સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
ભોળપણને મૂર્ખતાનું લક્ષણ ગણવામાં આવે છે અત્યારના સમયમાં! ભોળો બરાબર મૂર્ખ એવું એક સમીકરણ જનસામાન્યના મગજમાં ઠસી ગયું છે પણ આપણે એ નથી ભૂલતાં કે આપણા એક ઈશ્વરનું નામ જ ભોળો છે? ભોળાઓના નાથ – ભોલેનાથ! ભોળપણ એ અવગુણ નથી. ભોળપણ તો એ સૂચવે છે કે તમે જલદી જ કોઈનામાં ભરોસો મૂકી દો છો. માનવજાતમાં શ્રદ્ધા રાખવી, સત્યની શોધમાં જિજ્ઞાસા રાખી નીકળવું એ તો ભોળા માનવોનું લક્ષણ છે. ચાલાક તો પોતાની પૂર્વગ્રહરહિત ધારણાને જ સત્ય માની તેમાં જ પુરાયેલો રહે છે. પોતાની શરણે આવેલાને કે જે પોતાનામાં વિશ્વાસ રાખે એવા લોકોનું હિત તેની બીજી બધી વાતોને અવગણીને ઇચ્છવું એ તો મહાદેવનું લક્ષણ છે. બધાને સમાન ગણીને તેમની સાથે સમાનપણે વર્તવું અને મ્હેણાં ટોણા રૂપી હળાહળ ઝેર પી જવું એ સરળજનની ખૂબી છે. કોઈપણ વ્યક્તિ સત્યના પક્ષે હોય તો જ તેનો સાથ આપવો એ કામ ભોળા લોકો જ કરી શકે. તર્ક કરવાવાળા તર્કમાં જ અટવાયા કરીને ક્યારે કુતર્ક તરફ જતા રહે તેની તેમને ખબર નથી હોતી. જ્યારે શ્રદ્ધાળુ માણસ પોતાના સત્યમાં અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખી હિમાલય જેવા અંતરાયો પણ ઓળંગી જાય છે. બસ જે મળે એ સ્વીકારીને શ્રદ્ધા રાખવાની વૃત્તિ વડે જ સ્તો! ઘખૠ 2 મૂવીમાં આ જ ગુણ પંકજ ત્રિપાઠીના કાંતિભાઈમાં જોવા મળ્યો. જોગાનુજોગે, તેમની મદદ પણ ભોલેનાથ જ કરે પણ ધ્યાન રહે, ભોળપણ એ નપુંસકતા કે નિર્બળતાની નિશાની નથી. ઉલટાનું, સત્યના પક્ષે રહેવામાં તો સૌથી વધુ વીરતા જોઈએ. ભૂતકાળના ખરાબ અનુભવોરૂપી વિષને પીને પણ તે વિષને ભવિષ્યમાં ન ફેલાવા દઈને ભવિષ્યને સુરક્ષિત રાખવું તે નિખાલસ લોકોનું જ કામ છે. જે મહાદેવ ભોળા નંદીના ઈશ્વર છે તે મહારુદ્ર જ ભયંકર વાસુકિના પણ દેવ છે જ! સજજન માણસો એકવાર પોતાના સૌજન્ય અતિક્રમીને ક્રોધાવસ્થામાં આવે પછી તેમને રોકવા મુશ્કેલ છે. ત્યારે તો તાંડવ માટે જ તૈયાર રહેવું પડે. પોતાના અનુભવો પ્રત્યે પ્રામાણિક રહીને, નિખાલસતાથી દરેક વસ્તુને સ્વીકારીને માનવજાતની ભલાઈ પ્રત્યે શ્રદ્ધા રાખનાર દરેક ભોળો માનવી મહાદેવનો જ અંશ છે. આ શ્રાવણ મહિનાની બધાને શુભેચ્છાઓ. હર હર મહાદેવ!
- Advertisement -
– આનંદ બક્ષી