રાજકોટમાં અત્યાર સુધીમાં સિઝનનો 20 ઈંચ વરસાદ પડી ગયો
ખાસ-ખબર સંવાદદાતા
હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હજુ ત્રણ દિવસ વરસાદ હળવો આવશે, પરંતુ પવન ભારે ફૂંકાશે. આજે પણ રાજકોટમાં હળવો વરસાદ રહેશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અત્યાર સુધી રાજકોટમાં 20 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. રાજકોટમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જ્યારે મહત્તમ પારો 33.6 ડિગ્રી નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 34 ડિગ્રીની ઉપર હતું. સૌરાષ્ટ્રમાં લઘુતમ તાપમાન 26થી 28 ડિગ્રી સુધી રહ્યું હતું.
- Advertisement -
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર જૂન કરતા જુલાઈમાં વરસાદ વધુ પડશે તેની સાથે મહત્તમ તાપમાન પણ ઊંચું જ રહેશે. ત્રણ દિવસ સુધી રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ, વેરાવળ, પોરબંદર, ભાવનગર, દ્વારકા, બોટાદ, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.
જોકે અત્યારે ધૂપછાંવભર્યુ વાતાવરણ છે. જેને કારણે થોડી વાર તડકો અને થોડી વાર માટે છાંયો રહે છે. તેમજ વરસાદી માહોલ રહેતા આમ મિશ્ર ઋતુને કારણે શરદી-ઉધરસ, તાવના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ખાનગી અને સરકારી દવાખાનામાં દર્દીઓની સંખ્યા વધારે જોવા મળે છે. હાલ વરસાદી સિઝનને કારણે ખેડૂતો વાવણી તરફ વળ્યા છે અને અત્યાર સુધી પાક-પાણીનું ચિત્ર ઉજ્જવળ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.