઘરની નજીક થમી ગયો જ્યાં તપાસ કરતાં 4 વ્યક્તિઓના નામ ખુલ્યા હતા. પોલીસે દરવાજો ખખડાવતા કુરબાન કરીમભાઈ, અહેમદ અનવર અલી, અબ્બાસ રસુલ અને કાસમ ધરની બહાર આવ્યા હતા અને ઘરમાંથી એ સમયે ડીઝલની ગંધ આવી રહી હતી જેથી એ અંગેની પોલીસે આકરી પૂછપરછ કરી હતી જેને પગલે આરોપીઓએ વટાણા વેરી નાખ્યા હતા અને ચોરીની કબૂલાત આપી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે, તા. 15-10-2022 ના રોજ રાત્રે સુરબારી સ્ટેશન પર પાર્ક કરેલી રેલ્વે માલસામાન ટ્રેનના એન્જિનમાંથી તેમણે ડીઝલની ચોરી કરી હતી અને ચોરીને અંજામ આપતી વખતે એક કર્મચારી આવ્યો હતો જેથી તેઓ નાસી ગયા હતા. આ ઉપરાંત લાકડીયા સ્ટેશન ખાતે 50-50 લીટરની બેગની પણ ચોરી કર્યાનું કબુલ્યું હતું. હાલ પોલીસે 12 ડ્રમ ડીઝલ, પ્લાસ્ટીકની પાઇપો અને ટાંકી ખોલવા માટે વપરાતા સાધનો, લોખંડના સળિયા અને હોડી, 30 લીટર ડીઝલ ભરેલ મોટર સાયકલ તથા ઘરમાં અન્ય મોટા નાના ડ્રમ અને ડબ્બાઓમાં ભરેલું ડીઝલ જપ્ત કર્યું હતું.