કાર્યકરોએ ગજબનાક માનવતા અને ત્વરાનું ઉદાહારણ પૂરું પાડ્યું
પોલીસ, ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચે તે પહેલાં મોટાભાગનાં લોકોને તો કાર્યકરોએ વોંકળામાંથી બહાર કાઢી લીધાં હતાં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે તારીખ 24 સ્પેટમ્બરે સર્વેશ્ર્વર ચોક નજીક સંતોષ ભેળ પાસેનો ઓટલો વોંકળામાં ધસી જતાં બનેલી ગંભીર હોનારતમાં સર્વેશ્ર્વર ચોક ગણપતિ મંડળના કાર્યકરોએ જબરદસ્ત સ્ફૂર્તિ અને માનવતા દાખવીને અનેક માનવજીંદગીઓ બચાવી હતી.
બેરિકેડ્સની મદદથી કાર્યકરો વોંકળામાં ઉતર્યા લગભગ 50 હજારની મેદનીને પણ કાબૂમાં કરી
- Advertisement -
રવિવારની રાત્રે લગભગ 8.30 વાગ્યે બનેલી આ દૂર્ઘટનામાં સ્લેબ ધસી પડતાં અનેક લોકો વોંકળામાં ધસી ગયા હતાં. રાત્રે સંતોષ ભેળ પાસે નાસ્તો કરી રહેલાં અનેક લોકો વોંકળામાં ધસી ગયા હતાં. આ સમયે નજીકમાં જ થતાં ગણપતિ ઉત્સવના કાર્યકરોએ સમયસૂચકતાનો ઉપયોગ કરીને તત્કાળ પોલીસને, ફાયર બ્રિગેડને અને 108ને ફોન કર્યા હતાં. અને આ બધાં આવે તેની રાહ જોયા વગર ગણપતિ મંડળના કાર્યકરો તત્કાળ રાહત અને બચાવના કાર્યમાં લાગી ગયા હતાં. કાર્યકરોએ બેરિકેડ્સની સીડી જેવું બનાવીને વોંકળામાં ઉતર્યાં હતાં. તેમણે ઝડપભેર ઘાયલોને બહાર કાઢ્યા હતાં. એ દરમિયાન જ કેટલાંક પોલીસ કર્મચારી અને 108ની ગાડીઓ આવી ગઈ હતી અને ઘાયલોને તત્કાળ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતાં. આમ, સર્વેશ્ર્વર ચોક ગણપતિ મંડળના કાર્યકરોની સમય સૂચકતા અને તત્કાળ એક્શનને કારણે અનેક લોકોનો જીવ બચી ગયો હતો.
કાર્યકરોએ 50 હજારની મેદનીને કાબૂમાં કરી!
આ દૂર્ઘટના બની ત્યારે સર્વેશ્ર્વર ચોકનાં ગણપતિના દર્શનાર્થે હજારો લોકો આવ્યા હતાં. બદ્રીનાથ ધામની થીમ પર આયોજીત આ ગણપતિ ઉત્સવ ખૂબ લોકપ્રિય છે અને તેનાં દર્શને દરરોજ હજારો લોકો આવે છે. દૂર્ઘટના બની એ પછી કૂતુહલવશ હજ્જારો લોકો ઘટના સ્થળે ધસી રહ્યાં હતાં ત્યારે સર્વેશ્ર્વર ચોક ગણપતિ ઉત્સવના કાર્યકરોએ જ તેમને કાબૂમાં રાખ્યા હતાં. જો આવું ન થયું હોત તો વધુ એક અકસ્માત થાય તેવી સ્થિતિ હતી. આ ઉપરાંત દર્શનાર્થે આવતા ઘટનાથી અજાણ એવા નવા દર્શનાર્થીઓને પણ કાર્યકરોએ ખૂબ જહેમત ઉઠાવીને પાછા વાળ્યા હતાં.
વોંકળા પરનો સ્લેબ તૂટવાના અલગ-અલગ કારણો બહાર આવ્યા
રાજકોટના સર્વેશ્ર્વર ચોકમાં સર્જાયેલી દુર્ઘટના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જે જગ્યાએ ગતરોજ દુર્ઘટના સર્જાઈ હતી, તે જગ્યાએ એક દુકાનદાર દ્વારા ટાઈલ્સ તોડવાનું મશીન ચલાવાયું હતું. ટાઈલ્સ તોડવાનું મશીન ચલાવતા સ્લેબ નબળો પડ્યો હોવાનું સામે આવ્યું છે. તો બીજી બાજુ ચર્ચાઈ રહ્યું છે કે, સર્વેશ્ર્વર ચોકથી શરૂ કરીને છેક નાગરિક બેંક સુધીનો આખો વોંકળો સ્લેબથી મઢી દેવાયો હતો. આ કારણે સ્લેબમાં ક્યાંય પણ હવાની અવરજવરની જગ્યા જ રહી ન હતી. વરસાદ બાદ સતત ગંદા પાણીના વહેણ અને તેને કારણે બંધ વોંકળાની અંદર ગેસ ગળતરને કારણે સ્લેબના સિમેન્ટ અને સ્ટીલ પર સમયાંતરે અવળી અસર થતી હતી. આખરે સ્લેબ નબળો પડતા તૂટી પડ્યો.
શું હતી સમગ્ર ઘટના?
ગઈકાલે મોડીસાંજે સર્વેશ્ર્વર ચોકમાં ફૂડ બજારમાં આવેલા વોંકળા ઉપરનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. અચાનક સ્લેબ તૂટવાથી લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી, તો કેટલાક લોકો સ્લેબ તૂટવાથી નીચે ખાબક્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે સ્થાનિક લોકોની સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી.