‘ખાસ-ખબર’નું ગ્રાઉન્ડ રિયાલિટી ચેક
લુચ્ચા બિલ્ડરો હવે તો સુધરો… પણ નહીં કાગડા તો કાળા જ રહે ને….!
- Advertisement -
બિલ્ડરોનો ફ્લેટ ધારકોને ઉડાઉ જવાબ
શારદા સાનિધ્ય-2ના ફ્લેટ ધારકોના જણાવ્યા મુજબ ખાસ ખબરમાં અહેવાલ છપાયો ત્યારે બિલ્ડરોની ઉંઘ બગડી ગઈ. બિલ્ડરોને એસોસિએશન કે અન્ય એમેનિટીઝ વિશે વાત કરવામાં આવે તો તે હાલ ઉડાઉ જવાબ આપી રહ્યા છે કે હવે દોઢ વર્ષ થઈ ગયું છે તમારે જે સુવિધા જોઈતી હોય તે તમારા ખર્ચ કરાવી શકો છો. ફ્લેટ ધારકોનો એવો પણ આક્ષેપ છે કે, બિલ્ડરોએ રેરાની વેબસાઈટમાં પણ પૂર્ણ પ્લાન અપલોડ નથી કર્યો.
બારીઓનું સેક્શન નબળું, બાંધકામ અને ટાઈલ્સ સાવ હલકી ગુણવત્તાની, ફાયરના બાટલા ખાલી, ફાયર એલાર્મ બંધ
- Advertisement -
શારદા સાનિધ્ય-2ના બિલ્ડરો દ્વારા પૂરતી સુવિધા ન અપાતા અને બાંધકામ નબળું કરતા ફ્લેટ ધારકોએ બિલ્ડરો વિરૂદ્ધ મોરચો પોતાની વ્યથા ‘ખાસ-ખબર’ને વર્ણવી હતી.
વિકાસની હરણફાળ ભરતા રાજકોટમાં હાઈરાઈઝ બિલ્ડિંગો દિવસેને દિવસે વધી રહ્યા છે. નવા નવા વિસ્તારોમાં લક્ઝરીયસ ફ્લેટોની હારમાળા સર્જાઈ રહી છે. જેને લઈને બિલ્ડરો પણ નવી નવી સાઈટો પર સોસાયટી અને ફ્લેટોનું નિર્માણ કરી રહ્યા છે જો કે, કેટલાક બિલ્ડરોએ એવા પણ છે કે ફ્લેટ ધારકોને સુવિધા આપવાનું કહીને પોતાનો રંગ બદલી નાખે છે. આવો જ એક કિસ્સો 150 ફૂટ રીંગ રોડ પર આવેલા શારદા સાનિધ્ય -2નો સામે આવ્યો છે. બિલ્ડરોએ મોટા મોટા વાયદાઓ કરી પૂરતી એમેનિટીઝ ન આપતા બિલ્ડરો સામે મોરચો માંડ્યો છે. ખાસ ખબરની મુલાકાતે આવેલા ફ્લેટ ધારકોએ બિલ્ડરો પર આરોપ લગાવ્યા હતા કે, આખા બિલ્ડિંગનું માળખું નબળુ છે માત્ર દોઢ વર્ષમાં જ દીવાલોમાંથી ભેજ ઉતરે છે, ફ્લેટ ધારકોના કહેવા મુજબ બિલ્ડરોએ પાણી, ફાયર સેફ્ટી અને 24 કલાક સિક્યોરીટી આપવાનું વચન આપ્યું હતું ત્યારબાદ બિલ્ડરોએ આ તમામમાંથી એકપણ સુવિધા ન આપતા વારંવાર ફ્લેટધારકોએ રજૂઆત કરતા બિલ્ડરો એવું કહેતા કે, બિલ્ડિંગનું કમ્પ્લીશન સર્ટીફિકેટ આવી જાય એટલે કરી આપીશ. જ્યારે વર્ષ 2021માં કમ્પ્લીશન મળી ગયા બાદ પણ બિલ્ડરોએ ઠાગાઠૈયા કરતા ફ્લેટ ધારકો માટે મહામુસીબત સર્જાઈ છે. 65 લાખ રૂપિયા આપ્યા બાદ પણ પૂરતી સુવિધા મળી નથી જેથી ફ્લેટ ધારકો આ મુદ્દે મહાનગરપાલિકામાં રજૂઆત કરી બિલ્ડરોની પોલ છત્તી કરશે.
ગેરકાયદે નવમો માળ બનાવી ત્યાં ગેમ ઝોન ઉભું કર્યું પરંતુ તેમાં પણ ઠર્યા નહીં, જિમના સાધનો પણ જૂના
બિલ્ડર ચિરાગ પટેલે બ્રોશરમાં બતાવેલો ટેરેસ પ્લાન
…અને મનપામાં દર્શાવેલો પ્લાન કંઈક આવો
ખાસ ખબરની ટીમે પણ શારદા સાનિધ્ય-2 એપાર્ટમેન્ટનું રિયાલિટી ચેકિંગ કર્યું હતું. જેમાં કેટલીક ખામીઓ બહાર આવી હતી. ફાયરના સાધનો હતા પરંતુ ચાલતા ન હતા ફાયરની બોટલમાં ગેસ ન હતો. ફાયર અલાર્મ પણ બંધ હતો અને ફાયરના નિયમોનો ઉલાળિયો કરતા ગઈકાલે મનપાના ફાયર વિભાગે વધુ એક નોટિસ પણ પાઠવી હતી. જેમાં ફાયર એક્ઝિંગ્યુશરને રીફીલ કરાવી લેવા અને ફાયરની સિસ્ટમની એનઓસી લેવા માટે જણાવ્યું છે. ફાયર એનઓસી જ્યારે વર્ષ 2019માં જ ફાયર એનઓસી એક વર્ષ માટે મળ્યું હતું. ત્યારબાદ મળ્યું નથી. બાદમાં એક વર્ષ બાદ મનપાએ રિન્યુઅલ માટે નોટિસ પાઠવી હતી. પરંતુ બિલ્ડરોએ હજુ સુધી તે રિન્યુઅલ કરાવી નથી. આમ ફ્લેટધારકો પર છેલ્લા 2 વર્ષથી જીવના જોખમે રહે છે. જ્યારે ફ્લેટની મુલાકાત લેતા માલૂમ પડ્યું કે, બિલ્ડરોએ બાંધકામ સાવ નબળુ કર્યું છે. બારીઓ માટે લગાવવામાં આવેલી એલ્યુમિનિયમની સેક્શન નબળી હલકી ગુણવત્તાની મુકતા તેમાં પણ તિરાડો પડી ગઈ છે. જ્યારે ગ્રાઉન્ડ ફ્લોરમાં જવા માટે સીડી મુકવામાં આવી નથી.
બિલ્ડર ચિરાગ પટેલે 3.34 લાખ રૂપિયા મેઈન્ટેનન્સના ખાતામાંથી ઉપાડી લીધાં!
શારદા સાનિધ્ય-2ના ફ્લેટધારકોએ બિલ્ડર જીતેન્દ્ર પટેલ તથા ચિરાગ પટેલ પર એવા આક્ષેપ કર્યા છે કે, હજુ સુધી બિલ્ડરોએ એસોસિએશન નથી બનાવ્યું. ફ્લેટ ધારકો પાસેથી રૂપિયા 3-3 લાખ મેઈન્ટેનન્સ પેટે ઉઘરાવી લીધા છે જેનું વ્યાજ હજુ સુધી તે વાપરી રહ્યા છે. બિલ્ડરોએ બાંધકામના સર્ટિફિકેટ પહેલાનો જે ખર્ચ થયો તેના 3, 34,227 રોકડા સોસાયટીના ફંડમાંથી ઉપાડી લીધા. જ્યારે બાંધકામનું કમ્પ્લીશન સર્ટીફિકેટ 5-1-2021ના રોજ આવ્યું છે એટલે 1-3-2020થી લઈને 5-1-2021 સુધીનો તમામ ખર્ચ બિલ્ડરોએ સોસાયટીના મેઈન્ટેનન્સ ગણ્યો અને જ્યારે નિયમ મુજબ કમ્પ્લીશન મળ્યા બાદ જ સોસાયટીનું ફંડ વાપરી શકાય. પરંતુ બિલ્ડરોએ અહીં પણ પોતાની શકુની ચાલ વાપરી.
હલકી ગુણવત્તાની કારપેટ પાથરીને જિમ ઊભું કર્યું
ખાસ ખબરના રિયાલિટી ચેકમાં એ પણ સામે આવ્યું કે, મહાનગરપાલિકામાં મુકાયેલા પ્લાન મુજબ કાયદેસર આઠ માળ જ બતાવ્યા છે જ્યારે ત્યાં નવમો માળ ઉભો કરી ત્યાં જિમ બનાવી નાખ્યું અને તેમાં પણ દગો. જિમમાં જૂના સાધનો લાવી મુક્યા અને થિયેટર આપવાની વાત કરી હતી તો માત્ર પ્રોજેક્ટર મુકી દીધો અને ખુરશીઓ મુકી નહીં અને સાવ હલકી ગુણવત્તાનું કારપેટ પાથરી દીધું. નવમો માળ ગેરકાયદે ઉભો કરી ત્યાં એક રૂમમાં જિમ, થિયેટર, ગેમ ઝોન ઉભું કરી દીધું. જ્યારે આ રૂમનું પીઓપીનું કામ પણ સાવ નબળું કરવામાં આવ્યું.
ફ્લેટમાં રહેતી મહિલાઓનો બળાપો: 65 લાખ આપ્યા છતાં સુવિધાનાં નામે મીંડું
શારદા સાનિધ્ય-2માં રહેતી મહિલાઓ સાથે વાત કરતા તેમણે બિલ્ડરો પર બળાપો કાઢ્યો હતો કે, આ ફ્લેટના 65 લાખ રૂપિયા આપ્યા છતા પણ સુવિધાના નામે મીંડુ છે રસોડાની ટાઈલ્સ પણ સાવ નબળી ફીટ કરી છે. તેના કલરમાં પણ બદલાવ આવી ગયો છે હલકી ગુણવત્તાની લાદી હોવાથી તેમાં ખાડા પડતા જાય છે ગટર ઉભરાવવાની સમસ્યા પણ સતાવી રહી છે. જ્યાં ટીવી સ્ટેન્ડ છે ત્યાં વરસાદ આવતા પોપડા ઉખડી રહ્યા છે ઉંધી થઈ જવાનો પણ ભય સતાવી રહ્યો છે.
બિલ્ડરનાં અન્ય પ્રોજેક્ટમાં ફ્લેટ કે ઑફિસ લેતાં પહેલાં શારદા સાનિધ્ય-2 નાં ફ્લેટ ધારકોની અચુક મુલાકાત લેવી હિતાવહ છે
શારદા સાનિધ્ય-2નાં રિયાલિટી ચેકનો વીડિયો જોવા અહીં ક્લિક કરો…
https://www.youtube.com/watch?v=pm-Z2Cyl2Bo