વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: ઝારખંડ પરની સિસ્ટમ લો-પ્રેશરમાં ફેરવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
ગુજરાતમાં લાંબા વખતથી વરસાદ અને વરસાદી માહોલ રહ્યા બાદ હવે આગામી 13 ઓગષ્ટ સુધી કોઈ ભારે મેઘ સવારીની સંભાવના નથી અને એકાદ-બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા ઝાપટા-હળવો વરસાદ થઈ શકે તેમ હોવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે, ચોમાસુ ધરી હાલ ગંગાનગર, હિસાર, અલીગઢ, વારાણસી, દીધા થઈને મધ્યપુર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે. 5.8 કિલોમીટરનું અપર એર સાયકલોનિક સરકયુલેશન ઝારખંડ તથા તેને લાગુ ઓડિશા-છતીસગઢ આસપાસ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાવ છે.
- Advertisement -
આ સિસ્ટમ મજબુત બનીને આજે લો-પ્રેસરમાં પરિવર્તિત થઈ શકે છે. એક અપર એર સાયકલોનીક સરકયુલેશન સીસ્ટમ 1.5 થી 4.5 કી.મી.ના લેવલમાં હરિયાણા તથા આસપાસના ક્ષેત્રોમાં છે. એક નબળો ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી ઉતરીય કર્ણાટક સુધી પ્રસ્થાપિત છે. તેઓએ કહ્યું કે, અમુક પરિબળો ખત્મ થશે અને નવા આકાર લેશે. ઝારખંડ-ઓડિશા-છતીસગઢની સીસ્ટમનું 3.1 કી.મી.ના લેવલનુ અપર એર સાયકલોનિક સરકયુલેશન ઉતર પશ્ચિમ તરફ ગતિ કરશે અને હરિયાણા પાસેની સીસ્ટમ સાથે ભળી જવા સાથે બહોળુ સરકયુલેશન સર્જવાની સંભાવના છે.
આ સીસ્ટમ દિલ્હી, ઉતરીય મધ્યપ્રદેશ, તેને લાગુ રાજસ્થાન તથા ઉતરપ્રદેશ પર છવાશે અને તેનો એક સામાન્ય ટ્રફ બે દિવસ દક્ષિણ રાજસ્થાન તથા તેને લાગુ ગુજરાત સુધી લંબાવાની સંભાવના છે. તા.9થી13 ઓગષ્ટ સુધીની આગાહીમાં અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ દરમ્યાન ગુજરાત રીજીયનના છુટાછવાયા અને કયારેક વધુ વિસ્તારોમાં ઝાપટા-હળવો-મધ્યમ વરસાદ થઈ શકે છે. એકલદોકલ વિસ્તારમાં ભારે વરસાદ શકય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ ભારે વરસાદની સંભાવના નથી. અમુક દિવસ છુટાછવાયા ઝાપટા કે હળવો વરસાદ થઈ શકે છે. આગાહીના સમયમાં પવનનુ જોર રહેવાની સંભાવના છે.