ફીટલ મેડિસિન અને પેઇન ફિઝિશિયન ક્ષેત્રે યશસ્વી કારકિર્દી ધરાવતા બંને બહેનોનું મેડિકલ અને સામાજિક ક્ષેત્રે પ્રદાન બદલ સન્માન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા તાજેતરમાં જ મેડિકલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપી રહેલા ડો. કુંતલબા જાડેજા અને ડો. ચેતનાબા જાડેજાનો સન્માન સમારોહ યોજાયો હતો. આ બંને બહેનો મેડિકલ સાયન્સમાં યશસ્વી કારકિર્દીની સાથે સાથે સમાજલક્ષી સેવાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહ્યાં છે.
- Advertisement -
ડો. કુંતલબા જાડેજા (ફીટલ મેડિસિન એક્સપર્ટ): તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પી. ડી. યુ. મેડિકલ કોલેજમાંથી સ્નાતક અને સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી મેળવી છે. ત્યારબાદ તેમણે લંડન જઈને ફીટલ મેડિસિનમાં ફેલોશિપ પૂર્ણ કરી. તેઓ છેલ્લા 16 વર્ષથી રાજકોટમાં ફીટલ મેડિસિન એક્સપર્ટ તરીકે સારી એવી નામના અને લોકચાહના ધરાવે છે.
ડો. ચેતનાબા જાડેજા (પેઇન ફિઝિશિયન): તેમણે વડોદરા મેડિકલ કોલેજમાંથી સ્નાતક અને ગુજરાતની ખ્યાતનામ બી. જે. મેડિકલ કોલેજમાંથી અનુસ્નાતકની પદવી મેળવી છે. તેઓ સૌરાષ્ટ્રના સિનિયર પેઇન ફિઝિશિયન છે અને છેલ્લા 25 વર્ષથી મેડિકલ ફિલ્ડમાં કાર્યરત છે.
બંને બહેનો તેમની નારાયણી હોસ્પિટલમાં પોતાની સેવાઓ આપી રહ્યાં છે, જેણે તાજેતરમાં જ સફળતાપૂર્વક આઠ વર્ષ પૂર્ણ કરીને નવમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે મેડિકલ ક્ષેત્રે આગવું કામ કરી રહેલ આ બંને ડોક્ટર બહેનો સામાજિક-સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે પણ પ્રેરણાદાયી કામ કરી રહ્યાં છે તે નોંધનીય બાબત છે. સન્માન સમારોહમાં સોસાયટીના પ્રમુખ પ્રોફે. જયદીપસિંહ ડોડિયા, ઉપપ્રમુખ સજી મેથ્યુ, સહમંત્રી અજયસિંહ પરમાર, કારોબારી સદસ્યો ડી. પી. ત્રિવેદી, શૈલેષભાઈ પટેલ, જીતેશકુમાર એમ. પંડિત, ડો. સેજલબેન ભટ્ટ, ડો. દર્શન ભટ્ટ સહિત સોસાયટી પરિવારના સભ્યો અને ડો. ધર્મેન્દ્રસિંહ ગોહિલ, ડો. ચૈતન્યસિંહ ગોહિલ, ડો. ઓમદેવસિંહ સહિત મોટી સંખ્યામાં ડોક્ટર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.