નાની ઉંમરે મોટી નામના મેળવનાર ‘જિહાન હિરેન રાઠોડ’ને તેના પરિવારનો પૂરતો સહયોગ મળ્યો
આવનારા દિવસોમાં જિહાનની એક શોર્ટ ફિલ્મ આવશે જે લોકોને ખૂબ જ પસંદ પડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પરિવારનું મહત્ત્વ સમજાવતી તેમજ પ્રેમ, ઝઘડો અને સમજણથી ભરેલી ગુજરાતની હાઈબજેટ ગુજરાતી મૂવીમાં આગામી તા. 18 જૂલાઈ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે માત્ર રાજકોટનું જ નહીં પરંતુ સૌરાષ્ટ્રનું ગૌરવ એવા અને સોશિયલ મીડિયામાં નાની ઉંમરે પોતાનો સિક્કો જમાવનાર રંગીલા રાજકોટનો જિહાન હિરેન રાઠોડ આ ગુજરાતી મૂવીમાં એક મસ્તીખોર અને નટખટ ભાણીયાના પાત્રમાં જોવા મળશે, જે રાજકોટ માટે ગૌરવની વાત છે. ‘ખાસ-ખબર’ની વાતચીત દરમિયાન સૌરાષ્ટ્રના બેસ્ટ ઈન્ફ્લુએન્સર એવોર્ડ મેળવનાર જિહાન હિરેન રાઠોડે જણાવ્યું હતું કે મૂવીમાં તોફાની અને નટખટ ભાણીયાનો રોલ ભજવવો એ મારા માટે ખૂબ ગર્વ લેવા જેવી બાબત છે. શુટીંગ દરમિયાન પણ ઘણા સારા અનુભવો જિહાનને થયા હતા. આ ઉપરાંત આ ગુજરાતી મૂવીનું શુટીંગ માધવપુર, અમદાવાદ અને વૃંદાવનમાં થયું હતું. શુટીંગ દરમિયાન તેના અનુભવો વર્ણવતાં જિહાને કહ્યું કે આ ફિલ્મના ડાયરેકટર ચંદ્રેશ ભટ્ટ કે જે ડાયરેકટર તરીકે નહીં પરંતુ બેસ્ટ ફ્રેન્ડની જેમ વર્તન કરતાં. આ ઉપરાંત એકટર હિતેન તેજવાણી અને સુનીલ વસાણી સાથે કામ કરવાની ખૂબ જ મજા પડી, સારો અનુભવ રહ્યો અને ઘણું પરિવાર વિશે શીખવા પણ મળ્યું. જો કે જિહાનની વાત કરવામાં આવે તો જિહાન માત્ર 10 વર્ષનો હતો ત્યારથી કોમેડી વીડિયો બનાવતો અને લોકોને હસાવતો હતો જેના કારણે આજે પણ જિહાન રાજકોટ જ નહીં પણ સૌરાષ્ટ્રવાસીઓનો ફેવરિટ બન્યો છે અને તેમના દિલ સુધી પહોંચ્યો છે. જિહાનને મમ્મી, પપ્પા અને ફૈબા સહિત તેના પરિવારનો ખૂબ સહયોગ મળ્યો છે. તેના પરિવારના સહયોગ થકી અત્યારે આ સ્ટેજ પર જિહાન છે અને તેનો પૂરો શ્રેય જિહાન તેના પરિવારજનો અને તેની ટીમને આપે છે. ‘બધા ભલે ફેમસ થાય પરંતુ આપણે ફેવરિટ થવું છે’ તેવી જિહાનની ટેગ લાઈન છે. જિહાને વધુમાં જણાવ્યું હતું કે તે હવે એક દીકરી અને પિતાને લગતાં મોટિવેશનલ વીડિયો બનાવશે. સાથે જ જિહાન પોતાની જ લાઈફની સ્ટોરી અને ‘બાપ’ના નામ પરથી એક આગામી દિવસોમાં શોર્ટ ફિલ્મ બનાવશે તેવું જિહાનનું સ્વપ્ન છે. હાલ જિહાને ઘણી એડ કરી છે. આ ઉપરાંત રાજકોટના આસિસ્ટન્ટ કલેકટર મહેક જૈને એક પર્સનલી એમના સોશિયલ મીડિયા પ્રોજેક્ટમાં જિહાન હિરેન રાઠોડનું નામ નોંધાવ્યું છે. આવનારા દિવસોમાં જિહાનનું એક મૂવી આવશે જે લોકોના દિલ જીતી લેશે તેવું અંતમાં જણાવ્યું હતું.
જિહાન માત્ર એક્ટિંગ જ નહીં, પરંતુ ભણવામાં પણ અવ્વલ નંબરે છે
ઈન્સ્ટાગ્રામ, યૂ-ટયુબમાં જેના અનેક ફોલોવર્સ છે તે જિહાન કે. જી. ધોળકીયા સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. જિહાનનું કહેવું છે કે તે માત્ર સોશિયલ મીડિયામાં જ ધ્યાન નથી આપતો, પરંતુ અભ્યાસ કરવામાં પણ એટલા અંશે ધ્યાન આપે છે. વીકમાં એક વાર વીડિયો બનાવી અને બાકીના બીજા દિવસોમાં જિહાન પોતાના અભ્યાસમાં પૂરતુ ધ્યાન આપે છે અને અન્ય બાળકોને પણ જિહાન સંદેશો આપવા માગે છે કે પહેલા પોતાના અભ્યાસ અને કરિયરમાં ધ્યાન આપવું જરૂરી છે. આમ જિહાન માત્ર એક્ટિંગ જ નહીં, ભણવામાં પણ અવ્વલ નંબરે છે.