ખાસ-ખબર સંવાદદાતા
આગામી તા. 21-1-2024 રવિવારના રોજ કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ‘એન્જોય બોર્ડ એકઝામ’ ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડ એકઝામ નજીક છે ત્યારે વિદ્યાર્થીઓ માટે સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટ ઉભું થાય અને વિદ્યાર્થીઓ એકઝામથી ડરે નહીં, પરંતુ ઉત્સવરૂપે ઉજવી સફળતા પ્રાપ્ત કરે તે આ સેમિનારનો ઉદ્દેશ્ય છે. બોર્ડ એકઝામની સાથે-સાથે જીવનરૂપી પરીક્ષામાં પણ વિદ્યાર્થી દરેક વિકટ પરિસ્થિતિ કે પડકારોનો સામનો ઉત્સાહ તથા આત્મવિશ્ર્વાસભેર કરી શકે તે માટે પણ આ ફ્રી સેમિનારની ટિપ્સ અત્યંત ઉપયોગી બની શકે તેમ છે. દેશના વિકાસનું ખરું ગ્રોથ એન્જિન એટલે કે વિદ્યાર્થીઓ તેમજ યુવાધનની કિંમત આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અત્યંત સારી રીતે સમજે છે. ‘પરીક્ષા પે ચર્ચા’ અભિયાન દ્વારા તેમણે ભારતનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ માટે બોર્ડ એકઝામ પહેલાં સરળ વાતાવરણ સર્જવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો. નરેન્દ્રભાઈ મોદીની આ વિચારધારાને આગળ ધપાવવા માટે રાજકોટ કોચિંગ ક્લાસ એસોસિએશન આ શુભ કાર્યમાં સહભાગી બની રહ્યું છે. આ ફ્રી સેમિનારમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર અને કોચ સુહાગ પંચાલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ એકઝામ કઈ રીતે આપવી, એકઝામ પહેલાં શું તૈયારીઓ કરવી, તૈયારી માટે કઈ મેથક અપનાવવી, ઓછા સમયમાં સ્માર્ટ વર્ક દ્વારા કઈ રીતે સફળતા પ્રાપ્ત કરવી? વગેરે જેવા અનેક મુદ્દાઓ પર તલસ્પર્શી માર્ગદર્શન આ ફ્રી સેમિનારમાં આપવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ સેમિનારનો લાભ લે તેવી અપીલ રાજકોટ કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન કરી રહ્યું છે. આ ફ્રી સેમિનારમાં ભાગ લેવા માટે નજીકના કોચિંગ ઈન્સ્ટીટયુટનો સંપર્ક કરી વહેલી તકે ફ્રી પાસ મેળવી લેવા માટે જણાવવામાં આવેલ છે. સેમિનારના સફળ આયોજન માટે રાજકોટ કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશનની કોર કમિટી જહેમત ઉઠાવી રહી છે. આ સેમિનારમાં વિવિધ કેટેગરીના સિલેકટેડ ટિચર્સને ‘ગુરુ બ્રહ્મા’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તે ઉપરાંત આ સેમિનારની અંદર આઈટીએમ યુનિવર્સિટી વડોદરા તથા સુચક કોમ્પ્યુટર રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેના કોર્ષ વિશેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવશે. આ સેમિનાર વિષે વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે 9099448447 પર સંપર્ક કરવો.