રાજુલા તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચો એકઠા થઇને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી
તમામ ખેડૂતોને નુક્સાન થયુ છે, તો તમામ ખેડૂતોને સહાય ચુકવવા માંગ
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લાના રાજુલા- જાફરાબાદ પંથકમાં ભારે કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. કુદરતી આફતને કારણે ખેડૂતોને મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ ગયો તેવી પરિસ્થિતિ સર્જાય છે. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાની અંગે રાજ્ય સરકાર દ્વારા વિવિધ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યા હતાં. જે બાદ અમરેલી જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોની મંત્રી કૌશિક વેકરીયાએ મુલાકાત કરી અને ખેડૂતો સાથે નુકસાની અંગેની માહિતી મેળવી હતી.
અને સરકાર દ્વારા જીલ્લા અને તાલુકાઓમાં નુકસાન અંગે સહાય માટે ડીજીટલ સર્વેને આદેશ આપ્યો છે. પરંતુ રાજુલા તાલુકાના 72 ગામનાં સરપંચોએ ડીજીટલ સર્વેનો વિરોધ કર્યો હતો. સરપંચો દ્વારા વિરોધ એટલા માટે કરવામાં આવ્યો છે કે, કમોસમી વરસાદથી તમામ ખેડૂતોને નુક્સાન થયું છે. જેથી સર્વે કરવાનો ઇન્કાર કર્યો છે.
અને તમામ ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી સરપંચોની માંગ ઉઠી છે. 72 ગામના સરપંચો માર્કેટીંગ યાર્ડ થી તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા. તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થઇને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. સરપંચોએ તાલુકા વિકાસ અધિકારીને સમક્ષ 72 ગામડાઓમાં ડીજીટલ સર્વે ન કરવા અંગે રજૂઆત કરાઇ હતી. તમામ સરપંચોએ એકઠા થઇને લેખીત પત્ર પણ પાઠવ્યો હતો. આ પત્રમાં જણાવેલ કે, રાજુલા- જાફરાબાદ અને ખાંભા તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખુબજ મોટા પ્રમાણમાં ખેતીના પાકને નુકસાન થવા પામેલ છે. જેના કારણે હાલ ડિજીટલ સર્વે કરવાનું જાણવા મળેલ છે જેથી અમારા વિસ્તારના ખેડુતોની એક જ માંગ છે કે, સરકાર દ્વારા ડિઝીટલ સર્વે બંધ કરી દરેકને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી અમારી માંગ છે. તેમજ બાકી રહેલ માલ ટેકાના ભાવે ખરીદી લેવા અમારી ખેડુતો વતી સરપંચોની માંગણી છે તેમ જણાવ્યું હતું. ત્યારે હવે રાજય સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોને સહાય ચુકવવા આવે તેવી માંગ ઉઠવા પામી છે.



 
                                 
                              
        

 
         
        