મોટાભાગનાં સ્થળોએ 15થી 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે ફરી વાતાવરણ પલ્ટો જોવા મળેલ હતો.અને સવારમાં શીત લહેરોનાં કારણે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.મોટાભાગનાં સ્થળોએ આજે લઘુતમ તાપમાન 15 થી 21 ડિગ્રી નોંધાયું હતું. જો કે ઠંડા પવનથી ટાઢોડાનો અનુભવ
થયો હતો.
ભાવનગર શહેરમાં પણ આજે સવારે 16 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા પુન: ઠંડીની તીવ્રતા અનુભવાઈ હતી.ગોહિલવાડ પંથકમાં આજે ગુરૂવારે ઠંડો પવન ફુંકાયો હતો. પવનની ઝડપ વધતા ઠંડીનો ચમકારો અનુભવાયો છે. આજે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન 19 ડીગ્રી નોંધાયું હતું.
સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 77 ટકા રહ્યું હતું.જયારે પવનની ઝડપ 16 કિ.મી પ્રતિકલાકની રહી હતી.આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ સવારે 7થી 10 કિ.મી ઠંડા પવન સાથે લઘુત્તમ તાપમાન 16-ડિગ્રી રહ્યું હતું. તેમજ આજે સવારે અમદાવાદમાં 18.4, અમરેલીમાં 17.7, વડોદરામાં 18.4, ભૂજમાં 17.2, દમણમાં 18.8, ડિસામાં 15.3, દિવમાં 19.3, દ્વારકામાં 19.6, ગાંધીનગરમાં 17 ડિગ્રી તથા કંડલામાં 15, નલિયામાં 15.5, ઓખામાં 21.1, પોરબંદરમાં 18.5, સુરતમાં 19, તથા સુરેન્દ્રનગરમાં 16.8 અને વેરાવળ ખાતે 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.