ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના 72 ગામના સરપંચો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. રાજુલા શહેર તેમજ તાલુકાના 72 ગામોમાં ગ્રામ સેવક, તલાટી મંત્રી અને પ્રાથમિક શાળાના શિક્ષકોની અછત હોવાને કારણે સરપંચોએ આવેદનપત્ર આપ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, રાજુલા તાલુકામાં કુલ 72 ગામો તથા શહેરનો સમાવેશ થાય છે. અને હાલની સ્થિતિ અનુસાર ગામડાઓમાં માત્ર 7 ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવી છે. જેમા માત્ર છ જ ગ્રામ સેવક કાર્યરત છે. તેમજ તલાટી મંત્રીઓની પણ ઘણી ખાલી જગ્યાઓ પડેલી છે. જેથી કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. જેના કારણે આવકના દાખલ, જમીનના દાખલ, સહાયની કામગીરીમાં વિલંબ થાય છે. અનેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની પણ અછત હોવાને કારણે બાળકોના ભણતરની ગુણવત્તા પર સીધી અસર થાય છે. ત્યારે ગામડાઓમા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી ના છૂટકે બાળકોને પ્રાઇવેટ સ્કુલમાં અભ્યાસ માટે બેસાડવાની ફરજ પડે છે. તેમજ રાજુલા તાલુકામાં દરેક ગામોમાં તલાટી કમ મંત્રીની પણ અછત હોવાથી ગામડાઓમાં કામગીરીમાં ધીમી ગતીએ થઈ રહી છે. તેમજ અમુક ગામોમાં માત્ર ત્રણ ગામ વચ્ચે એક તલાટી કમ મંત્રી હોય જેથી ગામડાનો વિકાસ શક્ય નથી કારણ કે તલાટી કમ મંત્રી વગર કોઈ પણ જાતના ગ્રામ પંચાયતોના કામો થઇ શકતા નથી. સાથોસાથ જન્મ મરણના દાખલા, આવકના દાખલા, જમીનના દાખલા તથા સરકાર તરફથી આવતી સહાયો મનરેગા યોજનાના કામો થઈ શકતા નથી. જેથી ગામડાઓ પછાત ના પછાત જ રહે છે. આ ત્રણેય બાબતોએ દરેક બાબતમાં ગામડાંના વિકાસ, ખેડૂતોના હકો તથા બાળકોના ભવિષ્ય સાથે સંકળાયેલી છે. અને તાલુકાની વસતીને અનુરૂપ સરકારી સેવાઓ પુરતી રીતે ઉપલબ્ધ રહે તે રાજ્ય સરકારની જવાબદારી છે. ત્યારે હવે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે ગ્રામ સેવક, તલાટી કમ મંત્રી, અને પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછત હોવાથી વહેલામાં વહેલી તકે ખાલી પડેલી જગ્યાઓ પૂર્ણ કરી તાકિદે નિરાકરણ કરવામાં આવે તેવી સરપંચો દ્વારા માંગ કરવામાં આવી છે. આ તકે રાજુલા તાલુકાના વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજુલા તાલુકાના 72 ગામનાં સરપંચો દ્વારા વિવિધ માંગોને લઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું



