પ્રશ્ર્ન 1: અમે એક નવો બંગલો બનાવી રહ્યા છીએ, તો વાસ્તુ પ્રમાણે સીડી એટલે કે સ્ટેરકેસ કઈ જગ્યાએ ગોઠવવી જોઈએ?
ઉત્તર: વાસ્તુ શાસ્ત્રમાં સીડી એટલે કે સ્ટેરકેસ કઈ જગ્યાએ રાખવી જોઈએ તે વિશે સ્પષ્ટ માહિતીઓ આપવામાં આવેલ છે. આ ઉપરાંત તમે ક્યા મટિરિયલના ઉપયોગથી સીડી બનાવો છો એટલે કે સીડી કેટલી વજનદાર છે? તેનું પણ ધ્યાન રાખવાનું રહેશે.
વાસ્તુ પ્રમાણે સીડી આપ દક્ષિણ દિશા કે પશ્ર્ચિમ દિશા તરફ બનાવી શકો છો. સામાન્ય રીતે સીડી પૂર્વ દિશામાંથી શરૂ કરી અને પશ્ર્ચિમ તરફ જવી જોઈએ. જો તે શક્ય ન હોય તો ઉત્તર દિશાથી શરૂ કરી અને દક્ષિણ દિશા તરફ સીડી જતી હોય તે રીતે ગોઠવણી કરવી જોઈએ.
એક વાતનો ખાસ ખ્યાલ રાખો કે આપના ઘરની સીડી ક્લોકવાઈસ ઉપર ચડતી હોવી જોઈએ. આપણે ત્યાં બંગલાઓની અંદર મોટાભાગની સીડી રેતી સિમેન્ટ કોન્ક્રીટની બનેલી હોય છે. જેનું વજન ખાસ્સું હોય છે અને આપણે જાણીએ છીએ તેમ આપણે પૂર્વ દિશા, ઉત્તર દિશા, ઈશાન ખૂણામાં કે બ્રહ્મસ્થાનમાં ભારે વજનની ગોઠવણી કરવાની નથી, તેથી તે વાતનો ખાસ ખ્યાલ રાખીએ કે આ દિશામાં આપની સીડી આવવી જોઈએ નહીં.
અલગ-અલગ જગ્યાએ રહેલી સીડીના લાભાલાભ વિશે આવનારા કોઈ એક અંકમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું.
પ્રશ્ર્ન 2: અમો એક બંગલામાં છેલ્લાં 30 વર્ષથી રહેતાં હતાં. હવે અમે તે જ જગ્યાએ જૂનો બંગલો પાડીને નવો બંગલો બનાવેલ છે તો શું ફરીથી વાસ્તુહવન કરાવવો જોઈએ?
ઉત્તર: વાસ્તુ સંદર્ભમાં આ પ્રશ્ર્ન પણ વારંવાર પૂછવામાં આવતાં પ્રશ્ર્નોમાંનો એક છે. વૈદિક પરંપરાની અંદર તો ઘરની અંદર રોજ હવન કરવાની વાત કરવામાં આવેલી છે અને આજે પણ ઘણાં લોકો નિયમિત રીતે રોજ પોતાના ઈષ્ટદેવનો હોમ કરતાં હોય છે. શાસ્ત્રોની અંદર અગ્નિને ખૂબ જ પવિત્ર ગણવામાં આવેલ છે તથા બધી જ અશુદ્ધિ કે અવરોધોને દૂર કરવામાં તે ખૂબ જ સહાયરૂપ છે.
જ્યારે આપ નવું ઘર બનાવો છો પછી ભલેને આપ આપની જૂની જગ્યા પર બનાવતા હો, પરંતુ તે બંગલાની અંદર રહેવા જતાં પહેલાં વાસ્તુહોમ અવશ્ય કરાવવો જોઈએ.
- Advertisement -
પ્રશ્ર્ન 3: અમારે ઘરની પાસે સવનનું વૃક્ષ વાવવું છે તો વાસ્તુ પ્રમાણે તે યોગ્ય રહેશે?
ઉત્તર: ભારતીય જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુમાં જનજીવનની સુખાકારી માટે અલગ-અલગ વૃક્ષોની ઉપાસના કરવાનો ઉલ્લેખ છે. જે તેને માનસિક અને શારીરિક રીતે સુખ-શાંતિ પ્રદાન કરે છે.
આગળ આપણે નક્ષત્ર મુજબ ક્યુ વૃક્ષ આપના માટે યોગ્ય છે તેનો વિસ્તૃત લેખ લખેલ છે. આ ઉપરાંત દરેક ગ્રહના વૃક્ષો અને રાશિ પ્રમાણે પણ ક્યા વૃક્ષો વાવવા? તે અંગે શાસ્ત્રોમાં જાણકારી આપવામાં આવેલી છે.
સવન એટલે કે શ્રીપર્ણીનો ઉલ્લેખ અને મહિમા પણ આપણે ત્યાં ખૂબ જ છે.
સવનના વૃક્ષમાં સાક્ષાત્ લક્ષ્મીજીનો વાસ હોવાની માન્યતા આપણા ધર્મમાં છે તથા જે ઘરમાં સવનનું વૃક્ષ હોય ત્યાં હંમેશાં આર્થિક ઉન્નતિ થતી રહે છે. આપણે ત્યાં ઘરની અંદર પણ ભગવાનના મંદિર સવનના કાષ્ઠમાંથી જ બનાવવામાં આવતાં હોય છે.
એવા ઘણાં વૃક્ષો છે જે મોટા થતાં ખૂબ જ ફેલાતા હોય છે અને તેના માટે વિશાળ જગ્યા હોવી ખૂબ જરૂરી બને છે અને ફળિયામાં કે બગીચાની અંદર જગ્યા ઓછી હોય તો આ વૃક્ષો વાવી શકાતા નથી.
સવનનું વૃક્ષ પણ પ્રમાણમાં સારી ઊંચાઈવાળું છે તથા તેની ડાળીઓ ફેલાતી હોય છે. સવનનું વૃક્ષ આપ ચોક્કસપણે વાવી શકો, જો આપની પાસે પૂરતા પ્રમાણમાં જગ્યા હોય અન્યથા ફાર્મ હાઉસમાં ખુલ્લી જગ્યામાં આ વૃક્ષ વાવવું જોઈએ.
પ્રશ્ર્ન 4: ઘરની અંદર રહેતી સતત બીમારી માટે શું વાસ્તુ જવાબદાર હોઈ શકે?
ઉત્તર: આ પ્રશ્ર્નના જવાબ માટે આપણે ઘણી વિસ્તારથી ચર્ચા કરવી પડે, પરંતુ જો મુખ્ય બાબતો વિશે વિચારીએ તો નબળું ભાગ્યબળ તમોને નકારાત્મક ઊર્જાવાળી જગ્યાથી આકર્ષણ કરાવશે.
ઋતુ આધારિત કે અન્ય સામાન્ય બીમારીઓ જે વર્ષ દરમિયાન લગભગ બધા લોકોને થતી હોય છે તેની વાત આપણે અહીંયા નથી કરી રહ્યા પરંતુ યોગ્ય ડોકટર અને યોગ્ય સારવાર બાદ પણ જો બીમારી ઠીક નથી થઈ રહી તો ચોક્કસપણે જે જગ્યાએ રહો છો તેનો થોડો ઘણો પ્રભાવ તો હોય જ શકે. આપણે અગાઉના અંકોમાં પણ ચર્ચા કરી તેમ જો ઘરની અંદર ઈશાન ખૂણામાં ટોયલેટ કે ઈશાન ખૂણામાં ઓવરહેડ વોટર ટેન્ક કે પછી ઈશાન ખૂણામાં રહેલ રસોડું તમારી રોગ પ્રતિકારક શક્તિને પ્રભાવિત કરી શકે છે અને વારંવાર બીમારીના પ્રશ્ર્નો આવ્યા કરે છે. આ સિવાય અન્ય ખૂણામાં રહેલ દોષ પણ જવાબદાર હોઈ શકે છે.
જેના નિવારણ માટે સૌ પ્રથમ આપના નજીકના કોઈ વાસ્તુ સલાહકારની મદદ લઈ આપના ઘરને ચેક કરાવવું સલાહ ભરેલું રહેશે અને તેની અંદર જો કોઈ મોટા દોષ ન હોય તો જમીનની નીચેથી આવતી ઊર્જા એટલે કે અન્ય કોઈ ભૂમિદોષ છે કે નહીં તે ચકાસવું રહ્યું.
પ્રશ્ર્ન 5: કંપાસ (હોકાયંત્ર)થી દિશા ચેક કરતી વખતે કોઈ ખાસ કાળજી રાખવી જરૂરી છે?
ઉત્તર: બહુ સરસ પ્રશ્ર્ન છે. મોટાભાગના લોકો કંપાસ એટલે કે દિશા સૂચક યંત્રનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે અજાણ હોય છે.
- Advertisement -
હંમેશાં સારી ક્વોલિટીના સ્ટાન્ડર્ડ કંપાસ વાપરવા જોઈએ જેથી દિશા શોધવામાં કોઈ ભૂલ ના થાય. આજકાલ એક્યુરેટ ડિગ્રી બતાવતાં કંપાસ પણ બજારમાં ઉપલબ્ધ છે.
દિશા ચેક કરતી વખતે આજુબાજુમાં કોઈ મેગ્નેટિક વસ્તુઓ હશે તો આપે ચેક કરેલી દિશામાં ભૂલ હોવાની ઘણી સંભાવના રહે છે.
ઘણાં કિસ્સાઓમાં લોકો જ્યારે નવું ઘર પસંદ કરવા જતાં હોય ત્યારે કંપાસની સોય આજુબાજુમાં રહેલા મેગ્નેટિક ફિલ્ડ કે ઓબ્જેક્ટને લઈને ઘરના અલગ-અલગ ખૂણામાં અલગ-અલગ દિશા દર્શાવતી હોય છે જેના પરિણામે સાચી દિશાને લઈને લોકો અવઢવ અનુભવતાં હોય છે માટે બાલ્કનીમાં, ફળિયામાં કે પછી ખુલ્લી જગ્યામાં જઈને કંપાસના માધ્યમથી દિશા નિર્ધારણ કરવું જોઈએ.
રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.