GCAS પોર્ટલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવાડાઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આબરૂ ધૂળધાણી કરી: રોહિતસિંહ રાજપૂત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકારના કોમન પ્રવેશ પોર્ટલમાં ગોટાળા કરવામાં કંઈ બાકી રાખ્યું નથી, પહેલાં જોડાણ રદ કરેલી નેશનલ કોલેજ ફોર ઇન્ટિરિયર ડિઝાઈનનું નામ ખોટી રીતે પોર્ટલમાં અપલોડ કરાયું હોવાનો આક્ષેપ રોહિતસિંહ રાજપૂતે કર્યો છે. વધુમાં તેમણે કહ્યું કે બી.એડ.ના કોલેજોમાં વિષયો મૂકવામાં આવ્યા નહીં પરિણામે વિદ્યાર્થીઓ કઈ કોલેજમાં ક્યા વિષય ચાલે છે તે જાણી શકતા ન હતા. ત્રીજા ભવાડામાં એલએલએમ કોલેજોના જોડાણ માટે રાજ્ય સરકારનું માર્ગદર્શન માગ્યુ હોવા છતાં પોર્ટલમાં વિગતો અપલોડ કરી, ચોથા ભવાડામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પીએચ.ડી.ના વિષયોની અને જગ્યાની માહિતી પોર્ટલ પર મૂકવામાં આવી ન હતી. ગુજરાતની સૌરાષ્ટ્ર સિવાયની બધી યુનિવર્સિટીઓએ આ વિગત પોર્ટલ પર મૂકી છે.
- Advertisement -
હવે પાંચમા ભવાડામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગયા વર્ષે શરૂ થયેલા માસ્ટર ઈન પબ્લિક હેલ્થની કોલેજોની અને અભ્યાસ ક્રમની વિગતો પોર્ટલ પર અપલોડ કરી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો કુલપતિ નીલાંબરી દવે અને કુલસચિવ રમેશ પરમાર ભવાડા-પતિ અને ભવાડા-સચિવ સાબિત થયા છે. શિક્ષણમંત્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા નિષ્ફળતાપૂર્વક ચાલતા તંત્રને જોઈ રહ્યા છે. સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણની વાતો કરે છે અને ગુણવત્તા વગરના લોકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચલાવી રહ્યા છે. આ સરકારે ભવાડા-પતિ અને ભવાડા-સચિવ એવા નીલાંબરી દવે અને રમેશ પરમાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ તેવું અંતમાં રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.