લાખોના ખર્ચે નવનિર્મિત ભવનના લોકાર્પણ છતાં જૂના ભવનનો જ કેમ ઉપયોગ?
કુલપતિ ડો. ભીમાણી પોતાની અદ્યતન ચેમ્બર છોડીને છાત્રોની પરેશાની પણ હલ કરે: ત્રણ-ત્રણ વર્ષથી સમસ્યા છતાંય સત્તાધીશો નિંદ્રાધીન
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાખોના ખર્ચે બનાવવામાં આવેલા નેનો-સાયન્સ ભવનમાં ભ્રષ્ટાચારના પોપડાં ખરવા લાગતા ભીમાણીરાજની કામગીરી સામે વધુ એકવાર સવાલ ઉઠ્યા છે. નેનો-સાયન્સ ભવનમાં બાંધકામ, વાયરીંગ, પીઓપી સહિત તમામ કામગીરીમાં લોટ-પાણી ને લાકડાંની ફરિયાદો અવારનવાર ઉઠતી રહે છે. આ બાબતે અવારનવાર યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆતો કરવા છતાંય કોઈ જ નક્કર કામગીરી કરવામાં ન આવતાં છતમાંથી પોપડાં ખરવાનું અને નબળા વાયરીંગના કારણે શોર્ટ-સર્કિટનો ભય ઉભો થયો છે. છત ઉપરની નબળી પી.ઓ.પી.ના કારણે પંખા જેવા ઉપકરણો લટકી પડ્યા છે. ભારે ભેજના કારણે નેનો-સાયન્સના લાખોની કિંમતના સાધનો બગડી જવાની પણ સંભાવના છે. આમ છતાંય યુનિવર્સિટીના જવાબદારો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની ફરિયાદો પણ ઉઠી છે. નેનો-સાયન્સ ભવનમાં 100થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. બહુ જ મોટી કિંમતના સાધનો જે લેબોરેટરીમાં રાખવામાં આવ્યા છે ત્યાં પણ વરસાદનો ભેજ અને પાણી પડે છે પરિણામે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને લેબોરેટરીનો ઉપયોગ કરી શકાતો નથી. આવું જ કોમ્પ્યુટર રૂમનું છે.
યુનિવર્સિટીના જવાબદારોની બેદરકારીના કારણે આ સુવિધાનો પણ ઉપયોગ થઈ શકતો ન હોવાનો સૂર પણ ઉઠ્યો છે. નવાઈની વાત એ છે કે નેનો સાયન્સ ભવનનું નવું બિલ્ડિંગ લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. ગત વી.સી.-પી.વી.સી.ના સમયે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને ના.મંત્રી ડીંડોરના હસ્તે લોકાર્પણ પણ કરી નાખવામાં આવ્યું છે. આમ છતાંય ટેકનિકલ કારણોસર આ નવનિર્મિત બિલ્ડિંગમાં નેનો-સાયન્સનું સ્થળાંતર કરવામાં ન આવતાં વિદ્યાર્થીઓની કારકિર્દી ઉપર પણ અસર પડી રહી છે ત્યારે કુલપતિ ડો. ભીમાણી માત્ર પોતાની ચેમ્બરની ચિંતા છોડીને આ બાબતે યોગ્ય કરે તે જરૂરી છે.
- Advertisement -
ભવનોની પાયાની સમસ્યાઓ ઉકેલવામાં કુલપતિ ભીમાણી ફેઈલ
નાના કર્મચારીઓ અને અધિકારીઓને દબાવવામાં માહિર કુલપતિ ડો. ભીમાણી ભવનોની પાયાની સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ ગયા છે. મોટા-ભાગના ભવનોમાં ભારે ભેજ જોવા મળે છે. અમુક ભવનોમાં પાણી ટપકે છે. ભેજવાળી દિવાલોના કારણે વિદ્યાર્થીઓ ઉપર શોર્ટ-સર્કિટનો ભય ઝળુંબતો રહે છે ત્યારે કુલપતિ માત્ર રાજકારણમાં કે કોને પાડી દેવા તે બાબતમાં રચ્યા-પચ્યા રહેવા કરતાં આવી બાબતોમાં પણ ધ્યાન આપે તે જરૂરી છે.
કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીનાં ત્રાસ અને શોષણનો ભોગ બનેલાઓ તથા સૌરાષ્ટ્ર યુનિ.નાં કથળેલાં વહીવટથી પીડિતો ‘ખાસ-ખબર’નો 76982 11111 પર સંપર્ક કરે