કોરોના ક્ટ્રોલમાં નક્કર કામગીરી ઓછી વાહવાહી વધારે
ઓછા ડેથ રેટ અને વધુ રિકવરી રેટના નામે નિષ્ફળતા ઢાંકવાનો પ્રયાસ
ભારતમાં કોરોનાના કુલ પોઝિટિવનો આંકડો 25 લાખે પહોંચી ગયો છે.વિશ્વના કોરોનાગ્રસ્ત કુલ 213 રાષ્ટ્રોમાં આપણે ત્રીજા ક્રમે છીએ. દરરોજ થતાં નવા કેસમાં આપણે પ્રથમ ક્રમે છીએ.દરરોજ માણસો મરી રહ્યા છે.કોરોનાના ભરડામાં પ્રજા પીસાઈ રહી છે.બિલાડીના ટોપની જેમ ખાનગી કોવિડ હોસ્પિટલો ધડાધડ ખુલી રહી છે છતાં હોસ્પિટલોમાં જગ્યા મળતી નથી.કોરોનાના પ્રારંભે સરકારે “હજારો બેડ વાળી હોસ્પિટલો”ઉભી કરી દીધાના દાવા કર્યા હતા એ હોસ્પિટલો શોધ્યી જડતી નથી. લાચાર દર્દીઓ લૂંટાઈ રહ્યા છે. અને છતાં સરકારશ્રી તો કહે છે કે અન્ય દેશોની તુલનામાં આપણી સ્થિતી તો ખૂબ સારી છે.
આપણી સ્થિતી ખૂબ સારી છે એ વાક્ય આપણે પહેલે દિવસથી સાંભળી રહ્યા છીએ. પહેલી વખત સરકારના શ્રીમુખેથી એ દાવો થયો ત્યારે પણ 213 દેશોમાં આપણે 15મા નંબરે હતા. એટલે કે આપણી સ્થિતી 14 દેશો કરતા સારી હતી.પણ એ સાથે જ આપણાં કરતા અન્ય 198 દેશની સ્થિતી સારી હતી.પણ સરકાર માઇ બાપ કહે એ માનવું એ પણ દેશભક્તિનો જ એક પ્રકાર હોવાથી આપણે માની લીધું.આજે આપણે બીજા નંબરે છીએ ત્યારે પણ સરકાર કહે છે કે આપણી સ્થિતી તો ખૂબ સારી છે.સરકારે હવે ડેથ રેટ અને રિકવરી રેટ ક્ષેત્રે આપણી સ્થિતી અન્ય દેશો કરતા સારી હોવાનો જોરશોરથી દાવો શરૂ કર્યો છે.હકીકતમાં આ દાવો પણ છેતરામણો છે,લોકોની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ છે.કોરોનાને કાબુમાં લેવામાં નિષફળ ગયેલી સરકાર નિષફળતા ઢાંકવા માટે ડેથ રેટ અને રિકવરી રેટના આંકડાની માયાજાળ રચી રહી છે. આખા વિશ્વનો સરેરાશ રિકવરી રેટ 66% છે.એશિયાના દેશોનો સરેરાશ રિકવરી રેટ 76 % છે.આફ્રિકા ખંડના દેશોનો રિકવરી રેટ 71% છે.અને ભારતનો રિકવરી રેટ પણ 71 ટકા છે.આપણે હવે ફટાફટ દર્દીઓને રજા આપવા લાગ્યા છીએ.રજા આપતી વખતે ટેસ્ટ પણ નથી કરાતા. આ રીતે વધતાં રિકવરી રેટનું કાંઈ મહત્વ નથી.રિકવરી રેટને ભૂલી જાઓ.કોરોના જ્યારે ગાયબ થઈ જશે ત્યારે આખા વિશ્વનો સરેરાશ રિકવરી રેટ 97 % હશે.સ્થિતી વાસ્તવમાં સુધરી ત્યારે કહેવાય જ્યારે નવા પોઝિટિવ કેસની સંખ્યા ઘટવા લાગે.પણ એ સંખ્યાતો વધતી જ જાય છે.સ્થિતી જરા પણ સારી નથી.સ્થિતિ ખૂબ ગંભીર છે.ખૂબ ચિંતા જનક છે.
- Advertisement -
ઓછા ડેથ રેટનો દાવો પણ ખોખલો છે.સરકાર મૃત્યુના આંકડા છુપાવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.તે વચ્ચે પણ મૃત્યુના આંકડા બિહામણા છે.મૃત્યુદર વસ્તીના આધારે ન જોવાનો હોય.પોઝિટિવ કેસમાંથી કેટલા મર્યા એ મૃત્યુ દર જોવાનો હોય.એશિયાના દેશોનો સરેરાશ મૃત્યુદર 2.14 % છે.આફ્રિકાના દેશોનો સરેરાશ મૃત્યુદર 2.25 %છે.ભારતનો ડેથ રેટ એનાથી સહેજ ઓછો એટલે કે 2 %છે.એટલે બહુ હરખાઈ જવા જેવું નથી.એશિયા અને આફ્રિકાના દેશોના લોકોની રોગપ્રતિકારક શક્તિ યુરોપ અને અમેરિકાના લોકો કરતા વધારે છે એટલે આપણે ત્યાં તુલનામાં ડેથ રેટ ઓછો છે.સરકાર લીંબડ જશ લઇ રહી છે.
હકીકત એ છે કે કોરોના સામેના જંગમાં જમીની કામગીરી ઓછી અને આપણી ને આપણી વાહવાહી વધારે થઈ.22મી માર્ચે વડાપ્રધાને જનતા કરફ્યુનું એલાન આપ્યું અને લોકોએ કરફ્યુ પાડ્યો. તે સાથે જ શરૂ થયુ કે ઓહો..એક માણસની કેટલી તાકાત છે કે એના એક આહવાન ઉપર આખા દેશે સજ્જડ કરફ્યુ પડ્યો.પછી થાળીઓ વગાડી,થાળી રાસ કર્યા.24મીએ લોકડાઉન શરૂ કર્યું તો વળી ભક્તિભાવ છલકવા લાગ્યો કે આવડા મોટા દેશમાં એક સાથે લોકડાઉન કરવાની હિંમત આ એક જ માણસમાં છે.કેવો નસીબદાર દેશ.
પછી દિવડા પ્રગટાવ્યાં.એમાં આધ્યાત્મિક તત્વ ઉમેરાયું.નવ વાગ્યાનો સમય,નવ મિનિટનું ભાષણ,નવડાનું ગેબી રહસ્ય,એ રુડી પળે ગ્રહોનું પરિભ્રમણ,ચુંબકીય શક્તિ,દિવડાની જ્યોત..વાહ સાહેબ વાહ..કોરોનાનું ગજું છે આપણી સામે આંખ ઊંચી કરીને પણ જોવે? દિવડાતો કર્યા,ફટાકડા પણ ફોડ્યા અને એટલું જ નહીં કોરોનાનો હુરિયો પણ બોલાવ્યો.કોરોનાનો હુરિયો બોલાવ્યો હોય એવો વિશ્વનો એક માત્ર દેશ હોવાનું બહુમાન આજે પણ આપણે ખાતે અડીખમ નોંધાયેલું પડ્યું છે.અને કોરોના સામેના જંગમાં પણ સૂત્રો ઉપયોગમાં લેવાયા હોય એવો દેશ પણ એક માત્ર ભારત છે.”જાન હૈ તો જહાન હૈ” અને તે પછી “જાન ભી હૈ જહાન ભી હૈ” જાન અને જહાન બન્ને જોખમમાં છે.
- Advertisement -
સરકારે 500 પોઝિટિવ કેસ હતા ત્યારે ચાર કલાકની નોટિસમાં લોકડાઉન જાહેર કરી દીધું.
લાખો શ્રમિકો અને બહારગામ ગયેલા અન્ય લાખો લોકો જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા.21 દિવસમાં કોરોનાની બ્રેક તોડવાનો દાવો કરાયો હતો.એ પ્રથમ લોકડાઉન દરમિયાન એગ્રેસીવ સેમ્પલ ટેસ્ટિંગ કરવાને બદલે સરકાર આપણી સ્થિતી સારી હોવાની ડંફાશ મારતી રહી.માત્ર 500જ કેસ હતા ત્યારે લોકડાઉન કર્યું અને 75000 પોઝિટિવ કેસ થયા ત્યારે શ્રમિકોને વતનમાં જવાની છૂટ આપી.એ શ્રમિકો આખા ભારતમાં ચેપ લઇ ગયા.એ પછી ઇન્ટર સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવાયો.પરિણામે એક એક જિલ્લામાં કોરોના પ્રસર્યો.અને આજે હવે એ કાબુ બહાર છે.સરકારે તો હળવેકથી કહી દીધું કે આપણે કોરોના સાથે જ જીવવાનું છે.અરે માવતર,તમે કહ્યું એ તમારી મહાનતા, પણ ન કીધું હોત તો’ય અમે બીજું કરી પણ શું લેવાના હતા.તમે કહો એ સાચું.તમે કહો તો અમે થાળીઓ વગાડીએ.આમ પણ અમને તાળીઓ વગાડવાનું ફાવી ગયું છે.સરકાર સલાહો ઉપર સલાહો આપે છે.એક પ્રધાન ભાભીજી પાપડ ખાવાનું કહે છે.બીજા ગૌ મૂત્રનું આચમન કરવાનું કહે છે.ત્રીજા હનુમાનચલિશાના પાઠ કરવાનું કહે છે.શાસનમાં નકરા દિવ્યપુરુષો અને બુદ્ધપુરુષો છે.એમના સદનસીબે પ્રજા અબુધ છે.એટલે આપણી સ્થિતી તો ખૂબ સારી છે.દુનિયા આખી આપણી સામે અચંબિત થઈને અમથી તો નહીં નિહાળતી હોય ને!