જૂનાગઢ-ગીર સોમનાથ મંદિર પરિસર સહિત સ્થળોએ રાત ભર કોમ્બિંગ
સોમનાથ મંદિર, ભવનાથ તળેટી અને માંગરોળ બંદરે સઘન ચેકિંગ
- Advertisement -
સુરક્ષા વ્યવસ્થાને રાખી હાઇવે, હોટલ અને શહેરમાં કડક ચેકિંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
દિલ્હીમાં ગત રોજ લાલ કિલ્લા પાસે એક કારમાં જબરજસ્ત વિસ્ફોટ થતાં સમગ્ર દેશમાં સુરક્ષાને લઈને હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. દિલ્હીમાં સોમવારે સાંજના સમયે બનેલી આ ગંભીર ઘટનામાં 9 લોકોના કરૂણ મૃત્યુ થયા હતા અને 24 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ વિસ્ફોટના પગલે દેશના મુખ્ય શહેરો સહિત અયોધ્યા મંદિર, કાશી વિશ્વનાથ મંદિર અને સોમનાથ મંદિર જેવા અનેક મુખ્ય ધાર્મિક સ્થળોને હાઈએલર્ટ પર મૂકી દેવામાં આવ્યા હતા, જેના પરિણામે જૂનાગઢ પોલીસ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવતાંની સાથે જ જૂનાગઢ જિલ્લાના એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી અને ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શનમાં જૂનાગઢ પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. પોલીસે તાત્કાલિક અસરથી શહેરના મુખ્ય પોઇન્ટ્સ સહિત હાઈવે પર કડક વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન સહીત જાહેર જગ્યા પર આ ચેકિંગ મોડી રાત સુધી ચાલ્યું હતું. સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસે શહેરની તમામ હોટલો, ધર્મશાળાઓ અને મુસાફરોના ઉતારાની જગ્યાઓ પર ખાસ ચેકિંગ હાથ ધર્યું હતું. બહારથી આવતા તમામ મુસાફરોની વિગતો અને તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, જૂનાગઢના ધાર્મિક અને સંવેદનશીલ ગણાતા સ્થળ ભવનાથ તેમજ દરિયાકિનારા પર આવેલા માંગરોળ બંદર સહિતના વ્યૂહાત્મક સ્થળો પર પણ પોલીસે સઘન ચેકિંગ શરૂ કર્યું હતું. બીજી તરફ, પડોશી જિલ્લા ગીર સોમનાથમાં આવેલા જગપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરને પણ હાઈએલર્ટ પર મૂકી દેવામાં આવ્યું હતું. ગીર સોમનાથ એસપીના આદેશ અનુસાર, સોમનાથ પોલીસે મંદિર પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. સોમનાથ મંદિર પરિસર આસપાસના વિસ્તારોમાં ડોગ સ્કોડ સાથે પોલીસે કાર પાર્કિંગની જગ્યાઓ સહિત સમગ્ર મંદિર પરિસરમાં ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે આ સુનિશ્ચિત કર્યું હતું કે મંદિરની સુરક્ષામાં કોઈ ક્ષતિ ન રહે અને શ્રદ્ધાળુઓ સુરક્ષિત વાતાવરણમાં દર્શન કરી શકે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની પોલીસે દિલ્હીની ઘટનાને ગંભીરતાથી લઈને, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તત્કાળ પગલાં લીધા હતા અને સમગ્ર સોરઠ વિસ્તારમાં શાંતિ અને સલામતી જાળવવા માટે સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવી દીધી હતી. પોલીસની આ સતર્કતાને કારણે લોકોમાં પણ સુરક્ષાની ભાવના મજબૂત થઈ હતી.



