શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રએ મહિપત કવિ, હેમંત ચૌહાણ અને પરેશ રાઠવાને સન્માનિત કરી ગૌરવશાળી ઈતિહાસનું સન્માન કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 3 ઓગસ્ટ, 2023ના રોજ ત્રણ કલાસાધક પદ્મશ્રીઓ મહિપત કવિ, હેમંત ચૌહાણ અને પરેશ રાઠવાના અભિવાદનનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે અખિલ ભારતીય સહસંયોજક (સામાજિક સમરસતા ગતિવિધિ) રવીન્દ્રજી કિરકોડે ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણીની અઘ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં 7000 જેટલાં વિધાર્થીઓ, ભવનોના અધ્યક્ષ, અધ્યાપકો નાગરિકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
હેમંત ચૌહાણે જણાવ્યું કે, કલાસાધનાથી 10 હજાર જેટલી સંતોની રચનાઓ પોતાના કંઠે પ્રસ્તુત કરી છે અને તેનું રેકોર્ડિંગ પણ સાચવ્યું છે.જ્યારે પદ્મશ્રી પરેશ રાઠવાએ જણાવ્યું કે ભારત સરકારે મારી કલાનું નહીં પણ આદિવાસી સંસ્કૃતિ અને કલાનું સન્માન કર્યું છે. પદ્મશ્રી મહિપત કવિએ 93 વર્ષની ઉંમરે પણ ભારતની આશરે 1000 વર્ષ જૂની કઠપૂતળી કલાની સાધના કરી છે. યુરોપના લગભગ બધા દેશોમાં કઠપૂતળી કલા વિશે વ્યાખ્યાન આપી કલાનું મહત્ત્વ સમજાવ્યું.