વિરાણી સ્કૂલના મેદાનને બચાવવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકજૂટ થશે: ‘વિરાણી બચાવો આંદોલન’ને વેગ
વિરાણી હાઇસ્કૂલના મેદાનનો અમુક ભાગ વેચવા કાઢતા વિવાદ: આ માત્ર આર્થિક ગુનો નહીં પરંતુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની લાગણીઓ સાથે થયેલો વિશ્ર્વાસધાત
- Advertisement -
₹150 કરોડના મેદાનની જમીન ₹51.51 કરોડમાં વેચવાના આક્ષેપ: શ્રેયાંશ વિરાણી અને ટ્રસ્ટ પ્રમુખ સામે કડક તપાસની માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રની ‘કેમ્બ્રિજ’ તરીકે ઓળખાતી અને ક્રિકેટર કરસન ઘાવરી જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડી સહિત દેશ-વિદેશમાં પ્રતિષ્ઠિત તબીબો, ઈજનેરો, વકીલો, અધ્યાપકો અને વહીવટકર્તાઓ સમાજને ભેટ આપનાર શ્રી શામજી વેલજી વિરાણી વિવિધલક્ષી શાળા આજે તેના ઇતિહાસના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહી છે. સામાન્ય વર્ગના બાળકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ આપી ઉજ્જવળ ભવિષ્ય ઘડવાના ઉમદા હેતુ સાથે સ્થપાયેલી આ ઐતિહાસિક સંસ્થાનું ભવિષ્ય આજે ધુમ્મસભર્યું બન્યું છે. રાજકોટ શહેરના મધ્યમાં આવેલી આ સંસ્થાના સોનાની લગડી સમાન વિશાળ રમત-ગમતના મેદાન પર કેટલાક સ્થાપિત હિતોની નજર પડી હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓના આ મેદાનને ગેરકાયદેસર રીતે વેચી દેવાની પેરવી કરવામાં આવી રહી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરુષોત્તમ પીપરિયાના માર્ગદર્શન હેઠળ ‘વિરાણી બચાવો આંદોલન સમિતિ’ની રચના કરી ન્યાયિક તથા સામાજિક લડતનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વિરાણી વિદ્યાધામનો પાયો વર્ષ 1946માં નખાયો હતો. સંસ્થાના આદ્યપ્રમુખ તરીકે સ્વતંત્રતા સેનાની તથા કેળવણીના ઉપાસક સ્વ. દરબારશ્રી ગોપાલદાસભાઈ દેસાઈ રહ્યા હતા. જાણીતા દાતાશ્રી દુર્લભજીભાઈ શામજીભાઈ વિરાણીએ આ વિદ્યાતીર્થના વિકાસમાં પાયાની ભૂમિકા ભજવી હતી. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના પ્રમુખપણા હેઠળ ટ્રસ્ટને હંમેશા સ્વચ્છ અને દીર્ઘદ્રષ્ટિવાળું માર્ગદર્શન મળતું રહ્યું હતું. સમયાંતરે જમિયતરામ કે. મોદી, ઉમાકાંતભાઈ પંડિત, નગિનદાસભાઈ વિરાણી, ગિરજાશંકર ખીમચંદ શેઠ, અમૃતલાલ વીરચંદ જસાણી, સ્વ. કેશવલાલ એ. પારેખ અને શ્રી દિનકરરાય પ્રાણલાલ જોષી જેવા નગરશ્રેષ્ઠિઓએ ટ્રસ્ટને અમૂલ્ય યોગદાન આપ્યું હતું. કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ વાણિજ્ય મંત્રી મનુભાઈ શાહે ગ્રાન્ટ-ઈન-એઈડ અપાવવામાં સહાય કરી હતી અને આ ગ્રાન્ટથી બનેલા ભવ્ય બિલ્ડિંગનું ઉદ્ઘાટન ભારતના તત્કાલીન નાયબ વડાપ્રધાન શ્રી ગોવિંદ વલ્લભ પંતના વરદહસ્તે થયું હતું.
શિક્ષણ ક્ષેત્રે વિરાણી હાઈસ્કૂલનું સ્થાન અજોડ છે. સૌરાષ્ટ્રની વિવિધલક્ષી માત્ર ત્રણ શાળાઓમાંથી આલ્ફ્રેડ હાઈસ્કૂલ બંધ થયા બાદ આજે વિરાણી સ્કૂલ જ અસ્તિત્વમાં છે. અહીં ધોરણ-8થી જ વિજ્ઞાન, કોમર્સ, કેમિકલ ટેકનોલોજી અને ટેકનિકલ જેવા અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે, જેના કારણે સમાજને અનેક કુશળ વૈજ્ઞાનિકો અને ટેક્નિકલ નિષ્ણાતો મળ્યા છે.
પરંતુ વર્તમાન સમયમાં ટ્રસ્ટની કુલ 41,529 ચોરસ મીટર મિલકત, જેની બજાર કિંમત અંદાજે ₹1000 કરોડથી વધુ અંકાય છે, તેને ગેરકાયદેસર રીતે ખાનગી ઠરાવવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. આમાંથી 5,733 ચોરસ મીટર જમીનને માત્ર ₹51.51 કરોડમાં વેચવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જ્યારે તેની વાસ્તવિક કિંમત ₹150 કરોડથી વધુ હોવાનું જણાવવામાં આવે છે. આ મામલે શ્રેયાંશ વિરાણી અને ટ્રસ્ટ પ્રમુખ જયંત દેસાઈ સામે કડક તપાસની માંગ ઉઠી છે. આ ઉપરાંત પબ્લિક ટ્રસ્ટને આડકતરી રીતે ‘ફેમિલી ટ્રસ્ટ’માં ફેરવી દેવાયો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. નિયમ મુજબ 10 ટ્રસ્ટીઓ હોવા જોઈએ, જ્યારે લાંબા સમયથી માત્ર 7 ટ્રસ્ટીઓ દ્વારા મનસ્વી રીતે વહીવટ ચલાવવામાં આવતો હતો, જેમાં મોટા ભાગના સભ્યો એક જ પરિવારના હોવાની વિગત સામે આવી છે. ટ્રસ્ટમાં થયેલા તાજેતરના ફેરફારોને પણ અત્યંત શંકાસ્પદ ગણાવી મની લોન્ડરિંગ સુધીની ચર્ચાઓએ જોર પકડ્યું છે અને સમગ્ર પ્રકરણમાં ઈડી (ઊઉ) દ્વારા તપાસની માંગ ઉઠી રહી છે.
કાયદાકીય રીતે જોવામાં આવે તો સંસ્થાને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કુલ 83 ટકા ગ્રાન્ટ-ઈન-એઈડ મળેલી છે. આવી ગ્રાન્ટવાળી મિલકત વેચતા કે ગીરો મૂકતા પહેલા સરકારની મંજૂરી ફરજિયાત હોવા છતાં, ચેરિટી કમિશનર અથવા સરકારની મંજૂરી વિના વેચાણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું આંદોલન સમિતિનું કહેવું છે. સમિતિ દ્વારા પુરાવા મેળવવા ‘ડિસ્કવરી ઓર્ડર’ની માંગ કરી ન્યાયિક લડત શરૂ કરવામાં આવી છે અને વેચાણ પ્રક્રિયા સ્થગિત કરાવવામાં સફળતા મળી હોવાનું જણાવાયું છે.
ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પુરુષોત્તમ પીપરિયાએ જણાવ્યું કે, વિરાણી હાઈસ્કૂલ રાજકોટની શૈક્ષણિક ઓળખ છે અને તેને બિલ્ડરો કે જમીનદારોના હવાલે કરી શકાય નહીં. ₹1000 કરોડની જમીનને ₹51 કરોડમાં વેચવાનો પ્રયાસ સુનિયોજિત કૌભાંડ છે, જે માત્ર આર્થિક ગુનો નહીં પરંતુ હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની લાગણીઓ સાથે થયેલો દ્રોહ છે. વર્ષ 2019થી ચાલી રહેલી ‘મેદાન બચાવો’ લડતને વધુ મજબૂત બનાવવા દેશ-વિદેશમાં વસતા વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મહાસંમેલન આગામી તા. 27-12-2025, શનિવારે સાંજે 4:45 વાગ્યે ‘રાષ્ટ્રીય શાળા’ના મધ્યસ્થ ખંડ ખાતે યોજાશે. આ સંમેલનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપરાંત રાજકોટની જાગૃત જનતાને પણ પ્રશ્ર્નો પૂછવાની ખુલ્લી છૂટ આપવામાં આવી છે.



