કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે સૌરાષ્ટ્ર યુનિ.માં ‘સિંદૂરોત્સવ’નો પ્રારંભ
આ ત્રિદીવસીય યુવક મહોત્સવમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગમાં 33 સ્પર્ધા યોજાશે
- Advertisement -
યુનિવર્સિટી સંલગ્ન કુલ 88 કોલેજોના 1854 સ્પર્ધકો પોતાની કલા રજૂ કરશે
99 જેટલાં તજજ્ઞો નિર્ણાયકો તરીકે સેવા આપશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 53માં યુવક મહોત્સવ “સિંદૂરોત્સવ” પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદહસ્તે દીપ પ્રાગટય કરી, લોકસભાના સાંસદ પરષોતમભાઈ રુપાલા તથા કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં રંગારંગ ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. સાંસદ પરષોતમભાઈ રુપાલા સાહેબે ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, યુવક મહોત્સવનું આયોજન એ યુવાનોમાં રહેલી શકિતઓને બહાર લાવવાનું પ્લેટફોર્મ છે.
સૌરાષ્ટ્રના લોકનૃત્ય, બોલીઓ, સાહિત્યકારો, બાંધણી, રીવાજો, પધ્ધતિઓ જાણીતી છે. આપણી ભાતીગળ પરંપરા અને સંસ્કૃતિને જાળવવાનું કામ આજના યુવાનો આવા યુવક મહોત્સવમાં ભાગ લઈ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મારી શુભેચ્છાઓ પાઠવું છું.
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ 53મો યુવક મહોત્સવ છે. યુવક મહોત્સવ એ યુવાનોમાં રહેલી કલાને ઓળખવાનો મંચ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ યુવાનોને યુવક મહોત્સવ થકી પ્લેટફોર્મ પુરું પાડ્યું છે જે સરાહનીય છે. આજના યુવાનોમાં અપાર શક્તિઓ રહેલી છે.
આ ત્રિદીવસીય યુવક મહોત્સવમાં 1854 જેટલાં વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લઈ પોતાની કલા રજૂ કરવાના છે. કુલપતિએ આ યુવક મહોત્સવમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ત્રિદીવસીય યુવક મહોત્સવમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગમાં કુલ 33 સ્પર્ધાઓ યોજાશે. જેમાં સંલગ્ન 88 કોલેજોના 1854 સ્પર્ધકો પોતાની કલા રજૂ કરશે અને કુલ 99 જેટલાં તજજ્ઞો નિર્ણાયકો તરીકે સેવા આપશે.
યુવક મહોત્સવમાં વકૃત્વ સ્પર્ધાનો વિષય “ભારતનું આત્મનિર્ભરતા તરફનું પ્રયાણ” તથા ડિબેટ સ્પર્ધાનો વિષય “ઓપરેશન સિંદુરમાં મેઈડ ઈન ઈન્ડિયા શસ્ત્રોની તાકાત જોઈએ દુનિયાને આત્મનિર્ભર ભારતનો પરિચય” રાખવામાં આવેલ છે.
આ કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રાધ્યાપક ડો. ભરતભાઈ ખેરે કર્યું હતું, સ્ટેજ વ્યવસ્થા પ્રોફે. ડો. જે.એમ. ચંદ્રવાડીયાએ સંભાળી હતી અને આભારવિધિ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશભાઈ રાબાએ કરેલ હતી.